સાવરકુંડલા પંથકમાં પ્રેમ સંબંધની અદાવતમાં એક વેપારી પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. હેતલ નામની યુવતી સાથેના પ્રેમ સંબંધનું મનદુઃખ રાખી આરોપીએ વેપારીને વિશ્વાસમાં લઈ હિંસક હુમલો કર્યો હતો. આ અંગે મનિષભાઇ નવીનભાઇ અધ્વર્યુએ રાજુભાઈ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો અનુસાર, હુમલાખોર રાજુભાઈએ તેમને પોતાના મોબાઈલ નંબર પરથી ફોન કર્યો હતો. તેણે આંબરડી અને રાયડી ગામે ફોરવ્હીલ ગાડી ભાડે લઈને જવાનું કહી તેમનેને સાવરકુંડલાની રાજધાની ચોકડી, ખાંભા રોડ પર બોલાવ્યો હતો. તેઓ પોતાની ગાડી લઈને જતાં આરોપી તેને સાથે બેસીને રાયડી તરફ લઈ ગયો હતો. જ્યારે ગાડી ઘનશ્યામનગર અને રાયડી ગામ વચ્ચેના રસ્તે પહોંચી, ત્યારે આરોપીએ અસલી રૂપ ધારણ કર્યું હતું. આરોપીએ તેને પૂછ્યું હતું કે, તું હેતલ સાથે પ્રેમ સંબંધમાં છે ને? તેમ કહી ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલા લોખંડના હથિયાર વડે હુમલો કરી દીધો હતો. આરોપીએ તેના કપાળ અને લમણાના ભાગે ત્રણ ઘા ઝીંકી દીધા હતા. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચતા ૧૨ ટાંકા લેવા પડ્‌યા હતા.