અમરેલી જિલ્લાના ધારી-તુલસીશ્યામ રોડ પર આવેલા જાણીતા ‘ધ ફન વિસ્ટેરિયા’ રિસોર્ટમાં ચોરીની મોટી ઘટના સામે આવી હતી. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા એક સોની વેપારી પરિવાર સાથે અહીં રોકાયા હતા, ત્યારે મોડી રાત્રે અજાણ્યા તસ્કરે રૂમમાં પ્રવેશી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૧૧,૪૯,૦૦૦ ના મતાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ અંગે અમદાવાદ-બાપુનગર વિસ્તારમાં રહેતા અને સોની કામ કરતાં વેપારી હરેશભાઇ મોહનભાઇ લુહારે અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તસ્કર રિસોર્ટની પાછળની દીવાલ ટપીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રિસોર્ટના રૂમ નં. ૪૦૫ના પાછળના ભાગેથી ચઢીને કાચનો સ્લાઇડર દરવાજો ખોલી રૂમમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરે રૂમમાં રાખેલી હેન્ડબેગને નિશાન બનાવી હતી જેમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટીઓ, સોનાની બુટ્ટી, પત્ની અને પુત્રીની બે કાંડા ઘડિયાળ તથા રોકડ રૂ. ૯,૦૦૦ હતા. કુલ મળી રૂ.૧૧,૪૯,૦૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હતી. રિસોર્ટ જેવા સુરક્ષિત મનાતા સ્થળે સ્લાઇડર દરવાજો ખોલી થયેલી આ ચોરીએ પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા હતા. પોલીસે રિસોર્ટના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા.










































