અમરેલી શહેરમાં વર્ષ ૨૦૨૦માં બનેલી વ્યાજની પઠાણી ઉઘરાણી અને આત્મહત્યાની ચકચારી ઘટનામાં અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસમાં પઠાણી ઉઘરાણીના ત્રાસથી આપઘાત કર્યાના ગંભીર આક્ષેપો સાથે આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જોકે, અમરેલીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ આર.વી. બુખારીએ તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ આરોપી જીલુભાઈ દાનાભાઈ આહીરને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી તરફે રોકાયેલા સીનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદીની ધારદાર અને તાર્કિક દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. બનાવની વિગતો મુજબ, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ લક્ષ્મણપરી ગોસાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. મૃતકે મરતા પહેલા આપેલા નિવેદનમાં અને ઉતારેલા વીડિયોમાં આક્ષેપ કર્યો હતો કે પ્રેમજીભાઈ બાવીશી અને જીલુભાઈ આહીર પાસેથી લીધેલા નાણાં પરત કરી દીધા હોવા છતાં, તેઓ વધુ નાણાં માટે પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ હતો કે આરોપીઓ ભાણેજનું અપહરણ કરવાની અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. પોલીસને તપાસ દરમિયાન
મૃતકના કપડામાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેને એફ.એસ.એલ.માં તપાસ અર્થે મોકલવામાં આવી હતી.ટ્રાયલ દરમિયાન સરકાર પક્ષે અનેક સાક્ષીઓની તપાસ કરવામાં આવી અને વીડિયો તેમજ સ્યુસાઈડ નોટ જેવા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સાક્ષીઓની ઉલટતપાસ દરમિયાન બચાવ પક્ષના વકીલ ઉદયન ત્રિવેદીએ કેસની ખામીઓ અને વિરોધાભાસી હકીકતો સફળતાપૂર્વક રજૂ કરી હતી. કેસની કાર્યવાહી દરમિયાન જ એક આરોપી પ્રેમજીભાઈનું અવસાન થયું હતું. અંતે, ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહેતા, અદાલતે આરોપી જીલુભાઈને નિર્દોષ ઠરાવી મુક્ત કર્યા છે.










































