ધોરાજી નગરપાલિકામાં સફાઈ કામદારોના હિતોને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. સમસ્ત વાલ્મિકી સમાજના સફાઈ કર્મીઓએ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ સફાઈ કોન્ટ્રાક્ટનો સખત વિરોધ કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યું છે. કામદારોએ રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટ પધ્ધતિમાં તેમનું મોટાપાયે આર્થિક શોષણ થાય છે અને આકસ્મિક મૃત્યુ જેવા કિસ્સાઓમાં કોઈ વળતર મળતું નથી. હાલમાં જે દસ લાખ રૂપિયાનો નવો સફાઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને તાત્કાલિક અસરથી રદ કરી કામદારોના પગારની સીધી ચુકવણી નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી આગ્રહભરી માંગ કરવામાં આવી છે. જો આ માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી ૨ તારીખથી શહેરની સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરી ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ધોરાજીમાં પહેલેથી જ રસ્તા અને પાણીની વિકટ સમસ્યાઓ છે ત્યારે સફાઈ કર્મીઓની હડતાળ લોકો માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.










































