૧૯, ૨૦ અને ૨૧ જાન્યુઆરી દરમિયાન ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાશેઃ નરેશભાઈ પટેલ

જાન્યુઆરી ૨૦૨૭માં વિશ્વ પ્રસિધ્ધ શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા ભવ્યાતિભવ્ય ‘દશાબ્દી મહોત્સવ ૨૦૨૭’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે તારીખ ૨ મે ને શનિવારના રોજ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ખોડલધામ મંદિરે એક અગત્યની મીટિંગ યોજાઇ હતી. જેમાં આ દશાબ્દી મહોત્સવના કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી. આ ઐતિહાસિક મહોત્સવ મંદિરના પરિસર, કાગવડ ખાતે ૧૯થી ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ઉજવાશે. આ અંગે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દશાબ્દી મહોત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાય તેના માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીશું. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી લઈને અત્યાર સુધી કરોડો લોકોએ અહીં આવીને મા ખોડલના આશીર્વાદ લીધા છે ત્યારે દશાબ્દી મહોત્સવમાં પણ લોકો ભાવથી જોડાશે. મહોત્સવમાં ૧૦૦૮ કુંડી મહાયજ્ઞ, લોકડાયરો, મહારાસ, મહા ધર્મસભા સહિતના ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાશે.