ગત તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૯ના રોજ ગજેન્દ્રભાઈ શેખવાને બાતમી મળી હતી કે ચિત્તલ વિસ્તારમાં કેટલાક કસાઈઓ રખડતા વાછરડાઓની ચોરી કરી કતલના ઈરાદે લઈ જઈ રહ્યા છે. આ માહિતીના આધારે જીવદયા પ્રેમીઓ અને પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ ઇન્ડિગો ગાડીને રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ગાડી ભગાવી હતી પરંતુ અંતે કાબુ ગુમાવતા ગાડી ખાળીયામાં ઉતરી ગઈ હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલા ચાર વાછરડાઓ મળી આવ્યા હતા. પોલીસે રમજાન અલી અને મોસીનભાઈ કાલવા નામના શખ્સોની ધરપકડ કરી હતી. અમરેલી સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ જજ રીઝવાનાબેન બુખારીએ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ બંને આરોપીઓને સાત વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કલમો હેઠળ પણ દંડ અને કેદનો હુકમ કરાયો છે જે નિર્ણયને સમગ્ર ગુજરાતના જીવદયા પ્રેમીઓએ આવકાર્યો છે.







































