લીલીયા તાલુકાના ગોઢાવદર ગામમાં તાજેતરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે અત્યંત ઉત્સાહભર્યું અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું હતું. ગોઢાવદર ખાતે બે મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા જેમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર કુલ ૪૮.૨૨ % જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું. ખાસ કરીને બપોરના સમયે આકરો તાપ હોવા છતાં લોકો લાંબી કતારોમાં ઊભા રહી પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા મક્કમ જણાયા હતા. આ ચૂંટણીમાં યુવાનોની સાથે વડીલોએ પણ પ્રેરણારૂપ કામગીરી કરી હતી જેમાં ૯૫ વર્ષના ભાયાબાપા અને ૮૫ વર્ષના વાલજીબાપાએ મતદાન મથક પર રૂબરૂ આવી પોતાનો મતાધિકાર વાપરી લોકશાહીને મજબૂત કરી હતી.