અમરેલી શહેરના જેશિંગપરા વિસ્તારમાં આવેલી ઠેબી નદીના પુલ પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મીની ટેમ્પો અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ૬૩ વર્ષીય નાનુભાઈ બાલુભાઈ ચોવટીયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં તેમના પત્ની મંજુબેન પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડાયા છે. જોકે, આ દુર્ઘટના બાદ સૌથી વધુ આઘાતજનક બાબત એ સામે આવી કે મૃતદેહ બે કલાકથી વધુ સમય સુધી રસ્તા પર રઝળતો રહ્યો હતો. મૃતકના સ્વજનો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે કાયદાકીય પ્રક્રિયા અને એમ્બ્યુલન્સની સુવિધાના અભાવે માનવતા નેવે મુકાઈ હતી. અકસ્માતના આટલા સમય બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા વહીવટી તંત્રની સંવેદનશીલતા અને સજ્જતા સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. તંત્રની આ ઢીલી નીતિને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.