સાવરકુંડલામાં એક યુવાને પત્ની સાથે થયેલા ઘરકંકાસ બાદ મનમાં લાગી આવતા ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હોવાની કરુણ ઘટના સામે આવી હતી. પત્ની એક માસથી પિયર હોવાથી એકલતા અને વિષાદમાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. જેન્તીભાઇ બચુભાઇ માંડાણી (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, પ્રહલાદભાઇ જયંતિભાઇ માંડાણી અને તેની પત્ની વચ્ચે આજથી આશરે એક માસ પૂર્વે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડા બાદ પત્ની રિસાઈને તેના પિયર ચાલી ગઈ હતી. પત્ની પિયર જતી રહી હોવાથી અને પરત ન ફરતા ભારે માનસિક તણાવમાં હતો. પત્ની સાથેના વિયોગ અને ઝઘડાની વાતનું તેને મનમાં ઓછું આવ્યું હતું. આ બાબતથી વ્યથિત થઈને યુવાને પોતાના ઘરે પોતે પોતાની મેળે ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી.
દવા પીધા બાદ હાલત લથડતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર કારગત ન નીવડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. એક માસ પહેલાના સામાન્ય ઝઘડાએ એક પરિવારનો માળો વિખેરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સાવરકુંડલા ટાઉન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.