વડિયા તાલુકાના તાલાળી ગામે પાણીના પીયતના પૈસાની ઉઘરાણી કરવા ગયેલા એક શખ્સ પર આરોપીએ ઉશ્કેરાઈ જઈ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આરોપીએ માત્ર પૈસા આપવાની ના પાડી એટલું જ નહીં, પરંતુ ફરિયાદીને ગાળો આપી પથ્થરના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે જયંતિભાઇ કાબાભાઇ ભોરણીયાએ રસીકભાઇ ગોગનભાઇ પડસાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે આરોપી પાસે પીયતના બાકી નીકળતા પૈસાની માંગણી કરી હતી. આરોપીએ ઉદ્ધત વર્તન કરતા કહ્યું હતું કે, મારે તમને કોઈ પૈસા દેવાના નથી, તમારે જે થાય તે કરી લ્યો. આ દરમિયાન આરોપીએ બેફામ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેમણે ગાળો આપવાની ના પાડી, ત્યારે આરોપીએ તેમનો શર્ટનો કાંઢલો પકડી લીધો હતો અને શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ હાથમાં પથ્થરનો ટુકડો લઈ તેમને કપાળના ભાગે તથા ગાલ પર મારવા લાગતા ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત હવે પછી જો મારી પાસે પૈસા લેવા આવ્યો તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. વડિયા પોલીસ સ્ટેશનના એેએસઆઈ એ.એમ.કાછેલા વધુ તપાસ કરી રહ્યા છે.










































