મોટી કુંકાવાવમાં આજે આંગણવાડીની બહેનો માટે આયોજિત એક તાલીમ શિબિર દરમિયાન અચાનક મધમાખીઓએ હુમલો કરતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અંદાજે ૨૫ જેટલી મહિલા કાર્યકરો મધમાખીના ડંખનો ભોગ બની હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.આ આકસ્મિક ઘટના મોટી કુંકાવાવના પ્રસિધ્ધ બાલનાથ મહાદેવ મંદિર પરિસરમાં બની હતી, જ્યાં આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણક્ષમ વિષય પર તાલીમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન મંદિરના પ્રાંગણમાં આવેલા એક લીમડાના વૃક્ષ પરથી અચાનક મધપુડો નીચે પડતા જ મધમાખીઓ ત્યાં ઉપસ્થિત બહેનો પર ત્રાટકી હતી. આ હુમલાને કારણે કાર્યક્રમમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી અને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.