બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વિદેશી દારૂ ભરેલી એક બેફામ સ્કોર્પિયો કારે બાઈક સવારને અડફેટે લીધા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે બોટાદ એલ.સી.બી પોલીસ બાતમીના આધારે આ શંકાસ્પદ કારનો પીછો કરી રહી હતી.
મળતી માહિતી મુજબ, બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે એક સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસની ટીમે આ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને જાઈ કાર ચાલકે વાહન બોટાદથી ગઢડા તરફ પૂરપાટ ઝડપે દોડાવ્યું હતું. પોલીસથી બચવા માટે બુટલેગરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગોરડકા ગામ નજીક એક બાઈકને જારદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી ભીષણ હતી કે સ્કોર્પિયો કાર રોડ નીચે ઉતરી ગઈ હતી અને પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે બાઈક પર સવાર એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.કાર પલટી ખાઈ ગયા બાદ પોલીસની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર બે શખ્સોની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે.
હાલ પોલીસે દારૂનો જથ્થો અને કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે. પૂરપાટ ઝડપે ભાગતા બુટલેગરોએ નિર્દોષ નાગરિકનો જીવ જાખમમાં મૂકતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.