રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ પોલીસને મોટી સફળતા મળી છે. દમણ પોલીસે ચોરીના ગુનાઓમાં કુખ્યાત તમિલનાડુની એક આંતરરાજ્ય ગેંગના ચાર સાગરીતોને દબોચી લીધા છે અને અંદાજે ૧૩ લાખ ૩૮ હજારની કિંમતના ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીઓની અત્યાર સુધીની પૂછપરછમાં તેઓએ દમણ ઉપરાંત વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ચોરી કરી અને વલસાડ જિલ્લા પોલીસને પણ દોડતી કરી દીધી હતી.
રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના નાની દમણ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક ઘરમાંથી ચોરી થઈ હતી. વહેલી સવારે ઘરમાંથી મોબાઈલ સહિત અન્ય કીમતી ઉપકરણોની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. સાડા પાંચ લાખથી વધુની ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. ત્યાર બાદ મામલાને ગંભીરતાથી લઈ દમણ પોલીસે વિવિધ ટીમો બનાવી અને તપાસ શરુ કરી હતી. તપાસના અંતે દમણ પોલીસે વાપીના તળાવ ફળિયા નજીકથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ચારે આરોપીઓ મૂળ તમિલનાડુના વેલોર જિલ્લાના છે અને તેઓ વાપીમાં રહી અને આસપાસના વિસ્તારમાં ચોરી કરી અને ફરાર થઈ જતા હતા. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પર એક નજર કરીએ તો, જીવા મુનિયપ્પા, આર્યા અનિયપ્પન, મુનિયપ્પા બલરાજ, મુનિયપ્પા મુરગનનો સમાવેશ થાય છે.
પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ મૂળ તમિલનાડુના વેલ્લોર જિલ્લાના છે. તેઓ ત્યાંથી અવારનવાર દેશના ખૂણે ખૂણે પહોંચતા હતા અને જે તે વિસ્તારની રેકી કરી અને કોઈ મકાનને નિશાન બનાવતા હતા. તેમાંથી ગણતરીના સમયમાં જ ચોરી કરી અને ફરાર થઈ જતા હતા. આરોપીઓ મોટેભાગે વહેલી સવારે જ ચોરી કરતા હતા. વહેલી સવારે નોકરી ધંધે જવાનો સમય હોવાથી મોટે ભાગે ઘરના દરવાજાઓ ખુલ્લા હોય છે. આથી આ સમયનો ગેરલાભ લઈ અને આ આરોપીઓ ગણતરીના સમયમાં જ ઘરમાંથી કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરી અને પલવારમાં ફરાર થઈ જતા હતા.
આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી વાપીના તળાવ ફળિયા નજીક એક ચાલીમાં રહેતા હતા અને ત્યારબાદ તેઓ વાપી અને આસપાસના વિસ્તારમાં વહેલી સવારે આવી રીતે ચોરી કરતા હતા. અને જા પકડાઈ જાય તો તેઓ તમિલ ભાષામાં વાતો કરી અને સામેવાળા વ્યક્તિને ભરમાવી દેતા હતા. અત્યાર સુધીની તપાસમાં આરોપીઓએ ન માત્ર દમણ પરંતુ વાપી, સંજાણ, ભીલાડ, પારડી સહિતના વિસ્તારોમાં પણ આવી જ રીતે ચોરીઓને અંજામ આપ્યો હતો. આરોપીઓ સુધી પહોંચવા દમણ પોલીસે ૧૨૦ થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા અને ત્યારબાદ તપાસના અંતે વાપી રેલવે સ્ટેશન નજીકથી તેઓને મહત્વની કડી મળતા તેઓએ વાપીના તળાવ ફળિયા નજીક એક ચાલીમાં રાત્રે રેડ કરી અને આરોપીઓને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે ૫૦ મોબાઇલ, ૫ લેપટોપ, એક ટેબલેટ સહિત અંદાજે ૧૩,૩૮,૦૦૦ થી વધુની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
પોલીસના હાથે ઝડપાયેલા આ ગેંગના આરોપીઓ મૂળ તમિલનાડુના વેલોર જિલ્લાના છે. પરંતુ અગાઉ દેશના અનેક રાજ્યોમાં તેમના કારનામાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. જેમાં દિલ્હી, મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં આવી જ રીતે ચોરી કરી અને અનેક રાજ્યોની પોલીસને દોડતી કરી દીધી હતી. અત્યારે પોલીસના હાથે આરોપીઓ લાગતા હવે આગામી તપાસમાં આ ગેંગે આચરેલા અનેક ગુનાઓના ભેદ ઉકેલવાની શક્્યતાઓ જાવાઈ રહી છે.