મોડાસાના સાયરાથી રાજસ્થાનના ડુંગરપુરના રસ્તે ટ્રાન્સપોર્ટની ટ્રકમાં થયેલી ૧.૧૦ કરોડની સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલવામાં અરવલ્લી એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. નવાઈની વાત એ છે કે, આ લૂંટનો માસ્ટરમાઈન્ડ બીજું કોઈ નહીં પણ તે જ ટ્રાન્સપોર્ટનો વર્ષો જૂનો વિશ્વાસુ ડ્રાઈવર નીકળ્યો છે.
મોડાસાના સાયરા પાસે વાવકંપા જતાં રોડ ઉપર રાત્રે ગાડીમાં આવેલા ૪ શખ્સોએ ગણેશ ટ્રાન્સપોર્ટની ટ્રક રોકીને ટ્રક ચેક કરવી છે તેમ કહી ડ્રાયવર સીટની પાછળ મૂકેલ રૂ.૧.૧૦ કરોડ કરતાં વધુના સોના ચાંદીના ઘરેણાના પાર્સલની લૂંટ કરી પલાયન થઈ જતાં ચક્ચાર હતી છે. ટ્રાન્સપોર્ટના ટ્રક નંબર ય્ત્ન૨૭ઠ ૪૯૭૦માં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ૫ દિવસ અગાઉ કાપડના કાર્ટૂન તેમજ અન્ય ૪૦ બોક્સ અને ૨૦ જેટલા જુદા જુદા જ્વેલર્સ વેપારીઓના સોનાના પાર્સલ નંગ ૧૮ તથા ચાંદીના પાર્સલ નંગ ૨ ભરીને અમદાવાદથી ડુંગરપુર જઈ રહ્યા હતા ત્યારે રસ્તા મા ગાડી મા આવેલા અજાણ્યા શખ્સોએ ટ્રકને આંતરીને ડ્રાયવરની સીટ પાછળ રાખવામાં આવેલા ૭૦૦ ગ્રામ સોનાઅને ત્રણ કિલો ચાંદીના દાગીનાના પાર્સલની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા હતા.
અરવલ્લી જિલ્લાની મોડાસા એલસીબી પોલીસે એક એવા ગુનાનો ભેદ ઉકેલ્યો છે, જેની મોડસ ઓપરેન્ડી સાંભળીને તમે પણ ચોંકી જશો. પાંચ દિવસ પહેલા થયેલી લાખોની લૂંટના આરોપીઓ જ્યારે લૂંટેલું સોનું વેચવા રાજસ્થાન જઈ રહ્યા હતા, ત્યારે જ પોલીસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી તેઓને દબોચી લીધા છે.જ્યાં મોડાસાના રાજેન્દ્રનગર ચોકડી પાસેના, મોડાસા રૂરલ પોલીસ વાહન ચેકિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે એક કાળા રંગની સ્કોર્પિયો ગાડી (૦૭-૦૧૦૦) લૂંટના દાગીના લઈને રાજસ્થાન તરફ જઈ રહી છે. પોલીસે સતર્કતા દાખવી વોચ ગોઠવી અને જેવી સ્કોર્પિયો પસાર થઈ, પોલીસે તેને કોર્ડન કરી લીધી. ગાડીની તલાશી લેતા પોલીસને પ્લાસ્ટિકની થેલીમાંથી જે મળ્યું તે જાઈને અધિકારીઓ પણ અવાક રહી ગયા.
ગાડીમાંથી સોના-ચાંદીના દાગીના, લગડીઓ અને બિસ્કીટ મળી આવ્યા હતા. પોલીસે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે લૂંટના માસ્ટર માઈન્ડ જુનેદ સિંધીએ કબૂલાત કરી કે, પાંચ દિવસ પહેલા તેઓએ સાયરાથી વાવકંપા રોડ પર એક ટ્રાન્સપોર્ટની ટ્રકને નિશાન બનાવી હતી. આ લૂંટનું પ્લાનિંગ પણ કોઈ પ્રોફેશનલ ગેંગ જેવું હતું. આરોપીઓના મિત્ર અકબરે બાતમી આપી હતી કે અમદાવાદના કાલુપુરથી સોના-ચાંદી ભરેલી ટ્રક ડુંગરપુર જવાની છે પછી આરોપીઓએ ગ્રે કલરની વર્ના કારમાં ટ્રકનો પીછો કર્યો અને રસ્તામાં આંતરીને લાખોની લૂંટ ચલાવી હતી.
પોલીસે આ ઓપરેશનમાં કુલ રૂ. ૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂ. ૬૩ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને લગડીઓ છે. ગુનામાં વપરાયેલી વર્ના અને સ્કોર્પિયો ગાડીઓ, મોબાઈલ ફોન અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પોલીસે જપ્ત કરી છે. હાલ તો મોડાસા એલસીબી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ફરાર જૂનો ડ્રાઇવર અકબર અંગે કાર્યવાહી હાથ ધરી છે.










































