કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા તારીખ ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ જરખીયા ગામે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મિનાક્ષીબેન બારીયાના માર્ગદર્શન હેઠળ ખાતરના સંતુલિત ઉપયોગ વિષય પર એક વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના આશરે ૩૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ડો. બારીયાએ જમીન અને પાણીના પૃથ્થકરણનું મહત્વ સમજાવતા જણાવ્યું કે પાકની જરૂરિયાત અને જમીનની ફળદ્રુપતા મુજબ યોગ્ય સમયે અને પધ્ધતિથી ખાતરનો ઉપયોગ કરવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે. વિષય નિષ્ણાંત ડો. શ્વેતાબેન પટેલે ઉમેર્યું કે સંતુલિત ખાતરથી પાકની ગુણવત્તા વધે છે અને પર્યાવરણનું જતન થાય છે. આ પ્રસંગે ખેડૂત ભરતભાઈ ચોવટીયાના ખેતર પર પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સાધન-સામગ્રી જેવી કે ટીપણા, ગોળ અને ચણાનો લોટ એનાયત કરી વૈજ્ઞાનિક પદ્ધતિઓની સમજ આપી હતી. ઉપરાંત, કેવીકે ખાતે ૩૪ મહિલાઓને આધુનિક આઈ.સી.ટી. ટૂલ્સના ઉપયોગ અંગે પણ તાલીમ આપવામાં આવી હતી.









































