સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટના બાદ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી પ્રશ્નાર્થ ઊભો થયો છે. પોશ ગણાતા આ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.
મળતી માહિતી મુજબ, ટ્યૂશનથી ઘરે પરત ફરી રહેલી સગીરાને એક વ્યક્તિએ જાહેરમાં હાથ પકડી છેડતી કરી હતી. આરોપી તરીકે ઓળખાયેલા ૩૯ વર્ષીય મહંમદ ઇમ્તીયાઝે આ હરકત કરતાં આસપાસ હાજર લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઘટનાને જાતા જ સ્થાનિકોએ આરોપીને ઝડપી પાડી તેની ધોલાઈ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આરોપીની ધરપકડ કરી. પરંતુ પરિસ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ હતી કે ટોળાએ આરોપીને પોલીસ વાનમાંથી બહાર કાઢીને ફરી માર માર્યો હતો. સ્થિતિ નિયંત્રણ બહાર જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
આ ઘટનાના પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો, જેને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે જેથી ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પાટીદાર સમાજના આગેવાનો તેમજ ધારાસભ્ય મનુ પટેલ મોડીરાત સુધી પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા અને કડક કાર્યવાહીની માંગણી કરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપી બારડોલીનો રહેવાસી છે. પોલીસે સગીરાના વાલીઓને વિશ્વાસ અપાવ્યો છે કે આરોપી વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના ફરી એકવાર મહિલાઓની સુરક્ષા અને સમાજમાં વધતી અપરાધિક માનસિકતા અંગે ગંભીર ચર્ચાનો વિષય બની છે.











































