આઈપીએલ ૨૦૨૬ સીઝન મુંબઈ ઈન્ડીયન્સ માટે એક દુઃસ્વપ્નથી ઓછી રહી નથી. મુંબઈ ઈÂન્ડયન્સે અત્યાર સુધી સાત મેચ રમી છે, જેમાંથી પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ આ સિઝનમાં અત્યાર સુધીમાં ફક્ત બે મેચ જીતી શક્યું છે. શ્રેણીબદ્ધ હાર વચ્ચે, મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા હવે તપાસ હેઠળ છે. હાર્દિક પંડ્યા આ સિઝનમાં ખેલાડી અને કેપ્ટન બંને રીતે નિષ્ફળ રહ્યો છે. પરિણામે, તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેના ખરાબ ફોર્મને કારણે સવાલ ઉઠી રહ્યા છે કે શું આ તેની કેપ્ટન તરીકેની છેલ્લી સીઝન હશે.
હાર્દિક પંડ્યા ૨૦૨૪ માં મુંબઈ ઈન્ડીયન્સમાં પાછો ફર્યો અને ટીમમાં જાડાયા પછી તરત જ તેને કેપ્ટન બનાવવામાં આવ્યો. મુંબઈ ઈન્ડીયન્સે ૨૦૨૪ થી આઇપીએલમાં સૌથી વધુ મેચ હારી છે. આ સમયગાળા દરમિયાન, તેઓ ૨૨ મેચ હારી ગયા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા ક્રમે છે, આ સમયગાળા દરમિયાન ૨૧ મેચ હારી છે. ચેન્નાઈની વાત કરીએ તો, તેમની ટીમ હાલમાં સંક્રમણ સમયગાળામાંથી પસાર થઈ રહી છે. જ્યારે મુંબઈ ઈન્ડીયન્સના મોટાભાગના મુખ્ય ખેલાડીઓ હજુ પણ ટીમનો ભાગ છે, ત્યારે તેમની ટીમ સતત મેચ હારી રહી છે, જે ચિંતાનો વિષય છે.
માત્ર કેપ્ટન તરીકે જ નહીં, પરંતુ ખેલાડી તરીકે પણ, હાર્દિક પંડ્યાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. હાર્દિકને વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક માનવામાં આવે છે, પરંતુ આ સિઝનમાં અત્યાર સુધી, તે બેટ્‌સમેન કે બોલર તરીકે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો છે. તે આ સિઝનમાં અત્યાર સુધીમાં છ ઇનિંગ્સમાં ફક્ત ૯૭ રન બનાવી શક્યો છે. તેણે બોલિંગમાં ફક્ત ત્રણ વિકેટ લીધી છે, જ્યારે ૧૨.૬૬ ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે. આ સિઝનમાં, તેણે કેટલાક નિર્ણયો લીધા છે જેનાથી ચાહકો આશ્ચર્યચકિત થયા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં, હાર્દિક પંડ્યાએ તેની બે ઓવરમાં ૩૮ રન આપ્યા હતા. તે આ મેચમાં ખૂબ જ મોંઘો સાબિત થયો. આ દરમિયાન, જ્યારે ટીમને તેના બેટથી મોટી ઇનિંગ્સની જરૂર હતી, ત્યારે તે બે બોલમાં માત્ર એક રન બનાવીને ખરાબ શોટથી આઉટ થયો. ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચમાં મુંબઈ ઈન્ડીયન્સનો ૧૦૩ રનથી પરાજય કર્યો. આઈપીએલ ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ આ મુંબઈનો સૌથી મોટો પરાજય છે.