ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મતદાનના ગણતરીના કલાકો પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આમ આદમી પાર્ટી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે આપએ ભાજપની જ ‘બી ટીમ’ છે અને બંને પક્ષો મળીને લોકશાહીની મજાક ઉડાવી રહ્યા છે.
અમિત ચાવડાએ એક ખાનગી નિવેદનમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “ભાજપ અને આમ આદમી પાર્ટી ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં. તેઓ માત્ર દેશની જનતા સામે વિરોધી હોવાનું નાટક કરી રહ્યા છે. હકીકતમાં આ બંને પક્ષો આરએસએસના ફંડથી ચાલી રહ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ૨૦૧૧-૧૩ના આંદોલનો એક સુઆયોજિત કાવતરું હતું, જે બાદ કોંગ્રેસના મતો તોડવા માટે જ ‘આપ’નું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે આમ આદમી પાર્ટીના ૭ સાંસદો જે રીતે ભાજપમાં જાડાયા, તેને ટાંકીને ચાવડાએ મતદારોને સાવધ કર્યા હતા. તેમણે કહ્યું, “ગઈકાલની ઘટનાથી બધું સ્પષ્ટ થઈ ગયું છે. જા તમે આપના ધારાસભ્ય કે સભ્યને જીતાડશો, તો તેઓ અંતે ભાજપમાં જ ભળી જશે. કોંગ્રેસ છેલ્લા ૧૨વર્ષથી કહી રહી છે કે આપએ ભાજપની ‘બી ટીમ’ છે, જે આજે સાબિત થઈ ગયું છે.”
આવતીકાલે થનારા મતદાન અંગે જનતાને અપીલ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર સામે લોકોમાં ભારે વિરોધ જાવા મળી રહ્યો છે. તેમણે મતદારોને ચેતવણી આપતા કહ્યું કે જા તમે આમ આદમી પાર્ટીને મત આપશો, તો તમારો કિંમતી મત વેડફાઈ જશે કારણ કે તેઓ આડકતરી રીતે ભાજપને જ મદદ કરી રહ્યા છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ  દ્વારા મળીને લોકશાહીને કલંકિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પૂર્વે અમિત ચાવડાના આ નિવેદને રાજકીય આલમમાં નવી ચર્ચા જગાવી છે. હવે જાવાનું એ રહેશે કે આવતીકાલે મતદારો કોના પર વિશ્વાસ મૂકે છે.