ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે વધુ ગરમ બનતો જાય છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પક્ષની શિસ્ત જાળવવા કડક પગલું ભર્યું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહેલા ૨૬ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઉભો થયો છે.
આ કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે જ કામ કર્યું હતું અથવા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓને ગંભીરતાથી લેતા પ્રદેશ ભાજપના આદેશ હેઠળ તાત્કાલિક અસરથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા તમામ કાર્યકર્તાઓને આગામી છ વર્ષ માટે પક્ષના પ્રાથમિક તેમજ સક્રિય સભ્યપદથી દૂર રાખવામાં આવશે.
આ બાબતે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા કચેરી ‘શ્રી કમલમ્’ પરથી જાહેર થયેલી યાદીમાં જણાવાયું છે કે, પક્ષની આંતરિક શિસ્ત અને સંગઠનની એકતા જાળવવા માટે આ કાર્યવાહી જરૂરી બની હતી.
સસ્પેન્ડ થયેલા કાર્યકર્તાઓમાં વિવિધ સ્થાનિક સંસ્થાઓના સભ્યોનો સમાવેશ થાય છે. તેમાં જિલ્લા પંચાયતના ૨, ચાણસ્મા તાલુકા પંચાયતના ૧, શંખેશ્વર તાલુકા પંચાયતના ૧, રાધનપુર તાલુકા પંચાયતના ૧, સાંતલપુર તાલુકા પંચાયતના ૪, સિદ્ધપુર તાલુકા પંચાયતના ૨, પાટણ નગરપાલિકાના ૭ અને સિદ્ધપુર નગરપાલિકાના ૮ કાર્યકર્તાઓ સામેલ છે.










































