રાગ – વૈરાગ – ૧૯
મહેમાનો ગયા, પણ જતા જતા કહેતા ગયા,ધધધધદર વખતની જેમ માગસર મહિનાની પૂનમને દિવસે આ વર્ષે પણ બીલેશ્વરનો મેળો ભરાવાનો છે. તમે રૂપાને અચૂક મોકલજો. રૂપાને તેડવા માટે મોહનથી નાના મફતને ફટફટિયું લઈને મોકલાવીશું. આમ પણ બીલેશ્વરને કાંઠે વહેતી શેતલ નદીને કાંઠે અમારાં કુળદેવીનું સ્થાનક છે. અમે માનતા રાખેલી. અમારા મોહનનું વેવિશાળ થાય ત્યાર પછી રૂપા અને મોહનને પગે લગાડવા જવાની. આમ તો અમારા કુટુંબમાં પહેલેથી જ રિવાજ ચાલ્યો આવે છે. તમે મોકલશોને?
રૂપાની નણંદે વાતની બાંધણી કરીને મા સામે જોયું. મા સાનમાં બધું સમજી ગઈ. આંખ્યુંના ઈશારે સમજી ગઈ. કંકુ કશું બોલે એ પહેલાં તો જાણે નક્કીય કરી લીધું.
‘હા, હા, બેટા. એમાં વેવાણ ક્યાં ના પાડવાના છે? અને આમે તો સરખેસરખાં જુવાનિયાંવ છોકરા- છોકરીઓ દર વર્ષે મેળો માણવા ઊપડી જ જાય છે ને. આ વખતે રૂપા હોય તો સારું છેને? અમારું લાંબુપહોળું કુટુંબ છે. રૂપા જેવડી જ અમારીય છોકરીયું છે. રૂપાનેય ગમશે, અજાણ્યું નહીં લાગે.’
‘પણ..’ કંકુના મોઢે મણ એકનું પણ આવી ગયું. એ કોની સાથે જશે એ મૂંઝવણ તેના ચહેરા પર સ્પષ્ટ તરવરતી હતી કે એની નણંદે પુનઃસંધાન કરતાં કહ્યું,
‘એ તો અમે કહ્યુંને કે મફતને અમે ફટફટિયું લઈને મોકલાવીશું, રૂપા એની પાછળ બેસીને આવી જાય અને બીલેશ્વર ક્યાં આઘું છે? માંડ કલાક સવા કલાકનો મારગ છે.અહીંથી ઊપડો એટલે નડાળા, નાગપુર, ધરમપરા, નવલખાનો માંડવો થતાંકને બજરવાનો ઢાળ…પછી તો સીધો શેતલનો કાંઠો.!
‘અને તોય છતાં…’ રૂપાના સાસુએ માંજો પાયો, ‘…તોય છતાં એવું હોય તો રૂપાને તેડવા હું ખુદ આવું, બસ?’
‘ ના ભઈ, ના. એના દેર આવીને તેડી જશે તોય વાંધો નથી ’
‘ત્યારે શું?’ રૂપાનાં સાસુએ હસતાં હસતાં છીકણી સૂંઘતાં આંખ મિચકારી. નણંદ-સાસુની રમત સફળ થઈ. આમ તો જોકે આ રમત તો ન કહી શકાય, પણ એ બહાને રૂપાનાં પગલાં પડે અને વહુ કેવીક છે એની ખબર પડે.
‘તો પછી પાક્કુંને વેવાણ?’ રૂપાની સાસુએ ઊભી થતાં કહ્યું, ‘હું મફતને મોકલીશ. આમ તો મફત અને મોહન ભલે સગા ભાઈઓ ન હોય પણ સગાથીય વિશેષ છે. અમારા કળશી કુટુંબમાં કાકા-દાદાનો કોઈ ભેદભાવ નથી. કાકા-દાદાના તોય સગા ભાઈઓથી વિશેષ. બાકી અત્યારે તો એકનો એક દીકરો હોય તોય માવતરને ઘરની બહાર કાઢી મૂકે છે. અમારા છપ્પન જણના કુટુંબમાં હજી એક જ ચૂલે છપ્પન જણની ખીચડી એક સાથે થાય છે. ..રૂપાની સાસુએ આંખો ઝીણી કરી રૂપા સામે જોયું, પછી આગળ ચલાવ્યું, ‘તેમ છતા..તેમ છતાં હજી કોઈ દિવસ કોઈને કાંઈ ટંટો- ફરિયાદ નથી, બોલો.’
‘’ઉપરવાળાની મહેરબાની, મારી બહેન. બીજું તો શું કહું? આપણા વડવાઓની કૃપા, આપણા કરમ… ત્યારે જ ચાર ચાર પેઢીએ સંપ રહ્યો છેને.”
‘તમારી રૂપાય અમારા કુટુંબમાં સાકરમાં દૂધ ભળી જાય એમ ભળી જશે ને?’
‘હા બેન, મારી દીકરી તો ગવરી ગાય જેવી છે. એ તો જયાં દોરે ત્યાં જાય. મારી દીકરીને ગવરી ગાય બેય સરખાં.’
‘હા. આ વહુ અને વરસાદ સારાં હોય તો સારું બાકી વહરા હોય તો વસમું પડી જાય.’ કહેતાં ઊભાં થયાં, ‘અમારી બસનો ટાઈમ થઈ ગયો છે. હજી અહીંથી પાળિયાદગઢ જઈશું ત્યાંથી પાછો ટેમ્પો-બેમ્પો પકડીશું ત્યારે માંડ સાંજે ઘેર ભેગા થશું..’
સાસુએ ‘આવો બેટા રૂપાવહુ.’ કરતાં સાસુએ રૂપાને બોલાવી. રૂપા વાંકી વળી ત્યાં જ નણંદે એકકોર લઈ જઈને બ્લાઉઝના ખિસ્સામાંથી એક ગુલાબી ડબ્બી કાઢી અને એક કવર કાઢ્યું. અંદરના ઓરડામાં લઈ જતાં નાની નણંદે એની કેડયે હળવો ચીમટો ભર્યો, ‘લ્યો, ભાભી, આ મારા ભાઈએ મોકલાવ્યું છે.’..રૂપા અનિમેષ નજરે તાકી રહી. ગુલાબી ડબ્બી હતી અને એક કવર હતું.
‘વાંચજો અને પાછાં કાગળ લખજો. મારા ભાઈને બહુ યાદ આવો છો. આખી રાત મારો ભાઈ સૂતોય નથી. તમારી યાદમાં. આખી રાત તારા ગણ્યા કરે છે.’ કહી હડપચી ખેંચતાં પૂછ્યું ‘તો પછી મફતભૈ તેડવા આવેને ભાભી?’હકારમાં રૂપાએ ડોકું ધુણાવ્યું અને નણંદ ખિલ ખિલ કરતી હસી પડી.
**
અડધી રાતનો ગજ્જર ભાંગ્યો હતો. કાકા પૂનમચંદની દુકાનમાં કારસ્તાની કારીગર અને પૂનમચંદનો ભત્રીજો જયચંદ, મલકનો ઉતાર અરજણ, ગુંડાનો સરદાર જેસિંગ ગોરધન, કાળુ ગોરડો અને પંજો તરીકે ઓળખાતો એભલ બેઠા હતા. સીંગ, ચણા અને બટેકાની કાતરી- વેફરનો મુખવાસ ચાલતો હતો અને બરાબર વચમાં દારૂની બોટલ પડી હતી. હાથમાં પત્તાની જોડ હતી. જયચંદે કાળીનો ગુલામ ઊતરતાં કહ્યું,
‘આંકડે મધ છે ને માખિયું વગરનું છે અરજણિયા. ! સમો સારો છે. આપણો પ્લાન નવાણું ટકા ફેઈલ નહીં થાય, પણ આમાં મને એક નવી દિશા સૂઝે છે. નવી દૃશ્ય વંચાય છે.’
‘ક્યા જયચંદ ક્યા બોલ…’
અરજણ આગળ બોલે એ પહેલાં પૂનમચંદ બોલી ઊઠ્યો.
‘કઈ નવી દિશા છે?’
‘ઈટ મીન્સ…’ જયચંદે સિગારેટનો કશ લીધો.
‘ખીચડીમાં જ ઘી ઢોળાય એમ છે પછી આટલો મોટો દાખડો શું કરવો? અને બીજું કે બે ટટ્ટુઓને મારવા માટે આપણે આટલા બધા માણસોની પણ જરૂર નથી. કામ કળથી જ લ્યોને, બળથી શું કામ લ્યો છો?’
‘સમજાય છે. થોડું ઘણું સમજાય છે પૂનમચંદ બોલ્યા’,
‘જુઓ કાકા, તમે હમણાં જ વાત કરી કે એ છોકરીનું વેવિશાળ અરજણના સાળા હારે કરવાનું હતું, પણ છોડીને બાપ માન્યો નહીં. ભલે ન માન્યો, આપણે મનાવવો પણ નથી. પણ આપણે એક એવી ચાલ ચાલશું કે જેથી છોડી જ માની જાય.’
એ મેળામાં જવાની છે. એનો દેર- જેઠ જે કોઈ તેડવા આવવાનો છે. મેળે પહોંચે ત્યાર પછી એ મંદિરે દર્શન કરવા જવાનાં છે. એ પછી જેવો વળતાં વળે કે આપણે છોડીને પકડી લઈશું. છરીની ધારે- અરજણનો સાળો એની હારે ચાર ફેરા ફરી લેશે અને સુહાગરાત પણ મનાવશે. હવે આ સાવ સીધીસટ વાતમાં આપણે ક્યાં ઝાઝી મોથ મારવાની છે. બરાબર?’
હા… જેસિંગની આંખો બંધ થઈ ગઈ, ‘જયારથી ઈ છોડીનું રૂપ મારી આંખોમાં વસી ગયું છે ત્યારની મને નિરાંતે નીંદર પણ આવી નથી. બસ, એક વાર એ મારી બાંહોમાં આવી જાય.’
પણ ત્યાં જ અરજણે એને ટપલું માર્યું, ‘સાલા, બનેવીની તો શરમ રાખ.
‘એ સિવાય…’ જયચંદે એક ઓર પેગ ભર્યો, ‘એ સિવાય એક કળનું કામ કરવાનું છે. પેલા માસ્તરને આપણે ઝબ્બે કરવો પડશે. એ લાળિયો પેલી પાછળ જરૂર મેળે આવવાનો. આપણે એના ટાંટિયા ત્યાં ભાંગી નાખશું.’
મલકના ઉતાર બધા છૂટા પડયા ત્યારે ચંદ્ર આથમણે આવી ગયો હતો. કાકા જયચંદે પૂનમચંદનો વાંસો ઠપકારતાં કહ્યું,
‘કાંટે કાંટો ભાંગવાનું તો હું આપણા કુટુંબમાં જન્મ્યો ત્યારથી શીખ્યો છું. બીજું કે કાયદો આપણે હાથમાં લેવાનો નથી. આ બધા ગધેડા એને માટે બરાબર છે. હા, એક કેમેરાની જરૂર પડશે. આણે બાંધેલા ગાળિયામાં આપણે જ ન ફસાઈ જઈએ એનું ધ્યાન રાખવું રહ્યું, કાકા. આ જાતી જિંદગીએ તમારે જેલના સળિયા પાછળ જવું પડે તો તો મારા જીવતરને કલંક લાગે.’ બબડતો બબડતો સૂઈ ગયો.
આજે માગસર મહિનાની પૂનમ છે.
ગાઢ વગડામાં આવેલું બીલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. પાસે જ શેતલ નદીનો ધસમસતો કાંઠો છે. કોઈ રૂપાંગનાના વક્ષપ્રદેશ ઉપર વિખરાયેલા ગાઢ ઝુલ્ફાં જેવાં શેતલનાં ઊંડાં પાણી આસપાસના તટ ઉપર પથરાઈ ગયાં. છે. ઊંચી કાળકરાલ ભેખડો, આઘેરેકથી ડેમમાંથી પડતો શેતલનો ધોધ, નદીમાં આવતા અઢળક જળના પ્રવાહને લીધે બે કાંઠા છલોછલ છે. લીંબડા, આંબા, સાજડ, ગાંડા બાવળ અને આંબલીઓની બનેલી ઝાડી છે. મંદિરની અગિયાર ગજની ધજા સમસમ વહેતા માગશરી વાયરામાં ફરફરે છે. આગળ મોટું મેદાન છે. ત્યાં મેળો ભરાય છે. પાછળ થોડે દૂર સતીમાની દેરી છે.થોડેક આઘે શીતળા માતાનું મંદિર છે જે વર્ષોથી અપૂજ પાધુ રહે છે. હનુમાનજીની દેરી અને કાકાબળિયાની દેરીઓ પડખે આવેલી છે.જ્યારથી બીલેશ્વરના મેળે જવાની વાત આવી છે ત્યારથી રૂપાને જંપ નથી, અને જેની સાથે જવાનું છે એની સાથે જવાનું મન નથી. એ તો દિવાળીનું વેકેશન કરીને આનંદ આવ્યો ત્યારે જ એણે વાત કરી દીધી. આનંદ હસેલો. ‘સારુંને તારો દિયર તેડવા આવવાનો હોય તો ભાભી તૈયાર થઈને જાય એમાં નવાઈ શી છે?’
‘બીજું કાંઈ નહીં, તમે આવો છો?’
‘ન આવું તો?’
‘તો હું પણ નહીં જાઉં?’
‘તારો વર ખિજાશે.’
જવાબમાં રૂપાએ આનંદને ચીમટો ભરી લીધો.
‘ઓય તારી રૂપલી.’ કરતાં આનંદે હાથ છેડાવ્યો.
‘સારું આવીશ, બસ.’….અને રૂપાનું હૃદય નાચી ઊઠ્યું.પણ પૂનમને આગલે દિવસે સાંજે રૂપા ઉદાસ હતી.
(ક્રમશઃ)










































