હિન્દુસ્તાનના કોઈપણ ખૂણે કોઈપણ કક્ષાની ચૂંટણીઓ યોજાવાની હોય ત્યારે એક બદબોભરી, એક બીજાના ચરિત્રને કે નીતિઓને વખોડવાની, કાદવ ઉછાળીને એકબીજાને હલકા ચિતરવાની એક ટપલીદાવ જેવી બેશરમ પ્રવૃત્તિ ગલીએ ગલીએ, મહોલ્લે મહોલ્લે, ગામેગામ, દરેક શહેરે શરૂ થાય છે. માઈક્રોફોન પરથી, ટેલીવીઝનની ડીબેટમાં, છાપા ચોપાનીયા અને હવે ઉપરાંતમાં સોશ્યલ મીડિયામાં કર્કશ ગળા ઘસી ઘસીને કહેવામાં આવે છે કે ‘અધર ઈઝ હેલ…’ સાર્ત્રે કહેલું કે ‘બીજો નરક છે.’ અને જોસેફ પોલ ગોબેલ્સે કહેલું ‘ જયારે પણ હું એકાદ યહુદીને જોઉં છું ત્યારે મને ઉબકો આવી જાય છે….’. બીજો શા માટે નરક છે ? કારણ કે એ મારી સાથે નથી, મારા વિચારો સાથે સંમત નથી.મને ગમતો નથી, મારા સમાજ, જ્ઞાતી, સંગઠન કે ખેમાની વિરુધ્ધની નીતિઓ ધરાવે છે, મારા નેતા જેવા તેના વિચારો નથી. આજે પ્રવર્તમાન ગુજરાત કારણમાં આ પ્રકારના માનસ સાથે દરેક રાજકીય પક્ષ, સામાજિક સંગઠન કે જ્ઞાતી આંદોલન મેદાનમાં છે. આજના સોશ્યલ મીડિયા યુગમાં ઘણા બધા સામાજિક સંગઠનો અને અંદોલન સંચાલકો પોતાનો આઈટી સેલ ધરાવે છે. જેના દ્વારા એક બીજા પર ચાંપતી નજર રાખીને સામેવાળાની વાત કે આક્ષેપનો જવાબ એટલી તીવ્રતા અને ઝડપભેર આપાય છે કે ન્યુટન ગતિનો નિયમ થોથવાય જાય. ગોબેલ્સ કહેતો કે એક જુઠ છ વખત બોલો એટલે એ સત્યનું સ્વરૂપ ધારણ કરી લ્યે છે. અહી વાજબી તર્કની, વિચારીક સંતુલનની, સોહાર્દપુર્ણ સહસ્તીત્વ સ્વીકારવાની ગેરહાજરી હોય છે. અને પછી સોશ્યલ મીડિયા, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા પર શરૂ થાય છે લોહીથી લોહી ધોવાની પરંપરાનું વાકયુધ્ધ. આ ઉન્માદમાં એક કોન્વેન્ટિયા અજ્ઞાન વચ્ચે પેદા થયેલી અને ઉછરેલી અને બીજી અભણ રહી ગયા બરાબરનું શિક્ષણ લઈને ગઈકાલે પેદા થઈને આજે બરાબર બપોરે બજારમાં આવેલી સત્વહીન નિર્વીર્ય પ્રજાતિ ગાંધીને ગાળ દેવા જેવડી હિંમત કેળવી લ્યે છે. જયારે નેહરુ વડાપ્રધાન હતા ત્યારે સામા પક્ષે ડો.લોહિયા જેવા તેજાબી નેતા બેસતા. કોઈ વાત કે સંદર્ભે એક વખત નેહરુએ ડો.લોહિયા માટે ‘ગુંડો’ શબ્દ વાપર્યો. અવિશ્વાસની દરખાસ્તના પોતાના જલદ પ્રવચનમાં સંસદમાં ડો.રામ મનોહર લોહિયા એ કહ્યું, ‘ મેં ક્યારેય નેહરુ માટે અપશબ્દ વાપર્યો નથી.એણે મને ગુંડો કીધો. મને એમના પર ગુસ્સો નથી, મને એમની દયા ઉપજે છે..’ આજે આ વાત અત્યંત સૂચક છે. નાનપણનો એક કિસ્સો અત્યારે ઘણી વખત યાદ આવે છે, વાત છે ૧૯૮૫ની આસપાસની, ચોક્કસ વર્ષ યાદ નથી. ત્યારે જામનગર જીલ્લાના સાંસદ હતા દોલતસિંહ જાડેજા, ક્રિકેટર અજય જાડેજાના પિતાશ્રી. લોકસભાની ચૂંટણીના પ્રચારાર્થે અમારા ગામમાં આવેલા. ત્યારે પ્રચાર આવો આક્રમક અને આધુનિક નહોતો. ભીત પર લખાણો, છાપેલ પતાકાઓ, બિલ્લાઓ જેવું છાપેલ ચૂંટણી સાહિત્ય અને ચોરે બેસીને ઉમેદવાર પોતે ગામને સંબોધે અને પ્રશ્નો પૂછે સમસ્યાઓ જાણે. આવી જ એક ચોરાની સભા દોલતસિંહ સંબોધી રહ્યા હતા મારા ગામમાં. એણે ગામની કોઈ માંગણી હોય, કોઈ પ્રશ્ન હોય તો ગામજનોને પૂછ્યું. એ દાયકો હતો…દુષ્કાળનો દાયકો, સમસ્યાનો દાયકો હતો સૌરાષ્ટ્રના ગામો માટે અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન હતો. ગામમાં પીવાના પાણીનો કોઈ સ્ત્રોત નહોતો, પશુધન ને બચાવવાની સમસ્યા હતી.સડક વ્યવસ્થા પ્રાથમિક કક્ષાની હતી. વિ. અગણિત પ્રશ્નો હતા. પણ મારા ગામના એક અપ્રસ્થાપિત આગેવાને માંગણી કરી કે ગામમાંથી સીધી અમદાવાદની બસ ચાલુ કરાવો. અમે આઠ દસ વર્ષના નાનડિયા બધા સામે કુતુહલવશ ઉભા હતા. મેં મારા સહાધ્યાયીને પૂછ્યું ‘ આ અમદાવાદ ક્યાં આવ્યું ?’ એણે વધામણી ખાધી ‘કાલાવડની બાજુમાં’. ત્યારે એ આગેવાનની માંગણીમાં વાજબીપણું ગેરહાજર હતું. ચૂંટણી વર્ષમાં પ્રજાની માંગણીઓ અને અપેક્ષાઓ બળવતર હોય એ સ્વાભાવિક છે. શાસક અને વિરોધ પક્ષ જાહેરાતો કરીને પ્રજા કે પ્રજાના કોઈ હિસ્સાને રીઝવે એ પણ સ્વાભાવિક છે. કારણ કે પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં તુમારશાહીથી ચાલતી સરકાર કે રાજકીય પક્ષો ચૂંટણી સમયે કાર્યપધ્ધતિ બદલીને અચાનક પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ, ગતિશીલ બની જતા હોય છે. અહી સુધી બધું સમુસુતરું બરાબર છે, પણ સત્તા ટકાવવાની અને સત્તા મેળવવાની લાલચમાં રાજકીય પક્ષો જ્ઞાતી-જાતિ, લલ્લુ-પંજુ, છગન-મગન કે સમૂહની ઓથે કોઈની રાજકીય મહત્વકાંક્ષાને શરણે થાય એમાં સમગ્ર પ્રજાહિત જોખમાય છે. સામાજિક અને રાજકીય સંતુલન ખોરવાય છે. બળીયાના બે ભાગ, લાઠી તેની ભેંસ ઉક્તિઓ સાર્થક ઠરવા લાગે છે. જે લોકશાહીની તંદુરસ્તી માટે હાનીકારક છે. ભૂતકાળમાં રાજકીય પક્ષોની આવી નીતિઓને લીધે ખામ અને પક્ષ જેવી જ્ઞાતિવાદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી હતી. આ નીતિઓએ ગુજરાતને કેટલું નુકસાન કર્યું છે ગુજરાતે કેટલું ભોગવવું પડ્યું છે તેનો ઈતિહાસ તપાસવા બહુ દુર જવું પડે એમ નથી. અને આ ઇતિહાસનો અભ્યાસ કરવાની ગુજરાતને જે પાછા એ જ ભૂતકાળમાં લઇ જઈ રહ્યા છે એની તૈયારી નથી. માત્ર સત્તા પામવા કે ટકાવવા થતી શરણાગતિ રાજકીય પક્ષોની નબળાઈ પુરવાર કરે છે. શું તમારી પાસે મત માગવા પ્રજા વચ્ચે જઈ શકાય એવા તંદુરસ્ત મુદ્દાઓ નથી બચ્યા ? માઈક્રોફોન પરથી, મોબાઈલ પરથી વહેતો અસ્ખલિત વાણી અને અભિવ્યક્તિનો એક ગંદો અને હીન કક્ષાનો જુઠપ્રવાહ કોઈ હોદ્દા, ગરિમા, વ્યક્તિત્વ કે વિચારનું સારાપણુંની શરમ નથી ભરતો. વાણી સ્વાતંત્ર્ય ના નામે વિરોધીઓને ગાળ અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે તમે સરકારી અસ્ક્યામત તોડી સળગાવી શકો એટલી સ્વતંત્રતા ગુજરાતની પ્રજાએ ક્યારેય નથી ભોગવી. અને આ કે પેલી જ્ઞાતિની સામે એક્શન લેવાથી વોટબેંક જોખમાશે એવી બીકથી બેકફૂટ પર સરકારની મજબૂરી પણ અભૂતપૂર્વ છે. પોતાની જ્ઞાતી કે જાતિ કે સમાજ કે વર્ગને ગુમરાહ કરીને કે ઉશ્કેરીને નેતા બની શકાય એવું વાતાવરણ શાસક પક્ષ ભાજપે ઉભું કરી મુક્યું છે. આ ઉશ્કેરણી સતત બોલતી રહે છે અને પોતાના મનગમતા વિષયો સિવાય બીજા મુદ્દાઓ પર ચુપ છે. જયારે તમે વિવેક્બુધ્ધીના શૂન્યાવકાશ વચ્ચે કોઈ વિશે બોલો છો, લખો છો, ખરાબ લખો છો, જયારે તમારી આંગળીઓ મોબાઈલના ટચ સ્ક્રીન પર આ ઝેર ઓકી રહી છે ત્યારે તમારી જે માગણીઓને લઈને તમે આટલા આક્રમક છો એ માંગણીઓ પ્રજાના અન્ય વર્ગોને અન્યાયકર્તા તો નથીને એનું પ્રમાણભાન નથી રહેતું. અહી આપણને ના ગમતા એક ગુજરાતના જ પુત્ર મહમદ અલી જિન્નાહ ની એક વાત ટાંકીએ તો ‘અહી એક પ્રજાનો હીરો બીજી પ્રજાનો વિલન છે…અને એક પ્રજાનો વિલન બીજી પ્રજાનો હીરો છે.’
ક્વિક નોટ – બક્ષી બાબુએ ક્યાંક ટાંકેલો અકબર ઈલાહાબાદી નો એક શેર સાંપ્રત ગુજરાત પ્રવાહો સાથે અદ્દલ ફીટ બેસે છે.
‘‘કૌમ કે ગમ મેં ડીનર ખાતે હૈ હૂક્કામ કે સાથ
રંજ લીડર કો બહોત હૈ મગર આરામ કે સાથ….”
( જાતિના દુઃખમાં હાકેમો (સત્તાધીશો) સાથે ડીનર ખાઈ રહ્યા છે, લીડરને વેદના તો બહુ છે, પણ આરામ સાથે વેદના છે.)














































