‘ગરમ બટાટાવડા ચાય…’ ટ્રેનમાં ફેરિયા જે રીતે બૂમ પાડે તેવી સ્ટાઇલમાં આશાએ બૂમ પાડી કહ્યું હતું, ‘ટ્રેનમાં જો તમે મુસાફરી નથી કરી તો કંઈ નથી કર્યું’. ગાયિકા ન બન્યાં હોત તો આશા ભોસલે સારાં મિમિક્રી આર્ટિસ્ટ બની શક્યાં હોત.
આશા ભોસલે. મસ્તી અને માધુર્યનું મજેદાર
મિશ્રણ ! ઉછાંછળાપણું નહીં, બિનજરૂરી ગંભીરતા પણ નહીં. ગત ૧૨ એપ્રિલે ઇહ લોક છોડી સૂર અને સુર, બંને આમ તો એક જ, એ લોકમાં ચાલ્યા ગયેલાં આશા ભોસલે નવ વર્ષનાં હતાં ત્યારે પિતાજી પંડિત દીનાનાથ મંગેશકરનું દેહાવસાન થયું હતું. હવે પિતાજી ગણો કે ઘરનાં વડીલ, જે ગણો તે, કડક મિજાજનાં લતા મંગેશકર હતાં કારણકે તેમને પણ બહુ નાની વયે આ ભૂમિકા ભજવવાની હતી અને પરિવારમાં ગુજરાતી શેવંતીબહેન (લગ્ન પછી સુધામતી) માતા ઉપરાંત તેમના સહિત ચાર બહેનો અને એક ભાઈ હતાં.
૧૯૪૩માં મોટી બહેન લતા મંગેશકરે કારકિર્દી શરૂ કરી તેમની સાથે જ, મરાઠી ફિલ્મ ‘માઝં બાળ’માં ’ચલા ચલ નાવ બાળા ગાઈને કેવળ દસ વર્ષની વયે કારકિર્દી શરૂ કરી હતી. આ ગીતમાં મુખ્ય ગાયિકા લતા હતાં, આશા કારસમાં !
આઠ દાયકા સુધી કામ કર્યું. તેમણે ૧૨,૦૦૦થી વધુ ગીતો અનેક ભારતીય ભાષાઓમાં ગાયાં હતાં. તેમનું ગ્રામી એવોર્ડ માટે બે વાર નામાંકન થયું હતું. તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. તેઓ પદ્મ વિભૂષણથી પણ સન્માનિત થયાં હતાં.
મોટા બહેન કેબ્રે ગીતો ગાવાનાં વિરોધી હતાં પણ નટખટ આશાએ કેબ્રે અને પશ્ચિમી છાંટવાળા ગીતો ગાયાં. પણ તેમણે આજની અનેક ગાયિકાઓની જેમ અંગ પ્રદર્શનવાળા પોશાકને મહ¥વ ન આપ્યું. સદા સાડી, બકલ નાખી છૂટા વાળ, હાથમાં બંગડીની સેર લટકતી હોય, તે તેમનો બાહ્ય દેખાવ. આ લેખમાં આપણે આશાજીના અંગત મોટા ભાગે દુઃખી જીવનની વાત નથી કરવી. તેમના લતાજી સાથેના સંબંધો, લગ્ન અને પ્રેમજીવનમાં કડવાશ, સંગીતકાર દીકરા હેમંત ભોસલે અને કાલમિસ્ટ દીકરી વર્ષાનું મૃત્યુ જોયું વગેરેને બાજુએ મૂકી તેમનાં ગીતોની જ વાત કરીએ.
શરૂઆતમાં જેમ લતા મંગેશકરે નૂરજહાંની છાયામાં ગીતો ગાયાં તેમ આશાએ પણ ગીતા દત્ત અને શમશાદ બેગમના પ્રભાવમાં નાકમાંથી ગીતો ગાયાં. ૧૯૫૩ની ‘લૈલા મજનુ’નું ગીત ‘મેરે સરકાર તેરે’ સાંભળજો.
લતાને મુખ્ય નાયિકા પાછળ ગીતો મળતાં થયાં ત્યારે આશાના ભાગે ફિલ્મનું એકાદ ગીત આવતું જે ખલનાયિકા પાછળ રહેતું. દા. ત. ‘શ્રી ૪૨૦’નું નાદિરાની પાછળ ગાયેલું ‘મૂડ મૂડ કે ના દેખ’.
કેટલીક સુંદર ભૂલો કેવું સરસ પરિણામ લાવે છે તે જુઓ. ‘બાપ રે બાપ’ના ‘પિયા પિયા મોરા જિયા પુકારે’ ગીત વખતે કિશોરકુમારની કડી આવે છે ‘યે ઋત મનભાતીતેમાં વચ્ચે હીરોઇન ચાંદ ઉસ્માની આલાપ ગાઈ ઊઠે છે ને તરત કિશોરદા તેના મોંઢા પર હાથ મૂકી દે છે, તે ખરેખર તો આશાની ભૂલ હતી. રેર્કોડિંગ વખતે આશાએ સંકેત પણ કર્યો કે કટ કરો પણ કિશોરદા એ સામે સંકેત કર્યો કે રહેવા દેજો. પછી કહ્યું કે ફિલ્મનો હીરો હું જ છું તો શૂટિંગ વખતે હીરોઇનના મોઢા પર હાથ મૂકી દઈશ.
‘પેઇંગ ગેસ્ટ’ નું ‘ઓ નિગાહે મસ્તાના’ એવું ગીત હતું જેમાં આશાજીએ માત્ર ગણગણાટ એટલે કે હમિંગ જ કર્યું હતું. આશાજીની જગ્યાએ બીજી કોઈ એવી સફળ ગાયિકા આ રીતે ગણગણાટ કરવા તૈયાર થાય? પણ હવે બીજી રીતે વિચારો. એ ગીત આશાજીના ગણગણાટ વગર અધૂરું ન હોત?
એટલે એકબીજાનો અહંકાર નહોતો નડતો. આશાજીને ‘ઓ નિગાહે મસ્તાના’માં માત્ર ગણગણાટ કરવામાં, તો કિશોરદાને આશાજીની ભૂલ પડદા પર સુધારી લેવામાં કોઈ અહંકાર નહોતો.
કિશોરકુમારને એ ભગવાન જેવા માનતા હતા. પણ ભગવાન પર પણ ગુસ્સો આવે ને? કિશોરદાએ જે રીતે પાન ચાવવાના અવાજ સાથે અને થૂકવાના અવાજ સાથે ‘ખઈ કે પાન બનારસવાલા’ ગાયું તે આશાજીને પસંદ ન પડ્‌યું અને તેઓ એ ગીત વખતે ફિલ્મ અધૂરી છોડી થિએટરમાંથી ચાલ્યાં ગયાં હતાં.
કિશોરકુમાર સાથે આશાજીનાં સૂરીલાં અને મસ્તીભર્યાં ગીતોની લાંબી લાઇન છે, જેમ કે ‘એક મૈં ઔર એક તૂ’, ‘જાને જાં ઢૂંઢતા ફિર રહા’, ‘તૂ તૂ હૈ વો હી’, ‘આજ રપટ જાયે’ (તેમાં કિશોર કરતાંય આશા ચડીયાતા છે. ‘બાદલ સે છમ છમ શરાબ બરસે’માં ‘બરસે’ સાંભળજો. રફી ખૂબ સજ્જન હતા પણ આશાજીના કહેવા પ્રમાણે આશા તાન લે તો ખિજાઈ ગયા હતા કે આવું નહીં ચાલે (મારાથી સરસ ગાયું?). રફીના ચાહકોએ વાંધો મારી સામે નહીં, લેવો હોય તો સ્વ. આશા સામે લેવો, તેમણે આ કહ્યું છે.
૧૯૫૭માં સંગીતકાર ઓ. પી. નય્યરે ‘નયા દૌર’થી આશા ભોસલેનો નવો દૌર લાવ્યો. અત્યાર સુધી ફિલ્મોમાં મુખ્ય ગાયિકા લતા જ રહેતા. ઓ. પી.ની જ અગાઉની ફિલ્મોમાં (જેમ કે સી. આઈ. ડી.) ગીતા દત્ત અને શમસાદ બેગમ પણ હતાં, પરંતુ ‘નયા દૌર’માં આશા ભોસલે પાસે ‘ઊડે જબ જબ ઝુલ્ફેં તેરી’, ‘રેશમી સલવાર કુર્તા જાલી કા’, ‘માંગ કે સાથ તુમ્હારા’, ‘સાથી
આભાર – નિહારીકા રવિયા હાથ બઢાના’ જેવા એક-એકથી ચડિયાતાં ગીતો ગવડાવ્યાં. તો હવે એસ. ડી. પણ વ્હારે આવ્યા. ‘પેઇંગ ગેસ્ટ’માં બે ગીતો લતાનાં હતાં, તો બે ગીતો આશાનાં, તે પણ નાયિકા નૂતન પાછળ, અને તે પણ ડાન્સ ટાઇપ નહીં, પ્રણય ગીત.
૧૯૫૭ની ‘આશા’થી તો આશા ભોસલેએ ધૂમ મચાવી. ‘ઈના મીના ડીકા’ જેવું ધમાલભર્યું ગીત કિશોર અને આશાએ બંનેએ એકલાં ગાયું. તો ‘ચલતી કા નામ ગાડી’માં ‘પાંચ રૂપૈયા બારહ આના’, ‘હાલ કૈસા હૈ જનાબ કા’ જેવાં મસ્તીભર્યાં ગીતો ગાયાં. ‘હાવરા બ્રિજ’નું ‘આઈયે મેહરબાન’ આૅલ ટાઇમ ફેવરિટ બની રહ્યું છે. ‘દિલ્લી કા ઠગ’નું ‘સી એ ટી કેટ’ ગીત મસ્તીભર્યું હતું તો ‘યે રાતેં યે મૌસમ’ ગીત આજેય પ્રણય ગીતોમાં શિરમોર છે. (તેના પરથી વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘કરીબ’માં ‘ચોરી ચોરી જબ નઝરેં મિલી’ બન્યું હતું.)
તાજેતરમાં ‘ધૂરંધર’માં જે ગીતનું સુંદર રિમિક્સ કરાયું છે તે મૂળે ‘બરસાત કી રાત’ની કવ્વાલી છે- ‘ના તો કારવાં કી તલાશ હૈ’. (કવ્વાલીની વાત નીકળી છે તો આશાજીનાં કવ્વાલી ગીતો પર પણ નજર કરી લઈએ. ‘નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ’, ‘હૈ અગર દુશ્મન ઝમાના’, ‘પલ દો પલ કા સાથ હમારા’, ‘રાઝ કી બાત કહ દૂં તો’.) ૧૯૬૦ની ‘કાલા બાઝાર’માં ‘સાંજ ઢલી દિલ કી લગી’માં આશા જે રીતે ‘જા જા જા જા જા તૂ જા’ને લાડ લડાવે છે તે કાન દઈને આંખ બંધ કરીને સાંભળજો. (આવું જ આશાના કંઠના ચમત્કારવાળું ગીત ‘સનમ તેરી કસમ’નું ‘જાને જાં ઓ મેરે જાને જાં’ છે !)
જેમ ઓ. પી. નય્યરે ‘નયા દૌર’થી આશા ભોસલેને એક્સ્ક્લુઝિવ પસંદ કર્યાં, તેમ બી. આર. ચોપડાની સંગીતકાર રવિની ફિલ્મોમાં પણ આશા એક્સ્ક્લુઝિવ રહેતાં. તે પછી ૧૯૬૬ની ‘તીસરી મંઝીલ’થી રાહુલદેવ બર્મન (આર. ડી.)ની પણ પસંદગી આશા બની ગયા. જોકે આર. ડી.એ આશા સાથે અનેક વૈવિધ્યસભર ગીતો આપ્યાં પણ ઓ. પી. નય્યર-રવિની જેમ એક્સ્ક્લુઝિવલી આશાને જ લેતાં તેવું નહીં. ૧૯૮૧માં ‘ઉમરાવ જાન’થી આશાએ ગઝલો ગાઈ પોતાની નવી રેન્જ (જે હતી જ પરંતુ અત્યાર સુધી તક નહોતી મળી) બતાવી.
બી. આર. ઈશારાએ તેમને સંગીતકાર બનવા કહ્યું હતું પણ તેમણે સવિનય ના પાડી દીધી હતી. જોકે ૨૦૦૨માં તેમણે ‘આપ કી આશા’ આલબમ માટે મઝરૂહનાં ગીતોને સંગીતબધ્ધ કર્યાં હતાં. ‘ન મરતે હમ તો ક્યા કરતે’(આશીષ ચૌધરી, દિયા મિર્ઝા) જેવાં ગીતો અને વિડિયો લોકપ્રિય થયો હતો.
આશાજીનાં ગીતો એટલા સદા બહાર છે કે અડધી સદી પછી પણ લોકોને ‘દમ મારો દમ’, ‘જાને જાં ઢૂંઢતા ફિર રહા’, ‘દુનિયા મેં લોગો કો ધોકા કભી હો જાતા હૈ’, ‘પિયા તૂ અબ તો આજા’ ગમે છે.
તેમનાં ગીતોમાં અભિનય રહેતો હતો. ‘છોડ દો આંચલ ઝમાના ક્યા કહેગા’માં આશાજી છોડ જે રીતે ગાય છે તેમાં વિનંતી પણ છે, અને છૂપી અનુમતિ પણ છે, ડર એ જ છે કે ઝમાના ક્યા કહેગા, બાકી કોઈ વાંધો નથી. તેમનાં ગીતોમાં સંવાદ અને હાસ્ય, રુદન એમ ભાવના બધા જ રંગો જોવા મળતા. દા. ત. ‘આપ કે કમરે મેં કોઈ રેહતા હૈ’ (યાદોં કી બારાત)માં કિશોરદા બોલે, ‘હે યૂ, લાલ કપડોવાલી મેમસાબ,’ અને આશા બોલે, ‘કૌન મેં?’, કિશોરઃ ‘હાં, આપ હી સે કેહ રહા હૂં,યહાં આયેગી આપ?’, ‘ક્યા નામ હૈ આપ કા?’ ‘મેરા નામ? સુનિતા.’ ‘લવલી નેમ. ગાયેગી આપ મેરે સાથ?’ સંકોચ અને લજ્જા સાથે,‘ના. ડર લગતા હૈ’. ‘ડરને કી ક્યા બાત હૈ? મૈં આપ કે સાથ ગાતા હૂં’ અને પછી ગિટાર પર તાર છેડાય અને કિશોરદા ‘લા લા લા’ કરે જેને આશા દોહરાવે, પછી પૂછે, ‘ઠીક હૈ?’ અને કિશોરદા કહે, ‘ હાં’ અને કિશોરદા (પડદા પર તારીક હુસૈન) કહે, ‘બોલો મેં ગાઓ’ (શબ્દ સાથે ગા) અને પછી આશાજી મૂળ રંગમાં આવી ગાય.
અને એ જ આશાજી માત્ર સંવાદ સાથે ‘કટી પતંગ’ ફિલ્મમાં આશા પારેખના પાત્ર મધુ માટે તેની મૂળ ઓળખ જાહેર કરી દેવાનો એક ભય ઊભો કરનારું ગીત પણ ગાય ! ‘મેરા નામ હૈ શબનમ’ એ ગીત તુમ્હારા કુછ સામાન મેરે પાસ પડા હૈ’ નું પૂરોગામી હતું. ‘મેરા નામ શબનમ’માં, આમ જુઓ તો, માત્ર વાક્યો જ હતાં.
‘કારવાં’માં ‘દય્યા રે દય્યા મૈં કહાં આ ફંસી, પાપે બચા લો તૂ સી’ જેવું હાસ્ય ગીત પણ ગાયું. આ ગીતમાં તેમની રેન્જ અદ્ભુત છે.
તેમની કારકિર્દીના ઉત્તરાર્ધમાં પણ કેવાં-કેવાં હિટ ગીતો આપેલાં, જુઓ તો ખરા.
૧. ચૈન આપ કો મિલા, મુઝે તો દીવાનગી મિલી – નવાઈ લાગશે પણ ‘હંગામા’માં સાધના સરગમ અને શાને ગાયેલા આ જ અદ્ભુત ડાન્સ ગીતને એસ. પી. બાલાસુબ્રમણિયમ અને આશા ભોસલેએ ૨૦૦૩માં જ આવેલી ‘ફૂટપાથ’ ફિલ્મ માટે ગાયું છે પરંતુ બંનેમાં પરિસ્થિતિ અલગ છે.
૨. ઐસી આંખે નહીં દેખી – ‘૯૦ના દાયકા અને ૨૦૦૦ના દાયકાના પહેલાં પાંચ વર્ષમાં શુધ્ધ પ્રણયની સૂરીલી ફિલ્મો બનતી હતી, ટી સીરિઝ આજની જેમ જૂનાં ગીતોનાં રિમિક્સ અને પંજાબી – ઉર્દૂ શબ્દોનાં ગીતો નહોતી બનાવડાવતી ત્યારે નિખિલ – વિનયના સંગીતમાં જગજીતસિંહ અને આશા ભોસલેએ ગાયેલું આ અદ્ભુત ગીત
આભાર – નિહારીકા રવિયા વિડિયો સાથે માણવા જેવું છે.
૩. લહેરા કે બલખા કે આગ લગા કેપશરારા શરારા – મેરે યાર કી શાદી હૈમાં શમિતા શેટ્ટી પાછળ ગાયેલું આઇટેમ ગીત.
૪. બચ કે તૂ રહેના રે, ખલ્લાસ (૨૦૦૨માં આવેલી ‘કંપની’નું ગીત)
૫. બેકરાર કર ડાલા (પેજ ૩)
૬. હમ નીંદ કા બિઝનેસ કરતે હૈ (સોના સ્પામાં સુદેશ ભોસલે અને આશાજીએ કે. એલ. સાયગલ અને નૂરજહાં સ્ટાઇલમાં ગાયું હતું.)
૭. કહતા હૈ કબૂતર (બેવફા) (આ ગીત ‘૭૦ના દાયકાના ગીત ‘મેરા નામ શબનમ હૈ’ જેવું હતું જેમાં આશાજી સંવાદ પણ બોલે છે- પિયા મિયા મિયા પિયા ટૂ મચ કન્ફ્યૂઝન ર્ડાલિંગ)
૮. મધુબન મેં જો કન્હૈયા કિસી ગોપી સે મિલે (લગાન)
૯. કહીં આગ લગે લગ જાયે (તાલ)
૧૦. સપને મેં મિલતી હૈ (સત્યા)
૧૧. ઝરા સા ઝૂમ લૂં મૈં (દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે)
બિન ફિલ્મી આલબમો પણ તેમણે કર્યાં. આર. ડી. અને ગુલઝાર સાથે, ૧૯૮૭માં ‘દિલ પડોસી હૈ’ અને ૧૯૯૫માં ઉસ્તાદ અલી અકબર ખાન સાથે ‘લિગેસી’(જેને ગ્રામી એવાર્ડ નામાંકન પણ મળ્યું હતું) કર્યું હતું. સમય પ્રમાણે પોપ આલ્બમ પણ કર્યાં. ‘રાહુલ ઍન્ડ આઈ’, ૧૯૯૭માં લેસ્લી લુઇસ સાથે ‘જાનમ સમઝા કરો’ (જેને એ વર્ષનો એમટીવી એવાર્ડ મળ્યો હતો)
ગઝલગાયક જગજીતસિંહ સાથે વર્ષ ૨૦૦૦માં ‘દિલ કહીં હોશ કહીં’ પાપ આલબમ કર્યું જેમાં વિડિયોમાં રિયા સેન બેવડી ભૂમિકામાં હોય છે. ૬૭ વર્ષનાં આશા ભોસલે અને ૧૯ જ વર્ષની રિયા સેન ! વિચારો, વયના ચોથા તબક્કામાં પ્રવેશવાના આરે ઊભેલાં આશાજીએ વયના પ્રથમ જ તબક્કામાં રહેલી યુવતી માટે ગાતી વખતે, જાણે પરકાયા પ્રવેશ કર્યો હશે તો જ, આ પ્રકારનાં રામેન્ટિક અથવા ઉદાસીનાં પ્રણય ગીતો મળે ને ! આ આલબમનાં ગીતો ‘જબ સામને તુમ આ જાતે હો’ અને ‘કહીં કહીં સે હર ચેહરા’ ખૂબ સુંદર હતાં. ‘કહીં કહીં સે’ ગીત માટે ઘણાં વર્ષે લતા-આશા બંને સાથે આવ્યાં હતાં. ‘જબ સામને તુમ આ જાતે હો’માં જ્યારે ‘ક્યા જાનિએ ક્યા હો જાતા હૈ’માં ‘ક્યા’ જે રીતે આશાજી ગાય છે તે બીજું કોઈ ન ગાઈ શકે.
અદનાન સામી દસ જ વર્ષનો હતો ત્યારે આશાજીએ તેની પ્રતિભા ઓળખી લીધી હતી, તેને સંગીતમાં કારકિર્દી બનાવવા કહ્યું હતું. વર્ષ ૨૦૦૦માં ૬૭ વર્ષે, આશાજીએ પોતાનાથી ૩૮ વર્ષ નાના અદનાન સામી સાથે ‘કભી તો નઝર મિલાઓ’ કર્યું જેના વિડિયોમાં ૨૪ જ વર્ષની અદિતિ ગોવિત્રીકર હતી. ‘આશા એન્ડ ફ્રેન્ડ્‌સ’માં સંજય દત્ત, ઊર્મિલા માતોંડીર સાથે ગાયું અને વિડિયોમાં બ્રેટ લી પોતે પણ હતો. લતા અને આશા માટે અંગ્રેજી અને ઉર્દૂની અણઆવડત સંદર્ભે ટોણા મરાયા, મજાક ઉડાવાઈ પરંતુ એ બંનેએ એમાં પણ નિપુણતા પ્રાપ્ત કરીને દુનિયાને દેખાડી દીધું. ૨૦૦૭માં આૅસ્ટ્રેલિયામાં કાર્યક્રમ કર્યો ત્યારે અંગ્રેજીમાં બોલ્યાં હતાં. લતા અને આશા સંગીતની આશા હતાં. અત્યારે જેવું સંગીત આવે છે તે જોતાં તો એમ જ કહી શકાય કે હવે સંગીતની આશા મરી પરવારી છે.
jaywant.pandya@gmail.com