રાખનાં રમકડાં
ઉંડે ઉંડે આવું બધું કર્યા પછી પણ છેવટે તો પોતાના નસીબને તેણે પ્રાધાન્ય આપીને સંતોષ માની લીધો. કારણ તેની નજર સામે જ હતું સુખની એ સુંવાળી રાપ્યામાં ચરમસુખની પ્રાપ્તિના અંતે, પોતાના પેટમાં જો વંશના વેલાનું બીજ અંકુરિત થાય તો…. દામલનો વંશ આગળ વધે આવી અપેક્ષાએ શાંતુ ખૂબ જ પ્રફુલ્લીત થઇ જતી. પરંતુ આવી ક્ષણ, આવો સમય તેના જીવનમાં આવશે….?
આમ, આવા અનેક વિચારો કરતી શાંતુ હવે રસોઇ બનાવવાના કામમાં લાગી એકાદ કલાકમાં રસોઇ બની જતાં શાંતુ તથા મહેશે થોડું થોડું જમી પણ લીધું જમ્યા પછી મહેશ આરામ કરવા માટે તેના રૂમમાં ચાલ્યો ગયો. શાંતુ પણ તેના બેડરૂમમાં ધીમેથી દાખલ થઇ.
આ તરફ કમળાપુરમાં દામલ તો સોમવારે બપોરના ત્રણ વાગે તેના ઘરમાં પહોંચી ગયો હતો. દામાને જાઇ બા તો હરખના માર્યાં ખાટલામાંથી ઝડપથી બેઠાં થઇ ગયાં. આ જાઇ દામલે તરત જ કહ્યું:
“બા, તમે એમને એમ જ સૂતાં રહો… આરામ કરો.”
“દીકરા, મારે તો સાવ સારૂં છે. તમારે મારી ચિંતા તો નહીં જ કરવાની હું ને શાંતુ મજામાં જ છીએ, અને હા… શાંતુએ તમને જયશ્રીકૃષ્ણ કહ્યા છે…”
“જયશ્રી કૃષ્ણ…. બેટા ! તું વહુનું ધ્યાન રાખજે હોં, મારી ચિંતા નહીં કરવાની હા, એક વાત છે.. તારે રજા હોય અને અનુકૂળતા હોય તો અચૂક મારી પાસે આવી જજે. તને જાઇ મારા દિલને ટાઢક થાય છે ને દર્દ પણ ગાયબ થઇ જાય છે..” બાએ કહ્યું.
“એટલે તો હું અત્યારે આવ્યો છું બા…., વળી કાલે રજા છે. પરંતુ આ નોકરી એવી છે કે તરત જ પાછું ભણવું પડે. કાલે જાહેર રજા છે. એટલે આખો દિવસ હું તમારી પાસે રોકાઇશ, પરમ દિવસે સવારમાં વહેલો ચાલ્યો જઇશ…”
“સારૂં થયું બેટા તું આવ્યો એટલે મને ખૂબ જ સારૂં લાગે છે.”
“બા તમે મારી સાથે આમરવેલીમાં થોડા દિવસ રોકાવ તો મને પણ સારૂં લાગે, આમેય તમારી તબિયત પણ બરાબર નથી. એટલે હું કહું છું અને શાંતુએ પણ આમ જ કહ્યું છે…”
“બેટા, આટલી જિંદગી હું ગામમાં રહી છું. તારી પાસે મારે નથી આવવું એવો મારો ઇરાદો નથી પરંતુ ત્યાં આગળ મને બધું ખૂબ જ અતડું અતડું લાગે છે. ને અહી તો….”
“તમારી વાત સાચી છે બા ! સારૂં…, હવે તમે આરામ કરો. તમારા પગ દુઃખવા હોય તો દબાવી દઉં…?”
“ના બેટા ના…, એટલી બધી હું કંઇ બીમાર નથી દીકરા, પરંતુ હમણાં હમણાં મને ખોટા વિચારો ખૂબ જ આવે છે. વિચારવાયુ જેવું થઇ ગયું છે. વિચારો મારો પીછો નથી છોડતા. આના લીધે ઊંઘ પણ ન આવે, ઊંઘ પૂરી ન થાય એટલે તેની અસર શરીર પર થાય, તાવ આવે, ઉલટી જેવું થાય, આખું શરીર તૂટે, એવું બધું…”
“આવા મનઘડંત વિચારવાયુની કોઇ દવા નથી. સ્વસ્થ રહેવા માટે આપણે જાતે જ આપણા ડોકટર બનવું પડે છે. ખાવા – પીવા અને ઊંઘ માટેનું ટાઇમ ટેબલ પણ હોવું જરૂરી છે. છતાં પણ….”
આમ, સાંજના છ વાગ્યા સુધી મા અને દીકરો આવી અસંખ્ય વાતો કરતા રહ્યા. હવે છેલ્લે દામાએ બાને કહ્યું ઃ “એકાદ કલાક હું ગામમાં ચક્કર મારી લઉં, બજારમાંથી કંઇ લેવાનું હોય તો લેતો આવીશ…”
“ના બેટા, કંઇ જ લેવાનું નથી. તું તારે તું નિરાંતે આંટો મારી આવ, હવે હું પણ પથારીમાંથી બેઠી થઇને ફળિયામાં જ આમ તેમ આંટા મારૂં, પગ મોકળા તો થાય, પછી થોડી રસોઈ બનાવું…”
દામો ડેલી બહાર નીકળ્યો અને બા ઊભાં થઇ ફળિયામાં આમ અ તેમ આંટો પણ મારવા લાગ્યાં.
દામો તો ડેલી બહાર સીધો જ પેલા પાનના ગલ્લે જઇ પહોંચ્યો, ત્યાં આવતા જાણીતા ચહેરાઓને મળ્યો, થોડા મિત્રોને પણ મળ્યો, અને પછી તે લાયબ્રેરીએ પહોંચી ગયો.
ઘણા દિવસોથી તેણે લાયબ્રેરી જાઇ જ ન હતી. એટલે ત્યાં આગળ લગભગ કલાક જેવો સમય પસાર કર્યો, પછી ત્યાંથી ચાલીને આમ અ તેમ નજર ફેરવતાં તે ઘરે પહોંચ્યો, એ આવ્યો ત્યારે બા… તો રસોડામાં હતી, એટલે હાથ – મોં ધોઇ દામો સીધો જ રસોડામાં દાખલ થયો.
સાંજે અત્યારે બાએ બાજરીનો રોટલો ઘડી કાઢયો હતો થાળીમાં ખીચડી, કઢી અને લસણની લાલ ચટણી પણ મૂકી, પછી સામે બેસતાવેંત જ બા બોલ્યાં: દીકરા…, પેટ ભરીને નિરાંતે જમી લે…”
(ક્રમશઃ)