રાગ – વૈરાગ – ૧૮
સત્રાંત પરીક્ષા શરૂ થઈ હતી. આમ તો હવે પૂર્ણ થવામાં જ હતી. ઘરેથી બેવાર ટપાલ આવી ગઈ હતી. બાની તબિયત થોડી ખરાબ હતી. બાપુજીએ લખ્યું હતું કે તું જેમ બને એમ જલદી આવજે. બા કે બાપુજીની નરમ તબિયતના સમાચાર સાંભળીને આનંદ રોક્યા રોકાય એમ નહોતો, પણ આ વેકેશનમાં બાવીસ દિવસ રૂપા વગરના કાઢવા તે એક યુગ કાઢવા જેટલું લાગતું હતું. એટલે એક દિવસ મનની વાત એણે રૂપાને કરી,
‘હું વેકેશનમાં ઘરે જાઉં છું.’
‘પાછા ક્યારે આવશો?’
‘દિવાળી પછી. આશરે દસબાર દિવસ બાદ.’
‘‘ઠીક.” કહી રૂપા રસોડામાં જતી રહી. આનંદને લાગ્યું કે રૂપા કંઈક બોલે તો સારું, પણ રૂપા કશુંય બોલી નહીં. આમ પણ હવે એ બહુ બોલતી પણ નહોતી. આનંદ જમીને ઊભો રહ્યો. રૂપાએ તેની સામે જોયું. આનંદનો ચહેરો કશુંક કહેવા માગે છે એ વાત એ પામી ગઈ, પણ એણે કશી પૃચ્છા ન કરી.
આનંદે એક નિઃશ્વાસ નાખ્યો અને ઓસરીનાં પગથિયાં ઊતર્યો કે રૂપાએ અંતે કહેવું પડ્યું, ‘તમે કંઈ વાત કરવા માગતા હતા …’
‘હા.’ આનંદ પાછો ફર્યો. ‘હા રૂપા, હું એ વાત કહેવા માગતો હતો કે આ બાવીસ દિવસ વેકેશનના એકલું એકલું કદાચ તને તો નહીં પણ મને લાગશે. તું મારા ગામ આવીશ? મને ગમશે. બસ એક વાર પછી તો આપણે ક્યારે..’
આનંદના સ્વરમાં ભાવુકતા આવી ગઈ. રૂપા હસી. ‘તમે સાવ પોચટ જ રહ્યા, પણ બસ? હું આવીશ. બસ? હવે તો રાજીને?’
‘સાચું? મારા સમ?’ આનંદ બોલ્યો ને રૂપા ગુસ્સે થઈ ગઈ. ‘મેં તમને કેટલી વાર સમ ખાવાની ના પાડી છે. છતાં માનતા જ નથી. અમારા માટે ચપટીક લાગણીય હોય તો પછી ક્યારેય મનમાં માનેલાનું માનવું પડે.’
‘ઓકે, બસ થેન્ક યુ.’ કહેતો દાદરો ચડી ગયો. આજ આટલા દિવસે તેની લાક્ષણિક અદા પામીને રૂપાનો ચહેરો પણ ખીલી ઊઠ્યો. આનંદ બસ આમ જ હસતો રહે. એવું એ મનથી ઈચ્છતી હતી. જવાના આગલા દિવસે કંકુબહેને સામેથી આનંદને કહ્યું, ‘તમે ઓલીને લઈ જાવ છો, પણ આટલા બધા દિવસ તો રોકાય એ પાલવે નહીં. તમે દિવાળીને દિવસે સાંજે પાળિયાદગઢ સુધી મૂકી જજો ત્યાંથી બસમાં બેસાડી દેજો. વારુ.’
‘ સારું..’
ટ્રેન પ્રતાપપુરના રેલવે સ્ટેશને ઊભી રહી. ત્રણચાર કલાકની મુસાફરી એમાંય પાછો રૂપાનો સંગાથ. આનંદને સ્વપ્ન આવ્યું કે કાશ, રૂપા જ જો પત્ની તરીકે મળી હોત.હિન્દુસ્તાન તો ઠીક પણ પરદેશમાં પણ તેની ઝુલ્ફોની આગોશમાં બેસીને મુસાફરી માણવી બેહદ રોમેન્ટિક હોત. આજે સવારની જ પોતાના દીકરાની રાહ જોતા આનંદને જોઈને નિર્મળાબહેનના હૃદયની ધડકન તેજ બની ગઈ. છાતી ગજગજ ફૂલી રહી, પણ પોતાના દીકરાની સાથે અસ્સલ ગુજરાતી સાડીમાં પતંગિયા સમી ચાલી આવે એ કોણ?
એ કશી ગડમથલ ભાંગે એ પહેલાં તો આનંદ આવીને પગે લાગ્યો, ‘બા, મજામાં?’
‘હા બેટા.’ આનંદના હાથના ઓવારણા લેતી નિર્મળાની આંખોમાં રૂપા વિષે કંઈ કેટલાયે પ્રશ્નો તરવરી ઊઠયા. એનું સમાધાન કરતા આનંદે અનેરા ઉત્સાહથી કહ્યું ‘બા, આ રૂપા છે. હું નહોતો વાત કરતો?’
‘અરે દીકરી.’ આ આશીર્વાદ દેવા જાય એ પહેલાં જ રૂપા નીચે નમી. નિર્મળાએ પાયલાગણ કરવા વાંકી વળેલી રૂપાને બેય બાવડાં થોભી તેના નાજુક નમણા કપાળ પર ચૂમી ભરીને પછી બાથમાં લઈ લેતાં ભીના કંઠે આશીર્વાદ આપ્યા, ‘ભગવાન તારું સારું કરે. સુખી થાઓ અને સમગ્ર
સૃષ્ટિને સુખી કરો.’ કહેતાં સાડલાના છેડાથી ઝળઝળિયાં લુછ્યાં. એ ઝળઝળિયાંનો અર્થ ન તો આનંદ સમજી શક્યો કે ન રૂપા.!
વતનમાં દિવાળી વાસ્તે રૂપાને તેડી જતાં આનંદને જોઈને પૂનમચંદે હવે કૂકરી ફેંકવાનું વિચાર્યું. તે દી સાંજે જીવરાજને બળદગાડું લઈને પાદરમાં આવતા જોઈને એણે રાવજીભાઈને ઊભા રાખ્યા. ‘બોલોને શેઠ.’ ‘રાવજીએ ગાડું ઊભું રાખતાં કહ્યું.
‘શું બોલે રાવજી? હવે તો…’
‘પણ કેમ? શું થયું?’
‘ત્યારે શું? તું નાનો કીકલો છો? આ જુવાન દીકરી કોઈ પારકા છોકરા સાથે ઉઘાડે છોગ ફરે એ આપણને સારું ન લાગે.
તું કાંઈ નાનો નથી. કાંઈક સમજ. ઓલ્યો પરદેશી માસ્તર તારી છોડીને ફસાવી દેશે.”
‘પૂનમચંદ શેઠ.’ રાવજીનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો, ‘તમે મોઢું સંભાળીને બોલો.’
હું તો મોઢું સંભાળીને જ બોલું છું, પણ તું થોડો ધીરો પડ. વાંહો વળીને ઘર ભણી જોતો જા. વાંહે કેવા કેવા ખેલ રચાય છે?’
‘પૂનમચંદ…’ ગુસ્સાનો માર્યો રાવજીએ આડું ઉગામ્યું કે એની આડો અરજણ આવી ગયો. એક હાથે આડાનો ભાર ઝીલી લેતાં એણે કહ્યું, ‘સાચું કોઈને ગમતું નથી. રાવજીભા, અને આ માણસ સાચું કહે છે. કે’વાવાળા તો એ એક જ નહીં પણ અંદર ખાને તો ઘણાય છે. જે દી ફજેતો થાય તે દી કહેતા નહીં કે ભત્રીજો શું ચેતવણી આપીને ગયો હતો? કલંક લાગી જશે તે દી મોઢું બતાવવા જેવા ક્યાંયના નહીં રહો સમજયા?”
‘તે દી તમે આવતા નહીં. કલંક લાગશે તો મને લાગશે. એમાં તમારે શું નાહવા નિચોવવાનું છે? અને
આભાર – નિહારીકા રવિયા એક વાત કાન ખોલીને સાંભળી લેજો. મને મારા લોહી ઉપર પૂરો વિશ્વાસ છે અને રહી વાત આનંદભૈની, તો, એને તો મેં સગા દીકરાની જેમ રાખ્યો છે. એ કોઈ દી વિશ્વાસઘાત નહીં કરે.’
‘દગો કોઈનો સગો નથી.’ પૂનમચંદ ફક્ક કરતો હસ્યો. અને અરજણને કહ્યું, ‘હાલ એય, સોનાની જાળ શું કામ પાણીમાં ફેંકવા બેઠો છે?’ કહેતા બેય ચાલી નીકળ્યા.
રાવજી વિચારમાં ને વિચારમાં ગોથાં ખાતો ક્યારે ઘેર આવ્યો એય ખબર ન રહી, પણ આખી રાત ઊંઘ ન આવી. દિલ તો એટલા માટે દુભાયું કે ગંગા નદી જેવી પવિત્ર દીકરી ઉપર પોતાના જ પિતરાઈ ભાઈના દીકરાએ આંગળી ચીધી હતી!પણ એનો ઉચાટ બાર કલાક પૂરતો માંડ રહ્યો. બેસતા વર્ષનું સવાર પડ્યું ત્યાં તો સૂટકેસ લઈને રૂપા આવીય પહોંચી. ‘હા બાપુ. સાહેબ મને પાળિયાદગઢ સુધી મૂકવા આવ્યા હતા.’
‘આ સૂટકેસ?’ થેલીને બદલે હાથમાં મોંઘીદાટ સૂટકેસ જોતાં કંકુબહેન અચંબાથી પૂછ્યું તો રૂપાએ કહ્યું, ‘એ તો સાહેબે લઈ લીધી. સાહેબનાં બાનો સ્વભાવ તો ખૂબ જ મજાનો. મને ચાર સાડી લઈ દીધી બીજું ઘણું તો ઘણુંય.’
‘અરે વાલામૂઈ, તારે ના ન પડાય? એમનું લેવાય?’
”શું કરવું બા? સાહેબ અને એમના બા સમ આપવા લાગ્યા…’’
આજે લાભ પાંચમ હતી. રાવજી અને કંકુ હજી વાડીએ જવા તૈયાર થાય ત્યાં જ રૂપાના સાસરેથી મહેમાનો ટપકી પડયા. રૂપા તો તૈયાર થઈને રોટલા ઘડવામાં પડી હતી. પણ આમ અચાનક જ. રૂપા પહેલાં તો ધરબાઈ પછી શરમાઈ. કંકુબહેનના આંખના ઈશારાથી એ એના સાસુને પગે પડવા ગઈ કે ત્યાં જ રૂપાની નણંદ બોલી ઊઠી, ‘બસ, રૂપાભાભી બસ… હવે સાસુના પગ દબાવવા આડે બહુ લાંબો વખત નથી રહ્યો.આ માગસર આવે ત્યાં તો એ ઢોલ ઢબૂકી ઊઠશે. જુઓ, આજ એ વાતનું નક્કી જ કરવા આવ્યાં છીએ તો થઈ જાઓ તૈયાર.’
રૂપાનું હૃદય ધબકારો ચૂકી ગયું. અનાયાસે તેનાથી મેડા સામે જોવાઈ ગયું.મેડો સૂનો હતો અને પોતાનું દલ મેડાથીય વધારે સૂનું પડી ગયું હતું. એ બીજા ઓરડામાં ચાલી ગઈ. આનંદની યાદે તેની પાતળી પાંપણને છેદીને ટપટપ કરતાં આસું ટપકી પડ્યાં.
(ક્રમશઃ)











































