જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કાશ્મીર ખીણના ઘણા ભાગોમાં લોકોએ હળવા આંચકા અનુભવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જાકે તાત્કાલિક નુકસાન કે ઈજાના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના બદખશાન પ્રદેશના ઝાયબકમાં હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૦ માપવામાં આવી હતી. ભૂકંપશાસ્ત્રીય માહિતી અનુસાર, ભૂકંપ સવારે ૮ઃ૨૪ વાગ્યે આવ્યો હતો. તે જમીનથી ૧૯૦ કિલોમીટર નીચે ઊંડાઈ પર હતું.
ધ્રુજારી પછી કાશ્મીર ખીણમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જાકે, કોઈ જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. શનિવારે સવારે ઘણા સ્થાનિક લોકો તેમના ઘરની બહાર જાવા મળ્યા હતા, અને ભૂકંપ પછી ઘણા સમય પછી પાછા ફર્યા હતા.
માર્ચની શરૂઆતમાં, જમ્મુ અને કાશ્મીરના પર્વતીય જિલ્લા ડોડામાં ૪.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ક્યાય પણ કોઈ નુકસાન થયું ન હતું. આ ભૂકંપ રાત્રે ૧ઃ૨૫ વાગ્યે અનુભવાયો હતો. હવામાન અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી પાંચ કિલોમીટર નીચે ૩૩.૦૮ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૭૬.૧૭ ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું.
ફેબ્રુઆરીની શરૂઆતમાં, કાશ્મીર ખીણમાં ૪.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે બારામુલ્લા જિલ્લાના પટ્ટન અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે ૫ઃ૩૫ વાગ્યે ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ પટ્ટન વિસ્તારમાં હતું, જે પ્રવાસન સ્થળ ગુલમર્ગથી ૧૦ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું.
એ નોંધવું જાઈએ કે કાશ્મીર ખીણ ખૂબ જ ભૂકંપગ્રસ્ત ક્ષેત્રમાં સ્થિત છે. ગયા વર્ષે નવેમ્બરમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રાષ્ટ્રીય ભૂકંપીય જાખમ નકશામાં કાશ્મીર સહિત સમગ્ર હિમાલય પ્રદેશને ભૂકંપીય ઝોન છમાં મૂકવામાં આવ્યો હતો. ૮ ઓક્ટોબર, ૨૦૦૫ ના રોજ, નિયંત્રણ રેખાની બંને બાજુએ કાશ્મીરના મોટા ભાગોમાં ૭.૬ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં હજારો લોકો માર્યા ગયા હતા અને માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું હતું.









































