અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરી સામે કસ્ટમ્સ વિભાગ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ સતત બે દિવસમાં મોટી કાર્યવાહી કરી છે. અબુ ધાબી અને દુબઈથી આવેલા મુસાફરો પાસેથી કુલ રૂ.૧.૩૩ કરોડથી વધુ કિંમતનું ૨૪ કેરેટ શુદ્ધતા ધરાવતું ૮૯૯.૫૧ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે એક ટૂર ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય મુસાફરોની પૂછપરછ ચાલુ છે.કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટને મળેલી બાતમીના આધારે ૨૧ જુલાઈએ અબુ ધાબીથી ફ્લાઇટ ૩એલ૩ ૧૧૧ મારફતે આવેલા એક ટૂર ઓપરેટર અને તેના ગ્રાહકોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગ્રાહકોના કપડાંના ખિસ્સામાંથી ૨૪ કેરેટ સોનાની ચેઇન, પેન્ડન્ટ અને મણકા મળી આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ટૂર ઓપરેટરે જ પોતાના ગ્રાહકોને આ સોનું આપીને ભારત સુધી પહોંચાડવાનું કામ સોંપ્યું હતું. આ કેસમાં ૭૭૦.૩૩ ગ્રામ સોનું, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૧૩,૮૫,૪૭૭ થાય છે, તે જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ હેઠળ ટૂર ઓપરેટરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
૨૨ જુલાઈએ ડીઆરઆઇની બાતમીના આધારે કસ્ટમ્સે દુબઈથી ફ્લાઇટ ૬ઈ-૧૪૭૮માં આવેલા બે મુસાફરોની તપાસ કરી હતી. બંનેએ પોતાના શર્ટના કોલરની અંદર સોનાની પેસ્ટ ખૂબ ચાલાકીથી છુપાવી રાખી હતી. કસ્ટમ્સની ટીમે આ પેસ્ટને પ્રોસેસ કરીને ૨૪ કેરેટના ટીટી બારમાં ફેરવી હતી. બંને મુસાફરો પાસેથી ૧૨૯.૧૮ ગ્રામ સોનું, જેની કિંમત અંદાજે રૂ.૧૯,૪૮,૦૩૪ થાય છે, તે જપ્ત કરવામાં આવ્યું છે. પકડાયેલા મુસાફરોમાં એક મુંબઈનો અને બીજા મહારાષ્ટÙના ઉલ્હાસનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
કસ્ટમ્સ અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે પકડાયેલા મુસાફરો માત્ર ‘કેરિયર’ તરીકે કામ કરતા હતા કે તેઓ દાણચોરીના મુખ્ય નેટવર્કનો ભાગ છે. ઉપરાંત, આ સોનું કોના માટે લાવવામાં આવી રહ્યું હતું અને તેની પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય ગેંગ સક્રિય છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ બહાર સોનું લઈને નીકળેલા મુસાફરોને નકલી પોલીસ દ્વારા લૂંટવાની ઘટનાના પગલે કસ્ટમ્સે એરપોર્ટ પર દેખરેખ વધુ કડક બનાવી છે, જેના પરિણામે આ મેગા ઓપરેશનમાં મહત્વની સફળતા મળી છે.










































