વરસાદ ધીમો પડતો જ હોય ત્યારે વૃંદાવનમાં ઘટાટોપ કદંબના વૃક્ષ નીચે ગોવાળિયાઓના ટોળાની વચ્ચે પોતાની સખીઓ સાથે રાધા, કૃષ્ણની પાસે બેઠી છે. આકાશમાંથી વરસાદની ધારાઓ કદંબના પાંદડાં પર થઈને થડમાં ઊંડે ઉતરે છે. માત્ર રાધાને જ નહીં, આખા ગોકુળને કૃષ્ણ પ્રત્યે એટલી બધી પ્રીતિ છે કે જેટલો વધુ સમય કૃષ્ણ સાથે પસાર થાય એટલું સારું. વરસાદ વરસવાનો શરૂ થાય એટલે બધા ગોવાળો અને ગોપીઓ રાજી રાજી થઇ જાય. વરસતા વરસાદમાં પણ કુષ્ણ મધુર બંસી બજાવે અને સૌ સાંભળતા રહી જાય. તમને જેમના સાંનિધ્યમાં વધુમાં વધુ સમય પસાર કરવો ગમે એટલે કે સમય ક્યાં વહી ગયો એનું ભાન જ ન રહે ત્યાં લાગણીનું એક નવું વિશ્વ આકાર લે છે. પ્રેમ આ જગતની મુખ્ય આધારશીલા છે. આપણે પ્રભુની ભક્તિ કરીએ અને પડોશીની ઈર્ષા કરીએ તો એ ઈર્ષા જ આપણી ભક્તિને પ્રભુ સુધી જતા રોકે. કેટલાક લોકો ખોટું કરીને ભ્રષ્ટાચારનો રૂપિયો કમાઈ લે ને પછી એમાંથી થોડુંક દાન કરે તો એનાથી બાકીનો ઘરમાં ઘરી ગયેલો રૂપિયો ચોખ્ખો ન થઈ જાય. એ તો કુદરતને બેવકૂફ બનાવવાની ચાલ છે. આજકાલ નવી પેઢીના કેટલાક સંતાનો માબાપને બેવકૂફ બનાવે જ છે. જો કે એના વિકરાળ પરિણામો સંતાનોએ ભોગવવા પડે છે. હવે જો કે એમાં ફેર પડ્યો છે. ફિલ્મ કબીરસિંઘમાં કબીર ખોટું બોલતો નથી. એ તોફાની છે, માથાભારે છે પરંતુ જે કહે છે એમાં તો એ સાચો જ છે. નવી પેઢીમાં આ વાત ઝડપથી પ્રસરતી જોવા મળે છે કે ખોટું તો બોલવું જ નહિ. કારણ કે તમે ખોટું બોલો છો ત્યારે પ્રથમ તો તમારા જ હાથે તમારી કિંમત કોઈની થઈ જાય છે. એની જાણ ભલે જગતને મોડી થાય. પણ તમારો સિક્કો ઘસાતો જાય છે. પ્રેમ હોય, એકબીજા પ્રત્યે ખરા દિલની લાગણી હોય તો પછી કોઈ સમસ્યા જ હોતી નથી. પિતા જો પુત્રને ચાહતા હોય તો વિવાદ થતો નથી. લોકો કહે છે કે શું પિતા પોતાના પુત્રને ન ચાહે એવું બને ? હા, એવું એટલે બને કે પિતા અને પુત્રનો અહંકાર ટકરાવાની શક્યતા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. દીકરો મોટો થાય અને એમાંય જો વધારે લાડકોડમાં ઉછર્યો હોય તો તો બહુ વહેલા મતભેદ ચાલુ થઈ જાય. આપડે સહુએ નજરે જોયું છે કે ઘણીવાર મા જ દીકરાના અહંકારને હવા આપતી હોય છે. તારા પપ્પા સમજતા જ નથી… તું તુંતારે જાતે જ નક્કી કરી લે, તારા બાપને પૂછીશ તો નનૈયો ભણશે… ને એમ ચિરંજીવીનો જોખમી સ્વૈરવિહાર ચાલુ થાય છે. પિતા અનેક બાબતોમાં સાચા હોય છે એ વાત જ્યારે પુત્રને સમજાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. સંસારના કોઈ પણ પિતા પોતાના પુત્રને સફળ જોવા ચાહે છે પરંતુ પિતા સાથે વટ કરીને એમના ‘કહ્યાબાર’ કેટલાક પરાક્રમી પુત્રો વ્યર્થ અને અવ્યાવહારિક સાહસો કરે છે જેને કારણે પણ પાઘડીનો વળ છેવટે તો પિતાના ગળે જ આંટી મારે છે. એક સમય જિંદગીમાં એવો આવે છે કે નવજુવાન પુત્રને પિતાની વાત ખોટી લાગે છે અને મિત્રોની વાત સાચી લાગે છે. ત્યાંથી મતભેદની શરૂઆત થાય છે. ક્યારેક વાત વટ ઉપર પણ ચડે છે. છેવટે પિતાનો અહંકાર ઘરમાં ગાજે છે અને તેઓ ધારે છે કે હવે એને થોડા ગોથા ખાધા પછી જ ખબર પડશે. સોમાંથી એકાદ કિસ્સો એવો પણ હોય છે જેમાં પિતા ખોટા પડે છે અને પુત્ર સાચો પડે છે. આજે જેઓ અભ્યાસમાં એકકા છે તેવા અનેક યુવાનો એમના પિતાને કહી શકે છે કે તમે આખી જિંદગીમાં જેટલું કમાણા એટલું તો અમે એક વરસમાં કમાઈ લઈએ છીએ. પરંતુ આવા કિસ્સા જૂજ હોય છે. પુત્રએ સફળતા માટે સંઘર્ષ કરવાનો છે અને એમાં એના પિતા સદાય એની સાથે જ રહેવાના હોય છે. પિતાને વિશ્વાસમાં લઈને જેઓ આગળ ચાલ્યા છે એમને કદી તડકો લાગ્યો નથી કારણ કે પિતા તો શીતળ શિરછત્ર હોય છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, પરિવારમાં પ્રેમની ઓટ ન આવવી જોઈએ. કાયમ ઘરના બધા સભ્યો દરેક મુદ્દે સહમત ન પણ હોય પરંતુ એની અસર પ્રેમની વધઘટમાં ન પરિણમે તે ઘરના વડલાઓએ જોવાનું રહે છે. આ સંસાર સ્નેહના સૂત્રથી બંધાયેલો છે અને એ સૂત્ર જ મુક્તિ કે નિંરાત આપનારા છે. પ્રેમ માત્ર પતિ-પત્ની કે પ્રિયતમ-પ્રિયતમા વચ્ચેનો જ નથી હોતો. સંસારમાં અનેક મહાન માણસો એવા છે જે એમના દાદા કે નાના પાસે તૈયાર થયા છે. વાત્સલ્યના ઝરણાં જ્યાં કદી પણ સુકાઇ ન જાય એને જ બાળકો ઘર માને છે. જે ઘરને નાપાસ થઈને આવેલા સંતાનોનું સ્વાગત કરતા અને એમને હિંમત આપતા ન આવડે એ ઘર પોલીસ સ્ટેશન બની જાય છે. કૃષ્ણ પ્રેમના સાગર છે. કારણ કે નંદ અને યશોદાનો એકધારો પ્રેમ તેમના પર ધોધની જેમ પડે છે. મારો કાન્હો…. એમ કહેતાં તો યશોદાની આંખ ભીની થઈ જાય છે. કૃષ્ણ સામે નંદ કે યશોદા સ્વયં કદી રિસાઈ જતાં નથી. કૃષ્ણને એક વાતની પાકી ખબર છે અને બહુ શરૂઆતથી ખબર
આભાર – નિહારીકા રવિયા છે કે આપડે કોઈ પણ પરાક્રમ કરીને આવીએ તોય ઘરમાં પ્રેમ જ મળવાનો છે. યશોદા એને દોરડાથી બાંધે અને એવી કંઈક લીલાઓ શુકદેવજીએ શ્રીમદ્ ભાગવતમાં આલેખી છે. પરંતુ સરેરાશ કૃષ્ણ પર આખા ગોકુળની સ્નેહવર્ષા નિરંતર ચાલુ રહી છે. એને કારણે કૃષ્ણમાં જે સ્વક્ષમતાઓનો વિકાસ થયો એણે જ આ જગતને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધું. નંદ અને યશોદા તો આપણે ન થઈ શકીએ પરંતુ થોડાક નંદબાબાના લક્ષણો પિતામાં આવે અને થોડા યશોદાના લક્ષણો માતામાં આવે તો પુત્રનું સામર્થ્ય અધિકાધિક થતું રહે. માતા પિતા કંઈ દરેક બાબતના નિષ્ણાંત ન હોય. બધી બાબતમાં સંતાનોને માર્ગદર્શન આપવાની ત્રેવડ તો કોઈની ન હોય. પરંતુ જો પૂરતો પ્રેમનો અભિષેક ચાલુ રહે તો આખરે સંતાનોને એમનું ભવિષ્ય મળી રહે છે.










































