ગુજરાતી ભાષામાં કોકરોચ માટે વંદો શબ્દ છે. વંદો એક એવું જંતુ છે જે પોતાના ઘરમાં હોવાનું કોઈ પસંદ નથી કરતુ અને તેને મારવા માટે વિવિધ સ્પ્રે બજારમાંથી લાવીને ઘરમાં રાખવામાં આવે છે, જે હિન્દુસ્તાનના લગભગ લગભગ ઘરની તાસીર છે. ધરતી પરની સૌથી પ્રાચીન પ્રજાતિ માંહેની એક છે. ડાયનોસોર વખતે પણ હતા. હમણાં હમણાં વંદો શબ્દ રાજકીય ગલીયારામાં ખુબ ચર્ચા અને પ્રસિધ્ધિ પામ્યો છે. માણસો દ્વારા આવડી પ્રસિધ્ધિ બદલ વંદાની કોમ ખુબ રાજી થતી હશે. તેના ઊંડાણમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી સૂર્યકાંત દ્વારા એક સુનાવણી દરમિયાન કરવામાં આવેલી ટીપ્પણી રહેલી છે. ચીફ જસ્ટીસે મીડિયા, સોશિયલ મીડિયા અને કાર્યકર્તાઓ દ્વારા ન્યાયતંત્ર પર થતા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સમાજમાં પહેલેથી જ એવા પરજીવીઓ છે, જે સિસ્ટમ પર હુમલો કરે છે અને તમે તેમની સાથે હાથ મિલાવવા માંગો છો? આ યુવાનો ‘કોકરોચ’ જેવા છે, જેમને કોઈ નોકરી મળતી નથી અને કોઈ વ્યવસાયમાં નથી. તેમાંથી કેટલાક મીડિયાવાળા, કેટલાક સોશિયલ મીડિયાવાળા બની જાય છે, કેટલાક આરટીઆઈકર્તા બની જાય છે, તો કેટલાક બીજા ત્રીજા પ્રકારના કાર્યકરો બની જાય છે, અને તેઓ દરેક વ્યક્તિ પર હુમલો કરતા ફરે છે… અને તમે કોર્ટના તિરસ્કારની અરજીઓ દાખલ કરો છો. ચીફ જસ્ટીસે મીડિયા, સોશ્યલ મીડિયા, આરટીઆઈ જેવા હથિયારોનો દુરુપયોગ કરીને સિસ્ટમને બ્લેકમેઈલ અને બાનમાં લેતા યુવાનોને કોકરોચ કહ્યા. એમાં એક અમેરિકાના બોસ્ટનમાં જઈને ભણતો ભારતીય યુવક વિફરી ગયો, એણે વિદેશમાં બેઠા બેઠા ઈન્ટરનેટ પર કોકરોચ પાર્ટીની સ્થાપના કરી. અભૂતપૂર્વ ટૂંકા સમયમાં આ ઈન્ટરનેટ પાર્ટીના સવા બે કરોડ જેટલા ફોલોઅર્સ બની ગયા. ક્રાંતિનું રણશિંગું ફૂંકાઈ ગયું. બીબીસી જેવી ચેનલોએ કોકરોચને ભારતનો પોલીટીકલ સુપરસ્ટાર બતાવી દીધો. સ્થાપક અભિજીતે અલ ઝઝીરા નામની વિદેશી ચેનલમાં ઈન્ટરવ્યું આપ્યો અને કહ્યું કે વંદા સડેલી જગ્યામાં પેદા થાય છે અને ભારત આવી સડેલી જગ્યા છે. ઈન્ટરનેટ પર આવડો મોટો પ્રતિસાદ મળતો જોઈ અભિજીતે ભારત સરકારને લલકારી દીધી. નીટ મામલે ભારતના શિક્ષણ પ્રધાનનું રાજીનામું અને બીજી પાંચ માંગો ભારત સરકાર સામે રાખી દીધી અને અમેરિકાના બોસ્ટનથી ભારત આવવાની જાહેરાત કરી. સાથે સાથે એવો ભય વ્યક્ત કર્યો કે મારી ધરપકડ થઇ શકે છે અને આ આખી ક્રાંતિને દબાવી દેવા સરકાર સખત કદમ લઇ શકે છે. પણ એવું કશું થયું નહિ, ઉલટાનું દિલ્હી પોલીસ એરપોર્ટ પર એમને જંતર મંતર પર કરવાની સભા અને પ્રદર્શન અંગેની પરવાનગી લઈને સ્વાગત કરવા ઉભી રહી. એરપોર્ટ પરથી ગણ્યાગાંઠ્યા લોકો સાથે પાર્ટીના સ્થાપક જંતર મંતર પર પહોચ્યા જ્યાં સવા બે કરોડ સભાસદો કે ફોલોઅર્સમાંથી લગભગ બે હજાર તેમની રાહ જોઈ રહ્યા હતા. સ્થાપકને દિલ્હીની ગરમીમાં આવો ઠંડો પ્રતિસાદ જોઇને ચક્કર આવી જવા સ્વાભાવિક હતા. એક પાંચ કલાકની અવ્યવસ્થિત અને અરાજક મુવમેન્ટ બાદ બધા વિખરાઈ ગયા.
આ પાર્ટીના સ્થાપક આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાર્યકર્તા અને સોશ્યલ મીડિયા દળના સદસ્ય રહી ચુક્યા છે. આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ એક આંદોલનમાંથી થયો છે. ઝારખંડ મુક્તિ મોરચો, જનતા પક્ષ, બહુજન સમાજ પક્ષ, આસામ ગણ પરિષદ, ટીઆરએસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષો આંદોલનની ઉપજ હતા. આ બધા આંદોલનો જમીની સ્તરથી શરુ થયા હતા. કોઈ એક માંગ આધારે કે મુદ્દા આધારે શરુ થયા હતા. જેએમએમ અને ટીઆરએસ જેવા પક્ષોએ પોતાનું અલગ રાજ્ય મેળવીને ત્યાં હાલ સુધી સત્તા જાળવી છે. બસપાએ પછાત વર્ગનો અવાજ બનીને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં સરકાર બનાવવાથી લઈને કેન્દ્રમાં પણ સક્રિય અને મહત્વની ભૂમિકા ભજવી છે. જનતા પક્ષે સરકારના કટોકટી વિરુધ્ધના જનાદેશને પોતાની તરફેણમાં બદલ્યો હતો પણ અનેક પક્ષોનો શંભુમેળો હોવાથી આંતરિક ગજગ્રાહના લીધે પક્ષ પડી ભાગ્યો પણ દેશમાં પહેલી બિનકોંગ્રેસી સરકાર બનાવી ચલાવી ગયો. આમઆદમી પાર્ટી ભ્રષ્ટાચાર ઉન્મૂલન મુદ્દે દિલ્હીમાં સરકાર બનાવી ગઈ, પરંતુ એમના જ શીર્ષસ્થ નેતાઓ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ઘેરાઈ ગયા અને દિલ્હીમાંથી સત્તા ગઈ. પક્ષના સ્થાપકોમાંના ઘણા આગેવાનો પક્ષ છોડીને જતા રહ્યા. આજે પક્ષની પંજાબમાં સરકાર છે.
કોકરોચ જનતા પક્ષ એક શબ્દના આધારે ઉભું થયેલું આંદોલન છે. ચીફ જસ્ટીસે બોગસ ડીગ્રી આધારે સિસ્ટમમાં ઘૂસીને સિસ્ટમને બાનમાં લેતા યુવાનોને કોકરોચ કહ્યા અને સોશ્યલ મીડિયા પર સંખ્યાત્મક જુવાળ ફાટી નીકળ્યો. મુવમેન્ટ ધીમેધીમે મુદ્દેથી ભટકીને દેશને નેપાળ બાંગ્લાદેશ બનાવી દેવા સુધી પહોચી ગઈ. કેટલાક એડવાન્સ જંતુઓ સરકાર ઉખાડી નાખવા સુધી પહોચી ગયા. તાજેતરમાં નેપાળ અને બાંગ્લાદેશમાં યુવા વર્ગે ચળવળ કરીને સરકારો ઉથલાવી નાખી હતી. ભારતમાં પણ આ તરજ પર સરકાર ઉથલાવી નાખવાના મનસૂબા સેવે એ સ્વાભાવિક છે. ભારતનો વિપક્ષ બાર વર્ષથી સત્તાની બહાર છે. પોતાના બલબૂતા પર કે સરકારની વિરુધ્ધમાં કોઈ મુદ્દાઓ ઉભા થઇ નથી રહ્યા. હવે કોઈ એવો મુદ્દો હાથમાં આવી પડે જેના લીધે દેશનો યુવા વર્ગ આક્રોશિત થઈને સરકાર વિરુધ્ધ સડકો પર ઉતરી આવે અને દેશને અસ્થિર કરી મુકે, જેથી સત્તા સુધી પહોચવાનો રસ્તો સાફ થતો જાય. જે કામ જનાદેશ મેળવીને નથી થઇ શકતું એ આવા અરાજક રસ્તે થઇ જાય એવા સપનાઓ જોઇને રાજકીય કારકિર્દી ટકાવી રાખવાના કે બનાવવાના સપનાઓ જોતો વર્ગ મોટો છે.
રાજકીય સભાઓમાં એકઠી થતી જનમેદની ચૂંટણી જીતી જવાની ખાતરી નથી. છેલ્લી ઘણી ચૂંટણીઓમાં જોવા મળ્યું છે કે જેની સભાઓમાં હકડેઠઠ મેદની કિકિયારી કરતી ભેગી થઇ હોએ એ ઉમેદવારની મતપેટીના ડબ્બા ખાલી નીકળ્યા છે. સોશ્યલ મીડિયાના માધ્યમો પર ફોલોઅર હોવું, સમર્થક હોવું, ચાહક હોવું અને મતદાર હોવું અલગ બાબત છે. કોઈનાથી વધુ ફોલોઅર હોવા તમને તેનાથી વધુ લાયક નથી બનાવી આપતા. નેતા પસંદ કરવા માટેનો હિન્દુસ્તાનની જનતાનો નીરક્ષીર વિવેક તલવાર જેવો ધારદાર છે.
ક્વિક નોટ – કોઈની પોસ્ટ પર લાઈકનું બટન અને આંગળી પર કાળી શાહીની પાટલી રેખામાં જમીન આસમાનનું અંતર છે.
production@infiniumpharmachem.com












































