હરિયાણાનો ૬૨ વર્ષનો ડાક્ટર શૈલેન્દ્ર શૈલી અગાઉ કૈથલની નાગરિક હાસ્પિટલમાં પીએમઓ હતો. ત્યાંથી નિવૃત્ત થયો. તે કુરુક્ષેત્રની એલએનજેપી હાસ્પિટલમાં સલાહકાર ડાક્ટર તરીકે કાર્યરત્ હતો. તેના પર પંદર વર્ષની કન્યા પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. કન્યાના પિતા ૨૯ મેએ તેમની દીકરીનો ઉપચાર કરાવવા આવ્યા હતા. તેમને હાસ્પિટલમાં દાખલ કરાયા હતા. પીડિતા પિતા સાથે હાસ્પિટલના વાર્ડમાં રોકાઈ હતી. ૨૯ મેએ બપોરે અઢી વાગે પીડિતાનું સ્વાસ્થ્ય પણ ખરાબ થયું. પીડિતાએ ડાક્ટરોને પેટમાં દુઃખાવો અને પેશાબમાં બળતરાની ફરિયાદ કરી.
તેને ૩૦ મેએ શનિવારે રાત્રે ૮.૩૦ વાગે હાસ્પિટલના આપાતકાલીન વિભાગમાં દાખલ કરવામાં આવી. હાસ્પિટલમાં ઇમરજન્સી ડ્‌યૂટી પર નિયુક્ત ચિકિત્સક ડા. ઉપેન્દ્રએ મીડિયાને જણાવ્યા પ્રમાણે, રાત્રે લગભગ ૮.૩૦એ કન્યાને વધુ રક્તસ્ત્રાવ થતાં મહિલા વાર્ડમાં આપાતકાલીન વિભાગમાં દાખલ કરાઈ હતી. તે પછી કન્યાએ આરોપ લગાવ્યો કે ઓપીડીમાં તેના પર બળાત્કાર થયો હતો. સ્ત્રી રોગ વિશેષજ્ઞ પાસે કન્યાની તબીબી તપાસ કરાવાઈ તેમાં કન્યાની ફરિયાદની પુષ્ટિ થઈ એટલે કે બળાત્કાર થયો હોવાની સાબિતી મળી.
આ પછી શૈલેન્દ્ર શૈલીને હાસ્પિટલમાંથી દૂર કરાયો. પરંતુ પ્રશ્નએ છે કે કોઈ છોકરી કે મહિલાની તપાસ કરવામાં પુરુષ ડાક્ટર સાથે નર્સ સાથે કેમ નહોતી? મેડિકલ નૈતિક (એથિક્સ) નિયમો મુજબ, પુરુષ ડાક્ટર તપાસે ત્યારે કાં તો મહિલા ચિકિત્સકે અથવા કોઈ મહિલા નર્સ કે એટેન્ડન્ટે ઉપસ્થિત રહેવું આવશ્યક છે. ડાક્ટરોનો આવો હિપોક્રેટિક નિયમ છે. (મેડિકલ ક્ષેત્રમાં ડાક્ટરો જે નૈતિકતાના સોગંદ લે છે તેને હિપોક્રેટિક આૅથ કહે છે.)
બીજો પ્રશ્ન એ છે કે આ ડાક્ટર પર અગાઉ પણ બળાત્કારનો આરોપ લાગ્યો હતો અને તેને જેલ જવું પડ્‌યું હતું. પરંતુ પછી તે છૂટી ગયો હતો. આવા ડાક્ટરની સેવા કેમ ચાલુ રખાઈ?
હરિયાણા મહિલા આયોગનાં અધ્યક્ષા રેણુ ભાટિયા ૭ જૂને આ કેસમાં હાસ્પિટલમાં પહોંચ્યાં ત્યારે તેમણે ઉત્તરદાયી નર્સનો ઉધડો લીધો. પરંતુ સાથે એવું બોલી ગયાં કે ‘તમારી દીકરી પંદર વર્ષની હોય તેને કોઈની સાથે આ રીતે રૂમમાં છોડું તો?’ તેમનો કહેવોનો ભાવ ઉચિત હતો કે નર્સ તરીકે સંવેદના હોવી જોઈએ. બીજી છોકરી પર બળાત્કારની સંભાવના હોય ત્યારે તેને એકલી ડાક્ટર પાસે છોડીને જતા ન રહેવાય. અને તેમાંય એવા ડાક્ટર પાસે જે અગાઉ બળાત્કારના આરોપમાં જેલમાં જઈ આવ્યો હોય.
પરંતુ ર્નસિંગ સ્ટાફે આ નિવેદનને પકડી લીધું. ૯ જૂને હરિયાણાની બધી નર્સોએ હડતાળ કરી. રેણુ ભાટિયા પોતાના વલણ પર અડગ રહ્યાં. તે પછી સરકાર કે ભાજપના દબાણના કારણે કે ગમે તેમ, ૯ જૂને રાત્રે રેણુ ભાટિયાએ ત્યાગપત્ર આપી દીધો.
બીજો બનાવ ‘આજ તક’ ચેનલના એન્કર અંજના ઓમ કશ્યપ વિરુધ્ધ કાચિંગ સેન્ટરના રીલ બનાવીને (કુ)ખ્યાત થયેલા શિક્ષકોનો છે. સ્નાતક માટેની નીટની પરીક્ષાના ‘ગેસ પેપર પ્રસાર’માં કાચિંગ સેન્ટર ચલાવનારાઓનાં નામ આરોપી તરીકે આવ્યાં છે અને ધરપકડ થઈ છે. ટીવી ચર્ચામાં અંજના ઓમ કશ્યપ, રાજકીય વિશ્લેષક આશુતોષ અને સંગીત રાગી હતાં. આશુતોષે કહ્યું કે છેલ્લાં વીસ-બાવીસ વર્ષથી પેપર લીક થતા આવ્યાં છે. પરંતુ કાચિંગ સેન્ટરવાળા માફિયા બની ગયા છે.આ મોટાં કાચિંગ સેન્ટરો બંધ થવાં જોઈએ.
એટલે અંજના ઓમ કશ્યપે પણ તેમના સૂરમાં સૂર પુરાવતાં કહ્યું, “યુટ્યૂબ વાલે સ્ટાર ટીચર્સ જિનકો કુછ જાનના ના કૌડીપકભી બ્લેકબાર્ડ લેકર કુછ ઍક્સ્પ્લેનર બનાતે હૈ, ખાલી વ્યૂઝ બંટોરતે હૈ, ઉટપટાંગ ગ્રાફ્‌સ લિખતે હૈ, ઔર ઉસ કે બાદ અપને આપ કો ઇતના મહારથી સમજને લગતે હૈ કિ કુછ લોગ ઉનકો ફાલો કરને લગતે હૈ, ઇનકે તમાશે કી વજહ સે ઔર ફિર જહાં પર જો આતા હૈ વો બોલતે હૈ ઉસ કે દમ પર વો પૈસે વસૂલતે હૈ. છાત્રોં સે વસૂલતે હૈ. યે બડી ચિંતા કી બાત હૈ. યે જો ઍક્સ્પ્લેનર બનાનેવાલે યુટ્યૂબર્સ હૈ ઔર જો શિક્ષક હૈ ઉન મેં ફર્ક હૈ. વો ફર્ક સબ કો સમજના પડેગા. યે જો આકર પૈસો કે લિએ અપના ધંધા બના રહે હૈ એજ્યુકેશન કો વો એક તરફ હૈ ઔર ઇસી વજહ સે સ્કૂલ, કાલેજ, યૂનિવર્સિટીઝ મેં પઢાઈ નહીં હોતી હૈ. બચ્ચોં સે કહ દિયા જાતા હૈ કિ ભૈયા તુમ કાચિંગ સેન્ટર કો જાઇન કર લો તભી તુમ ક્રેક (પાસ) કર પાઓગે. યે કૈસી વ્યવસ્થા હૈ.’
અહીં જોવા જેવી વાત એ છે કે કાચિંગ સેન્ટરને માફિયા કહ્યા આશુતોષે. તેને બંધ કરવાનું કહ્યું આશુતોષે. અંજનાએ તો જે યુટ્યૂબ શિક્ષકો છે જે ઉટપટાંગ ગ્રાફ બનાવે છે અને વાતોનાં વડાં કરે છે તેમને કોડીનું જ્ઞાન નથી તેમ કહ્યું. અને શિક્ષકો તેમનાથી અલગ છે તેવું કહ્યું. પરંતુ અંજનાના આ નિવેદનને પકડીને તેના નામ સાથે ફૈઝલ ખાન (ખાન સર તરીકે જાણીતો કાચિંગ સેન્ટરવાળો), અભિનય શર્મા (અભિનય મેથ્સ), બબિતાપ આવાં બધાં રીલ શિક્ષકો મંડી પડ્‌યાં. આ લોકોએ કેમ આશુતોષને નિશાન ન બનાવ્યા? કારણકે તે લેફ્‌ટ-લિબરલ છે. અંજના પણ અગાઉ હતાં, પરંતુ મોદી સરકાર આવ્યા પછી તેમનું (અથવા કહો કે ચેનલના કારણે તેમનું) વલણ બદલાયું છે. આમેય, આ લોકોને વિડિયો જો સરકાર વિરોધી કે સરકાર તરફી હોય તેવા લોકો વિરુધ્ધ બનાવે તો વિદ્યાર્થીઓ અને તેમની ઇકા સિસ્ટમની વાહ-વાહ મળે.
ખાને તો અંજનાના નામ સાથે દલાલી અને પગ ચાટવા જેવા ખરાબ શબ્દો વાપર્યા. પહેલી શરૂઆત કોણે કરી તે ખબર નથી, પરંતુ ખાને પહેલી શરૂઆત કરી હશે કારણકે ખાને અગાઉ લગભગ માર્ચ આસપાસ વાઇરલ થયેલા એક વિડિયોમાં અંજના ઓમ કશ્યપનું અપમાન કરતી વાત કરી હતી.
તેણે કહ્યું હતું, “ક્યા અંજના ઓમ કશ્યપ કા યે લેવલ હૈ કિ પુતિન સે બાત કર સકેં? હમ તો કહતે હૈ કિ યહાં કોઈ પઢા હુઆ અપને યહાં સે, યુપીએસસી યા બીપીએસસી કા કેન્ડિડેટ, ઉસકા ભી ઇન્ટરવ્યૂ ન લે સકે. કિસ કા ઇન્ટરવ્યૂ લેને બૈઠી પુતિન કા… યે તો લડવાને મેં ઍક્સ્પર્ટ હૈ ના.’
અંજના ઉપર વિચારોના પૂર્વગ્રહનો આક્ષેપ થઈ શકે પરંતુ જ્ઞાન ઓછું હોવાનો આક્ષેપ ન થઈ શકે.
ખાનના અનેક વિડિયો આૅનલાઇન છે જેમાં તે ખોટી માહિતી અથવા માહિતીને મારીમચડીને રજૂ કરે છે. એક વિડિયોમાં તો યુપીઆઈ (પેમેન્ટ પધ્ધતિ)નું આખું નામ પણ તે ખોટું બોલે છે. બિહારમાં આંદોલનોને પણ તેણે સમર્થન કર્યું હતું. એટલે કે માત્ર ભણાવવું તે તેનો એજન્ડા નથી. એક નાગરિક તરીકે તે પોતાનો મત વ્યક્ત કરતો વિડિયો બનાવી શકે છે, પણ વિકાસ દિવ્યકીર્તિ, અવધ ઓઝા, ખાન, અભિનય આ બધાને કોરોના પછી એક સરળ હાથવગો ઉપાય જડી ગયો છે. રીલ બનાવવા, લોકપ્રિય થવાનું અને વિદ્યાર્થીઓને પોતાના સેન્ટરમાં જોડી મસમોટી ફી લેવાની. (ખાન ઓછી ફી લે છે તેમ કહેવાય છે.) વિદ્યાર્થીઓ થકી તો કમાણી થાય જ, યુટ્યૂબ પણ વધારે વ્યૂ આવે તો પૈસા આપે. એટલે બંને બાજુથી ફાયદો. ઉપરાંત તેમને એક વાતાવરણ હિન્દુ વિરોધી બનાવવું છે.
વિકાસ દિવ્યકીર્તિએ ‘રામાયણ’ની ખોટી વાત કરતાં પોતાનું ખોટું અર્થઘટન કરતાં એક વિડિયોમાં કહ્યું હતું કે શ્રી રામ કંઈ સીતાજીને બચાવવા માટે રાવણ સામે યુધ્ધ નહોતા લડ્‌યા, તેઓ તો પોતાની પ્રતિષ્ઠા માટે લડ્‌યા હતા. સીતાજી વિશે તો એવું કહ્યું હતું કે જે અહીં લખી શકાય તેમ નથી. અવધ ઓઝા પણ આવાં નિવેદનો આપે છે.
ફૈઝલ ખાને એક વિડિયોમાં એવું કહ્યું હતું કે કાશ્મીર પંડિતોની હત્યા થઈ એટલે આ વિષય એટલો બધો ચગ્યો. જો કાશ્મીરના દલિતોની હત્યા થઈ હોત તો આટલો વિષય ન ચગ્યો હોત.
આ લોકોનું કામ છે કાચિંગ સેન્ટરમાં સરકારે નક્કી કરેલો પાઠ્‌યક્રમ ભણાવવાનું પરંતુ આ શિક્ષકો નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, રામાયણ, બ્રાહ્મણો પર અત્યંત હલકી ભાષામાં ટીપ્પણી કરે છે. અને તે પણ કાચિંગ સેન્ટરમાં ભણાવતા હોય તે રીતે. એટલે એવું બહાનું કરી શકાય કે અમે તો કાચિંગ સેન્ટરમાં ભણાવતા હતા. દિલ્લીમાં ‘રાવ્સ’ આઈએએસ સ્ટડી સેન્ટરમાં ભોંયરામાં આવેલી તેની લાઇબ્રેરીમાં પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં, તે પછી અવધ ઓઝા અને વિકાસ દિવ્યકીર્તિના કાચિંગ સેન્ટરમાં પણ આવી જ ભયજનક વ્યવસ્થા હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં, અવધ ઓઝાને ત્યાં ભણતી વિદ્યાર્થિનીઓએ તો એમ કહ્યું હતું કે અવધ ઓઝા લંપટ છે. તે ચડ્ડો પહેરીને ભણાવવા આવે છે.
અભિનય શર્મા તો ચડ્ડો પહેરીને ઉછળકૂદ કરીને ગાતો ગાતો બોલે છે કે “હું નીકર પહેરીને ભણાવું છું, જુઓ.” તે એક વિડિયોમાં ગાંડાની જેમ ‘બેબી કો બેઝ પસંદ હૈ’ જેવું અશ્લીલ ગીત ગાતો પણ દેખાય છે. કુમળા મનના અને ભૌતિકવાદથી ભરમાઈ જતાં વિદ્યાર્થીઓને પોતાની તરફ આકર્ષવા અભિનય સંદીપ મહેશ્વરીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહે છે કે તેની પાસે મર્સીડિઝ સહિત દસ લક્ઝરી ગાડી છે. મારા એક વર્ષના બાળક પાસે બે બેઠકવાળી કાર છે. નોઇડામાં પ્લાટ અને વિલા છે. તેના સેન્ટરમાં જોડાવાની ફી રૂ. ૫૦ કરોડ છે. તે કહે છે કે “એકનાં એક કપડાં હું ક્યારેય નથી પહેરતો.”
સ્પષ્ટ છે કે આ લોકો ભણાવવા કરતાં ‘કમાવવા’માં વધુ રસ ધરાવે છે. અને અવધ ઓઝાને તો આઆપે ટિકિટ પણ આપી હતી. દિલ્લી વિધાનસભાની ચૂંટણી હારી ગયો હતો. તે પછી માત્ર દસ જ મહિનામાં તેણે રાજકારણ છોડી દીધું. પરંતુ એક વિડિયોમાં તે કહે છે, ‘ક્રાંતિ હોને જા રહી હૈ, ભયંકર. મારકાટ, અબ તો કભી ભી હો સકતી હૈ, ઇકાનામી જિસ દિન કાલેપ્સ કી, બૅંક્સ કાલેપ્સ કિયે, અરે રિઝન? અગર યે વાર બઢ જાયે, ઇરાન ઇઝરાયેલ વાલા વાર, ઔર સિર્ફ ગેસ સિલિન્ડર કી સપ્લાય બંધ હો જાયે, બંધ હો જાયે, તો યે દિલ્લી, મુંબઈ, કલકત્તા, ભૂખા આદમી મરને સે પહેલે મારેગા. યહી ફ્રાન્સ મેં હુઆ થા, રુસ મેં હુઆ થા. ઉસી તરફ હમ જા રહે હૈ.”
વિચાર કરો, આ બદમાશ ભારતમાં લોહીયાળ ક્રાંતિનું સપનું જોઈ રહ્યો છે. અને અમેરિકા આ જ તો ઇચ્છે છે કે ભારતમાં મોદી સરકાર સામે શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ જેવી ક્રાંતિ થાય. સદ્‌ભાગ્યે યુધ્ધના સમયે પણ મોદી સરકારે જે રીતે ગેસ ભરેલાં જહાજો હેમખેમ નીકળી ગુજરાત પહોંચે તેવી વ્યવસ્થા કરી છે, પેટ્રાલ-ડીઝલની વ્યવસ્થા કરી છે તેના કારણે આ ‘લાલ’ભાઈઓની ઇચ્છા પૂરી નથી થતી.
વિકાસ દિવ્યકીર્તિ, અવધ ઓઝા, ખાન, અભિનય જેવાના કારણે બીજા ઘણા બધા કાચિંગ સેન્ટરવાળા શિક્ષકોએ રીલ બનાવી-બનાવી આ મુદ્દાને અંજના વિરુધ્ધ શિક્ષકોનો બનાવી દેવા પ્રયાસ કર્યો.
અહીં આપણો મૂળ મુદ્દો આવે છે. જ્યારે કોઈ ખોટું કામ કરતા પકડાય ત્યારે તેને બચાવવા સજ્જનો અને સન્નારીઓનો આખો સમુદાય કેમ આગળ આવી જાય છે? મુસ્લિમોની વાત તો જાણીતી જ છે. નદીમ (શ્રવણ), મોહમ્મદ અઝહરુદ્દીનથી માંડીને અનેક એવા દાખલા છે કે આ લોકો ફસાય ત્યારે પોતાના ‘મુસ્લિમ’ વિક્ટિમ કાર્ડનો ઉપયોગ કરે છે અને તેમના સમર્થનમાં આરફા ખાનમ શેરવાનીથી માંડીને સમાજ પણ આવી જાય છે.
થાય છે એવું કે એક મુદ્દો ઊભો થાય છે ત્યારે બીજા મુદ્દાવાળા મૌન બની જાય છે. રેણુ ભાટિયાના સમર્થનમાં કોઈ આગળ ન આવ્યું. વાત રેણુ ભાટિયાના સમર્થનની નથી. વાત બળાત્કારનો ભોગ બનેલી પંદર વર્ષની દીકરીની છે. શું સરકારી હાસ્પિટલમાં ઘણી વાર નર્સો કે વાર્ડ બાયની તેમના કામમાં બેદરકારી કે સ્થાન પર અનુપસ્થિતિના બનાવો નથી બનતા? કાચિંગ સેન્ટરમાં ખાનના ગાર્ડે પોતાના જ સેન્ટરમાં ગોળીબાર કર્યો હતો. ખાનના સેન્ટરમાં ઘણી સુવિધાઓનો અભાવ છે અને તે નાસતો ફરે છે. આવું વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનાં સેન્ટરો બાબતે પણ ઉપર કહ્યું તેમ બહાર આવ્યું હતું.
નર્સો, શિક્ષકો, વકીલો, પોલીસ, બાલિવૂડ, પત્રકારો, મહિલા, પુરુષ, સરકારી કર્મચારી, પાટીદાર, દલિત, આદિવાસી, મુસ્લિમો આવાં અનેક ચોકઠાંમાં ભારતીયો વહેંચાયેલા છે અને આ ચોકઠામાં કોઈ બેચાર પર આરોપ લાગે છે અને બાકીનાને લાગવા લાગે છે કે જો આપણે નહીં બોલીએ તો આપણા આખા સમુદાયને પૂરો કરી નખાશે. આનાથી થાય છે એવું કે ખોટું કરનારાઓ બચી જાય છે. તેઓ આ સમુદાયનું નેતૃત્વ કરવા લાગે છે અને સમુદાય માટે લડવાના નામે સત્તા ભોગવે છે, પૈસા એકઠા કરે છે.
jaywant.pandya@gmail.com