તાજેતરમાં સમાચાર આવ્યા કે સાઉદી અરેબિયા સાથે પરમાણુ સમજૂતીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પે અનુમતિ આપી દીધી. આ તો કેવી વાત થઈ ! એક તરફ, અમેરિકા ઈરાનને પરમાણુ શસ્ત્રવિહીન બનાવવા માટે યુધ્ધ કરે. અને તેની ભેગું ઇઝરાયેલ પણ ભળે અથવા ઇઝરાયેલ ભેગું અમેરિકા ભળે, કારણકે અમેરિકાથી વિરુધ્ધ ઇઝરાયેલ તો મુસ્લિમ દેશોથી અને તેમની શત્રુતાથી ઘેરાયેલું રાષ્ટ્ર છે. તેથી ૨૦૧૧માં એક ટીવી સાક્ષાત્કારમાં કહ્યું હતું કે અમારું પહેલું લક્ષ્ય ઈરાન છે અને તે પછી પાકિસ્તાન. એટલે તેનો હેતુ તો ઈરાનને શું કોઈ પણ મુસ્લિમ રાષ્ટ્રને પરમાણુશસ્ત્રવિહીન બનાવવાનો છે. પરંતુ અમેરિકાનો ઈરાન પર યુધ્ધનો હેતુ તેલના વેપારમાં અને વિશ્વમાં વર્ચસ્વનો છે.
એટલે જ હાર્મુઝ સમુદ્રધૂનિ પર ઈરાન વર્ચસ્વ જમાવવાની અચાનક વાત કરે તે સમજમાં નથી આવતું. શું એ અમેરિકાના કહેવાથી કરતું હશે? કારણકે ઈરાનમાં અત્યારે કોનું ચાલે છે તે જ ખબર નથી પડતી. અલી ખામેનેઇની અનેક દિવસો ચાલેલી અંતિમવિધિમાં તેમના પુત્ર અને ઈરાનના જાહેર કરાયેલા સર્વોચ્ચ પંથીય નેતા મોજતબા ખામેનેઇ દેખાયા જ નહીં. બ્રિટનના ‘ધ સન’ અને ‘ધ ટાઇમ્સ’ મુજબ, એપ્રિલની સ્થિતિએ મોજતબા ખામેનેઇ બેભાન અથવા તો કોમામાં હતા. તેમને પગમાં ગંભીર ઈજા પહોંચી છે. એટલે ઈરાનમાં સેનાનું ચાલે છે, ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખનું તે કળી શકાતું નથી.
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચીએ એપ્રિલમાં કહ્યું હતું કે હાર્મુઝ બધા માટે ખુલ્લી છે, તેના કારણે ઈરાનનું રિવાલ્યૂશનરી ગાર્ડ કાર્પ્સ (આઈઆરજીસી) ક્રોધિત થયું હતું. આઈઆરજીસી હાર્મુઝ પર નિયંત્રણ ઇચ્છે છે અને ત્યાંથી જહાજ નીકળે તેના પર ટાલ વેરો ઉઘરાવવા ઇચ્છે છે. આના પર અમેરિકાને વાંધો છે. અમેરિકાના પ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પે ગત ૧૪ જુલાઈએ જાહેર કર્યું હતું કે અમેરિકા હાર્મુઝમાંથી નીકળતાં જહાજો પર ૨૦ ટકા ટાલ વેરો લેશે.
આ તો વિશ્વ સમુદાયના નિયમ વિરુધ્ધ છે. માનવ સર્જિત નહેરમાંથી જહાજ પસાર થવા દેવા માટે તેના પર નિયંત્રણ ધરાવતો દેશ ટાલ લઈ શકે, પરંતુ પ્રાકૃતિક આંતરાષ્ટ્રીય જળ માર્ગમાંથી પસાર થતાં જહાજો પાસેથી ન લઈ શકે. આ રીતે ઇજિપ્ત સુએઝ નહેરમાંથી પસાર થતાં જહાજો પાસેથી ટાલ લે છે. પનામા પણ પનામા નહેરમાંથી પસાર થતાં જહાજો પર ટાલ લે છે, પરંતુ હાર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી ઈરાન એટલા માટે ટાલનો દાવો ન કરી શકે કે તે ઈરાનની ભૂમિને અડીને છે. અને અમેરિકા તો બિલકુલ નહીં.
પ્રશ્ન એ છે કે શું આઈઆરજીસી અમેરિકાના સંકેત પર હાર્મુઝને બંધ કરવાની વાત કરે છે? અને તે ખોલાવવાના બહાને અમેરિકા તેના પર આધિપત્ય જમાવવા માગે છે? પ્રશ્ન એ પણ છે કે આ રીતે વિશ્વ સમુદાય ક્યાં સુધી હાર્મુઝ પર આ રીતે દાદાગીરી સહન કરતું રહેશે? ગત ફેબ્રુઆરીમાં ઇઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર આક્રમણ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ૩૦થી ૪૬ જહાજો ઈરાનના આક્રમણનો ભોગ બન્યાં છે. અને ૧૭ નાવિકોનાં મૃત્યુ થયાં છે. તેમાંથી સાતથી આઠ નાવિકો ભારતીય હતા.
આમ, આ બંને દેશો ગુપ્ત રીતે મળીને (સંતલસથી) હાર્મુઝ પર આધિપત્ય જમાવીને ટાલ ઉઘરાવવાના કાવાદાવા કરતા હોય કે પોતાની રીતે, એ વિશ્વના નીતિનિયમો વિરુધ્ધ તો છે જ. પરંતુ પ્રશ્ન એ છે કે અમેરિકાનો કાન કોણ પકડે? ઈરાનનું તો તોય સમજાય કે તેની સામે ઇઝરાયેલ પડેલું છે. અમેરિકા પડેલું છે, પરંતુ અમેરિકાનું શું?
અમેરિકા માત્ર ઈરાનને જ કનડે છે તેવું નથી. અગાઉ આ કાલમમાં લખી ગયા પ્રમાણે, અમેરિકાનું એક લક્ષ્ય ભારત અને ચીન પણ છે. એટલે જ, ગત ૧૭ જૂને બંને દેશો વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શસ્ત્રવિરામની સમજૂતી થઈ તે પછી અમેરિકાએ ૮ જુલાઈએ ફરીથી ઈરાન પર આક્રમણો શરૂ કર્યાં તે કયા કારણે? ભારતના કારણે.
યુધ્ધ અટક્યું એટલે ભારતે, ભારત માટે વ્યૂહાત્મક એવા ઈરાનના ચાબહાર બંદરગાહને ઈરાનના ઝહેદાન સાથે જોડવા તેની વચ્ચે ૭૦૦ કિમીના રેલવે પાટા નાખવા છ જુલાઈએ નિર્ણય જાહેર કર્યો. ભારતનો હેતુ મધ્ય એશિયા અને યુરેશિયામાં વેપાર પહોંચ સરળ બનાવવાનો હતો. આ દરમિયાન આઠ જુલાઈએ ફરીથી અમેરિકાએ ઈરાન પર આક્રમણ શરૂ કર્યું અને તે પણ ચાબહારને નિશાન બનાવીને.
૧૬ જુલાઈએ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટિ આપી કે અમેરિકી દળોએ ચાબહાર શહીદ કલંતરી બંદરગાહ પર આવેલા નિરીક્ષણ ટાવરને ઉડાડી દીધો છે. આ ટાવર ઈરાનની પાસેના દરિયામાં નિરીક્ષણનું કામ કરતો હતો. ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને ઈરાન થઈ અફઘાનિસ્તાનમાં પૂરવઠો મોકલવાનું કામ કરે છે. તેમાં ચાબહારની ઉપયોગિતા ઘણી છે. ૨૦૨૪માં ભારતે જાહેર કર્યું હતું કે તે ચાબહાર બંદરગાહના કામકાજ માટે ઈરાન સાથે દસ વર્ષનો કરાર કરશે.
અમેરિકા અને ઈરાન આ રીતે દાદાગીરી કરીને હાર્મુઝને બંધ રાખે છે તેનાથી તેમજ બંને વચ્ચેના યુધ્ધથી કાચા તેલના ભાવ વધે છે. આનો સીધો ફાયદો અમેરિકાને થાય છે. ભારત અને ચીન જેવા વિકાસશીલ રાષ્ટ્રોને તેનો ફટકો પડે છે. હવે તો, ઈરાન સમર્થિત હૌથી જૂથે લાલ સાગર (રેડ સી)માંથી નીકળતાં જહાજોને ધમકી આપી છે અને ઓછામાં ઓછા સાત જહાજોને તેના કારણે યુટર્ન લેવો પડ્‌યો છે. આમ, ઈરાનની દાદાગીરી માત્ર તેના દેશ પૂરતી સીમિત નથી. યમનમાંથી પણ તે હૌથી દ્વારા દાદાગીરી કરે છે. લેબેનોનમાં હિઝબુલ્લાહ ઇઝરાયેલના નાકમાં સળી કર્યા રાખે છે.
બીજા વિશ્વ યુધ્ધ પછી વિશ્વ અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે સેન્ડવિચ થઈ ગઈ હતી. લગભગ મહ¥વના દરેક દેશમાં અમેરિકા તેની જાસૂસી સંસ્થા સીઆઈએ અને સોવિયેત સંઘ તેની જાસૂસી સંસ્થા કેજીબી દ્વારા દેશની સરકારોને અને વિપક્ષી રાજકારણીઓ તેમજ પ્રશાસનિક અધિકારીઓ (સંભવતઃ ન્યાયાધીશો પણ ખરા)ને પોતાની તરફ લાવવાનો પ્રયત્ન કરતાં હતાં. આખું વિશ્વ બંને દેશો માટે કુશ્તીનો અખાડો બની ગયું હતું. કેટલાય જાસૂસો તો ડબલ એજન્ટ તરીકે કામ કરતા. ત્રણ ડિસેમ્બર ૧૯૯૧એ કેજીબીને તો સમાપ્ત કરી દેવાઈ. ૨૬ ડિસેમ્બર ૧૯૯૧એ સોવિયેત સંઘનું પણ વિસર્જન થઈ ગયું. જોકે રશિયાની પાસે હવે એફએસબી (આંતરિક) અને એસવીઆર (વિદેશ માટેની) નામની જાસૂસી સંસ્થાઓ છે.
જોકે રશિયાની એસવીઆર હવે વિદેશમાંથી ગુપ્ત માહિતી મેળવે છે, રાજકીય પ્રભાવ વધારવાનું કામ કરે છે, અને ઘણી વાર દુષ્પ્રચારના શસ્ત્રનો પણ આશ્રય લે છે, પરંતુ હિંસાત્મક આંદોલનો કરાવીને સરકાર ઉથલાવવાનું કામ નથી કરતી. જ્યારે સીઆઈએ સરકારોને ઉથલાવવા હિંસાત્મક આંદોલનો પણ કરાવે છે. રાષ્ટ્રાધ્યક્ષોની હત્યાઓ પણ કરાવે છે.
૧૯૬૦ના દાયકામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડ્‌વાઇટ આઈજનહાવરને થયું કે આફ્રિકાના ઝૈરે (હવે કાંગો) ઉગતા રાજકીય સિતારા અને લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા પેટ્રિક લ્યુમુમ્બા અમેરિકાના શત્રુ છે ત્યારે ૧૭ જાન્યુઆરી ૧૯૬૧એ તેમની હત્યા થઈ ગઈ. સીઆઈએની સત્તાવર વેબસાઇટ પર એક પુસ્તક વિશે લખાયેલું છે, તેમાં ઉલ્લેખ છે કે લ્યુમુમ્બાની હત્યામાં સીઆઈએની ભૂમિકા હતી.
ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં ત્યારે તેઓ અવારનવાર સીઆઈએ પર તેમની સરકારને ઉથલાવવા અને ઘરેલુ બાબતોમાં હસ્તક્ષેપનો આરોપ મૂકતા હતા. કાંગ્રેસ દ્વારા વિપક્ષી નેતાઓને સીઆઈએ અથવા આઈએસઆઈ એજન્ટ તરીકે ગણાવી દેવામાં આવતા.
સામા પક્ષે સીઆઈએના જણાવ્યા મુજબ, સોવિયેત સંઘ કાંગ્રેસ-આઈ (ઈન્દિરા ગાંધીવાળી કાંગ્રેસ), બે સામ્યવાદી પક્ષ અને વિવિધ પક્ષોના નેતાઓને આર્થિક સહાય પૂરી પાડતું. એટલું જ નહીં, સોવિયેત સંઘ ભારતીય સમાચારપત્રો (યાદ રહે, તે વખતે ટીવી કે ડિજિટલ મીડિયા નહોતું)માં પણ પોતાને જે સમાચાર છપાવવા હોય તે છપાવી શકતું હતું.
ઈ. સ. ૧૯૭૮માં ભારતમાં અમેરિકી રાજદૂત ડેનિયલ પેટ્રિક મોયનિહાને એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું, ‘અ ડેન્જરસ પ્લેસ’. આ પુસ્તકમાં તેમણે લખ્યું હતું કે સીઆઈએએ ગુપ્ત રીતે કાંગ્રેસ પક્ષને બે પ્રસંગે નિધિ (ફંડ, યૂ ના !) પૂરી પાડી હતી- વિશેષ તો કેરળ અને પ. બંગાળ રાજ્યોમાં. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ઈન્દિરા ગાંધીએ પોતે સીઆઈએ તરફથી નાણાં સ્વીકાર્યાં હતાં !
આવું રહસ્યોદ્ઘાટન કેમ થયું? તો વાત એમ હતી કે ઈન્દિરા ગાંધી વારંવાર સીઆઈએ તેમની સરકાર ઉથલાવવા ષડયંત્રો કરી રહી છે તેવા આક્ષેપો કરતાં હતાં. આથી મોયનિહાન ત્રાસી ગયા. તેમણે ભારતમાં સીઆઈએની કામગીરી અંગે આંતરિક તપાસ હાથ ધરી. આ તપાસમાં ઉપરોક્ત સત્ય બહાર આવ્યું હતું. તે સમયે મોરારજી દેસાઈની સરકાર હતી. અટલ બિહારી વાજપેયી સહિત જનતા પક્ષના પ્રધાનોએ ઈન્દિરા ગાંધી પર ઉપરોક્ત પુસ્તકના આધારે આક્ષેપો કર્યા હતા અને વળતામાં, ઈન્દિરાજીના સમર્થકોએ એટલે કે કાંગ્રેસીઓએ મોયનિહાન પર વંશવાદી અને સામ્રાજ્યવાદી હોવાના આક્ષેપો કર્યા હતા.
પરંતુ અમેરિકા માત્ર સીઆઈએ દ્વારા જ આ કામ નથી કરતું. અમેરિકા અથવા બૃહદ રીતે કહીએ તો ડીપ સ્ટેટ પાસે અનેક રસ્તા છે. એનજીઓ, ફિલ્મ જગત, મીડિયા જગત, પ્રશાસનિક અધિકારીઓ, ન્યાયાધીશો અને છેલ્લે રાજકારણી. એનજીઓ મોટા ભાગે વિદેશી ફંડના આધારે ચાલતાં હોય છે. સેવાના નામે મેવા મેળવતી એનજીઓની વાત છે. સાચેસાચ સેવા કરતી એનજીઓની વાત નથી. આ એનજીઓ સેવાની સાથે-સાથે પર્યાવરણના નામે, પશુદયાના નામે, શ્રમિકોની ચિંતાના બહાને, મહિલા અધિકારોના બહાને, દેખાવ-પ્રદર્શન કરે છે. સરકાર પાસે નીતિ ઘડાવવાનું કામ કરે છે. ઘણી વાર તો તેમાં તે મસાલો એટલે કે મટિરિયલ આપવાનું કામ કરે છે, સરકારી અધિકારીઓએ માત્ર તેને પ્રધાનો સમક્ષ રજૂ કરવાનું અને મત્તુ મરાવવાનું. તે સંસદમાં ખરડા તરીકે જાય અને કાયદો બને. ઘણી વાર તેની આવશ્યકતા ન પડે કારણકે નીતિ જ જાહેર કરવાની હોય.
જો એનજીઓને પોતાનો હેતુ સરતો ન લાગે અથવા અમેરિકાના વિરુધ્ધનું કંઈ પણ હોય તો તે
દેખાવો કરાવે. દા. ત. કુદનકુલમ પરિયોજના. અટલજીની એનડીએ સરકાર વખતે રશિયા સાથે મળીને તમિળ નાડુમાં, કુદનકુલમ પરમાણુ ઊર્જા પ્લાન્ટ નાખવાનો હતો, પરંતુ તેનો પ્રાટેસ્ટન્ટ ચર્ચ – ચર્ચ આૅફ સાઉથ ઇન્ડિયા, નેશનલ કાઉન્સિલ આૅફ ચર્ચીસ, પરમાણુ ઊર્જા વિરોધી જૂથ- પીપલ્સ મૂવમેન્ટ અગેઇન્સ્ટ ન્યૂક્લિયર એનર્જીએ ભરપૂર વિરોધ કર્યો.
ફેબ્રુઆરી ૨૦૧૨માં અકળાયેલા વડા પ્રધાન ડા. મનમોહનસિંહે જાહેરમાં આક્ષેપ કર્યો કે વિદેશથી ભંડોળ મેળવતા એનજીઓ કુદનકુલમ પરમાણુ પરિયોજના અટકાવવાનું કામ કરી રહી છે.
એનજીઓ ઘણી વાર સીધી મેદાનમાં નથી આવતી. તે પોતાની સાથે સંકળાયેલા સ્થાનિકોના મનમાં વિરોધનાં બીજ રોપી દે છે. એટલે વિરોધ સ્થાનિકો કરે છે. જો આનાથી વાત ન બને તો એનજીઓ ન્યાયાલયના દરવાજા ખટખટાવે છે અને ઘણી વાર પર્યાવરણ, નૈતિકતા, માનવતા, માનવ અધિકારો, શ્રમિકોના અધિકારો, મહિલાઓના અધિકારોના નામે તેને જોઈતા ચુકાદા મળી પણ જાય છે. એક વાર આ મુદ્દો બને તે પછી ફિલ્મ જગતના લોકો મેદાનમાં આવે છે. તે પછી મીડિયામાં આ મુદ્દે એક તરફી રીતે (એટલે કે માત્ર એનજીઓના દૃષ્ટિકોણથી) નેરેટિવ ચલાવવામાં આવે છે. પરિણામે સરકાર ખલનાયક લાગવા લાગે છે. આ બધા પછી ભૂમિકા આવે છે રાજકારણીઓની- સાંસદો અથવા ધારાસભ્યોની. મોટા ભાગે સરકાર વિરોધી મુદ્દા બને એટલે વિપક્ષી સાંસદો અથવા ધારાસભ્યો તેને ઉઠાવવાના જ છે. છતાંય ન ઉઠાવે તો તેને ફોડી લેવામાં આવે છે.
તૃણમૂલનાં તત્કાલીન સાંસદ મહુઆ મોઇત્રા પર વેપારી દર્શન હીરાનંદાની તરફથી સંસદમાં સરકાર અને અદાણી સમૂહને નિશાન બનાવીને પ્રશ્નો પૂછવા માટે રોકડ નાણાં અને ભેટ લેવાનો આરોપ લાગ્યો હતો. તેના પગલે સંસદીય સમિતિએ તપાસ કરી અને તપાસમાં દોષી જણાતાં મહુઆ મોઇત્રાને ડિસેમ્બર ૨૦૨૩માંથી સંસદમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં એટલે કે તેમનું સાંસદ પદ ગયું હતું. આ ઉપરાંત અમેરિકાના પોતાની સરકારી સંસ્થાઓ પણ છે જે વિદેશોમાં ભડકો કરવાનું કામ કરતી હોય છે. આ સંસ્થાઓ ભારત જેવા દેશમાં માનવાધિકાર તળિયે ગયો હોવાનું કહે છે, અથવા ભ્રષ્ટાચારના ક્રમાંકોમાં ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનું કહે છે, પંથીય લઘુમતી એટલે મુસ્લિમો, ખ્રિસ્તી, શીખો પર અત્યાચાર વધ્યા હોવાનું કહે છે અથવા સ્ત્રીઓ સામેના અપરાધો વધ્યા હોવાનું કહે છે. ઘણી વાર પોતાના સમાચારપત્રોમાં ભારતના અગ્રણી ઉદ્યોગ સમૂહો વિરુધ્ધ અહેવાલો છપાવે છે. આ બધા પછી ભારત જેવા દેશોમાં તેના ભાષાંતરો છપાય છે. તેના આધારે સંસદમાં હોબાળો મચે છે. સર્વોચ્ચમાં પીઆઈએલ થાય છે. આમ, અમેરિકા જેને ધારે તેને ખલનાયક બનાવી શકે છે. બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળમાં વિદ્યાર્થીઓનાં આંદોલનો તેનો પુરાવો છે. પ્રશ્ન એ છે કે વિશ્વ આખું અમેરિકા અને ઈરાન જેવા કટ્ટરવાદી સમર્થક દેશોથી ત્રસ્ત છે. ક્યાં સુધી તેમની દાદાગીરી ચાલશે? શેષ વિશ્વ શું આ બંને દેશો સામે એક નહીં થાય? jaywant.pandya@gmail.com