સુરતમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢી માર મારવાના મામલે ડેપ્યુટી પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમની મુશ્કેલી વધી છે. ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર ઘટનાને લઈને સુઓમોટો કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી વરિષ્ઠ વકીલ ઉત્કર્ષ દવે દ્વારા મુખ્ય ન્યાયાધીશ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત બાદ શરૂ કરવામાં આવી છે.
હાઈકોર્ટ સમક્ષ રજૂઆતમાં દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓને જાહેરમાં માર મારવાની ઘટના સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇન્સ તેમજ બંધારણીય અધિકારોના ઉલ્લંઘન સમાન છે. રજૂઆત બાદ હાઈકોર્ટે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ સ્વપ્રેરિત કાર્યવાહી હાથ ધરી છે.
૧૩ જુલાઈના રોજ સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને પોલીસ દ્વારા જાહેર રસ્તા પર ફેરવવામાં આવ્યા હતા. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ આરોપીઓના વાળ પકડીને લાકડી અને લાફા મારતા દેખાતા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર અન્ય પોલીસ કર્મચારીઓ પણ આરોપીઓ સાથે બળપ્રયોગ કરતા હોવાના આરોપો સામે આવ્યા હતા.
૧૫ જુલાઈએ વરિષ્ઠ વકીલ ઉત્કર્ષ દવેએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખી આ સમગ્ર મામલે સુઓમોટો કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે કોઈપણ પોલીસ અધિકારીને કોર્ટમાં ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં આરોપીને જાહેરમાં સજા કરવાનો કે અપમાનિત કરવાનો અધિકાર નથી.પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જા આક્ષેપો સાચા સાબિત થાય તો તે ભારતીય બંધારણની કલમ ૧૪ (સમાનતાનો અધિકાર) અને કલમ ૨૧ (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર)ના ઉલ્લંઘન સમાન ગણાઈ શકે છે.
રજૂઆતમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ડી.કે. બાસુ વિ. પશ્ચિમ બંગાળ રાજ્ય (૧૯૯૭) અને પ્રકાશ સિંહ કેસ સહિતના ચુકાદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચુકાદાઓમાં ધરપકડ અને કસ્ટડી દરમિયાન આરોપીઓના અધિકારોનું રક્ષણ અને પોલીસના વર્તન અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે.
ગુજરાત પોલીસના તત્કાલીન ઇન્ચાર્જ ડીજીપી ડા. કે.એલ.એન. રાવ દ્વારા અગાઉ જાહેર કરાયેલા પરિપત્રમાં પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવું, માર મારવો અથવા અપમાનજનક વર્તન કરવું યોગ્ય નથી. રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટનામાં આ સૂચનાઓનું પણ પાલન થયું નથી.
કાનૂની નિષ્ણાતોના મતે, જા હાઈકોર્ટની કાર્યવાહી દરમિયાન ગાઇડલાઇન્સના ઉલ્લંઘનની પુષ્ટિ થાય તો માત્ર ડીસીપી રાજદીપસિંહ નકુમ જ નહીં, પરંતુ ઘટનામાં સામેલ અન્ય પોલીસ કર્મચારીઓ સામે પણ વિભાગીય અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે.