દામનગર શહેરમાં રવિવારે સાંજના સવા સાતના સુમારે સરદાર સર્કલ પાસે બે આખલાઓ સામસામે આવી જતાં ભયાનક યુધ્ધ ખેલાયું હતું. અચાનક શરૂ થયેલી આ લડાઈના કારણે આસપાસના લોકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ આખલા યુધ્ધે લગભગ પંદર મિનિટ સુધી વિસ્તારનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભાવી દીધો હતો.બંને પશુઓ એકબીજા સાથે હિંસક રીતે લડતા હોવાથી રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. અંતે વાહનચાલકો અને સ્થાનિક રાહદારીઓએ હિંમત દાખવી બંને આખલાઓ પર પાણી છાંટીને તેમને માંડ-માંડ અલગ કર્યા હતા, ત્યારે જઈને મામલો થાળે પડ્‌યો હતો. શહેરમાં રસ્તે રઝળતા આ પશુઓ અવારનવાર મુશ્કેલી સર્જતા હોવાથી, તંત્ર દ્વારા તેમને તાત્કાલિક પકડીને કોઈ સલામત સ્થળે ખસેડવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.