રાખનાં રમકડાં
‘‘સર…! એ બંગલો છે જ એવો. તેનો બાહ્ય દેખાવ અને આકર્ષણ એવું છે કે,
ત્યાંથી નીકળીએ એટલે થોડીવાર માટે ઊભું તો રહેવું જ પડે. એ બંગલા વિશે મેં જાણ્યું છે કે તે બંગલો કોઈ જંગલ ખાતાના ઓફિસરનો છે. પણ સર…’’
‘‘બસ, હવે એ બંગલા વિશે મારે બીજું કંઈ આગળ જાણવું નથી, બરાબર…! તું નિરાંતે બેસ, હું તને માંડીને વાત કરું છું, શાંતુ… તું પણ સાંભળજે…:
ગઈ કાલે સવારના દસ વાગ્યે મારો જીગરી દોસ્ત રઘુમલ જાડેજા જામનગર આપણા ઘરે આવ્યો હતો. શાંતુ…, તું રઘુમલને સારી રીતે ઓળખે છે. એ તો એમ જ ગામમાં આવ્યો હતો એટલે બાને મળવા આવેલો, ખબર પૂછવા માટે. બાને મળી લીધું, થોડીવાર બેઠો પછી જવા માટે ઊભો થયો ત્યારે બાએ કહ્યું; ‘એમ કંઈ હવે તારે જવાનું નથી, ગઈકાલનો દામો પણ મારી પાસે આવ્યો છે. તેને મળ્યા વગર થોડું ચાલ્યું જવાય…? એ બહાર આંટો મારવા ગયો છું. અબઘડીમાં આવવો જ જોઈએ…’
રઘુમલ મારી રાહ જોઈને બેસી રહ્યો. હું આવ્યો, અમે મળ્યા, ખૂબ જ આનંદ થયો. બપોરે અમે આપણા ઘરે જ જમ્યા, સાથે સાથે જમ્યા. પછી તો પેટભરીને ખૂબ ખૂબ વાતો કરી. આ દોસ્ત રઘુમલે મને વાત કરી કે, તમારા વિસાવદરમાં ક્યાંય ન જોયો હોય તેવો એક ભવ્ય બંગલો છે. આ બંગલો ક્રિષ્ના પેટ્રોલ પંપની બરાબર સામે જ છે. એટલે મને એ યાદ આવ્યું. તું વિસાવદરનો છે એટલે સ્વાભાવિક જ મેં તને આ બાબતે પૂછ્યું.” દામલે ચોખવટ કરી વાત પૂરી કરી.
દામલે આવી સાવ અલગ જ વાત કરી એટલે શાંતુને તો હાશ… થઈ, નિરાંત થઈ. તેના શ્વાસ હવે સામાન્ય થવા લાગ્યા, ખૂબ નિરાંત થઈ હતી શાંતુને. છતાંપણ શાંતુ હજી વિચારતી તો હતી જ કે, દામલે પેલા લેડીઝ પર્સ વિશે મહેશને કેમ કશું પૂછ્યું કેમ નહીં હોય…?
ત્યારે દામજી વિચારતો હતો કે, લેડીઝ પર્સ મહેશના રૂમમાં કેમ આવ્યું હશે અને ક્યાંથી આવ્યું હશે? આ મારા ઘરમાં મહેશ સિવાય બીજું તો કોઈ નથી. અને એવા કોઈ બીજા છોકરા પણ આવતા નથી. પરંતુ આવું સીધે-સીધું મહેશને પૂછવું એ સારું ન લાગે. જે હશે તે ક્યારેક તો સામે આવશે જ. કોણ જાણે કેમ મહેશ છોકરામાં પણ દામજીને ઘણો બધો ફેરફાર તો દેખાયો જ હતો. હમણાં હમણાં તે વધારે ખીલેલો ને રંગીલો દેખાઈ રહ્યો હતો. આ સિવાય આ ઘરમાં સ્ત્રી તો એક માત્ર શાંતુ જ હતી. હવે એ પણ સાચું જ હતું કે કમળાપુરથી આવ્યો તે દિવસે જ તેને શાંતુમાં ફેરફાર થયેલો દેખાયો તો હતો જ. તેના લીસ્સા ગાલમાં કંઈક અલગ પ્રકારની લાલી ઉભરાયેલી સ્પષ્ટ દેખાઈ હતી. આ ઉપરાંત તેના સ્નેહાળ સ્વભાવમાં અને વર્તનમાં પણ થોડો બદલાવ તો જરૂર થયેલો જોવા મળ્યો હતો. ખાસ કરીને શાંતુના ચહેરાની રંગત હવે કંઈક જુદી જ તરી આવતી દેખાઈ રહી હતી.
સાંસારિક જીવનમાં સમાંતરે બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું હોય ત્યારે એવી પળોમાં શંકાનું અવતરવું ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. શંકા નામનો શબ્દ જ લંકા જેટલો મહાન અને ભારેખમ છે. જો કે દામજી તો ભોળો-ભાળો અને નોકરી કરતો સજ્જન, જ્ઞાની ઉપરાંત શુધ્ધ વિચારશીલ એવો વ્યક્તિ હતો. સારું, સાચું શું… અને ખોટું ખરાબ શું? એવાં બધાં જ તેને ખબર પડે. છતાંય પણ શારીરિક સંબંધી મુશ્કેલીઓ થોડી પાતળી એવી નબળાઈ કે પછી થોડી નાની એવી ક્ષતિનો અહેસાસ વારંવાર થતો હોય ત્યારે આવા નીત નવા વિચારોનું અવતરણ ઉદ્‌ભવે છે. ને આવા વિચારો થકી જ ન ધાર્યું હોય તેવા પરિણામ પણ આવી શકે છે.
થોડું એવું લાગ્યું પરંતુ હવે તો રાબેતા મુજબ જ બધું ચાલવા લાગ્યું. દામજી અને શાંતુ નિયમિત સ્કૂલે ચાલ્યાં જતાં. મહેશ પણ તેના ટાઈમે પંચાયતમાં નોકરીએ જતો રહેતો. આમ દિવસે નહીં પણ સાંજના બધાં સાથે બેસીને ખાતાં પીતાં…! આ રોજનો કાર્યક્રમ હતો. દિવસ પછી દિવસ પસાર થતાં રહ્યાં. જોતજોતામાં બે મહિના તો પસાર પણ થઈ ગયા.
હમણાં હમણાં રાતના દામજીને મીઠી ઊંઘમાં સાવ અલગ અને વિચિત્ર એવાં સ્વપ્નાં આવવા શરૂ થયાં હતાં. અકલ્પ્ય એવા સ્વપ્નોને દામજી પોતાની રીતે માનસિક રોગ માનતો. હા, હવે તેને આવતાં સ્વપ્નામાં મંદિર તો અવશ્ય દેખાતું જ, આ વિશિષ્ટતા હતી. ક્યારેક તો ઊંચે ઊંચે ગગનમાં બાની આંગળી પકડી તે પોતાને આમ-તેમ ફરતો જોતો. સ્વપ્નામાં આવું જોઈ દામજી વિચારતોઃ
(ક્રમશઃ)