નવસારી જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ મોટી સફળતા હાંસિલ કરી છે. વાંસદા તાલુકાના નિર્પણ રોડ પર આવેલા એક ભાડાના મકાનમાં દરોડો પાડીને પોલીસે આંતરરાજ્ય અફીણ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ ૧૮.૬૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસને બાતમી મળી હતી કે વાંસદાના હનુમાન બારી, ચૂન ખાડા ફળિયામાં આવેલા ભાડાના મકાનમાં મૂળ રાજસ્થાનનો મંગલારામ જગમાલારામ ગેરકાયદેસર અફીણનો જથ્થો સંતાડીને સ્થાનિક ગ્રાહકોને વેચાણ કરી રહ્યો છે. માહિતીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક દરોડો પાડીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા.
એસઓજી પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન આરોપીઓ પાણીના જગ અને સ્ટીલના ડબ્બામાં અફીણ છુપાવીને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ૧.૧૫૫ કિલોગ્રામ અફીણ, ડિજિટલ વજન કાંટો, પાણીનો જગ, સ્ટીલના ડબ્બા સહિતનો જથ્થો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ૫.૫૪ લાખ કિંમતનું અફીણ, ૨.૩૨ લાખ રોકડ, ૧૦ લાખની ગ્રાન્ડ વિટારા કાર, બે મોબાઈલ ફોન અને અન્ય સાધનો સામેલ છે.
આ કેસમાં ૩૬ વર્ષીય મંગલારામ જગમાલારામ અને ૩૪ વર્ષીય ગણેશારામ ભવરલાલ નામના બે રાજસ્થાની આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દિનેશ ચુનીલાલ અને એક અજાણ્યા યુવકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા બંને આરોપીઓ સામે વાંસદા પોલીસ સ્ટેશનમાં એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આ સ્મગલિંગ નેટવર્કમાં અન્ય સ્થાનિક કે આંતરરાજ્ય કડીઓ સંડોવાયેલી છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.







































