બગસરા શહેરના રહેણાંક વિસ્તાર ગણાતા હુડકો કોલોનીમાં રાત્રિ દરમિયાન એક સિંહે આવીને જગદીશ પ્રોવિઝન સ્ટોર સામેના ખુલ્લા ગ્રાઉન્ડમાં રખડતી ગાયનું મારણ કર્યું હતું. આ બનાવની જાણ થતાં જ જાગૃત નાગરિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને પંજાના નિશાન પરથી આ મારણ સિંહ દ્વારા જ કરવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી હતી. નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ આ વિસ્તારમાં એક બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો, અને હવે સિંહના આ પ્રકારે રહેણાંક વિસ્તારમાં આંટાફેરા અને મારણના બનાવથી લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. લોકો માટે રાત્રિના સમયે ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. વન્યજીવો દ્વારા અવારનવાર થતા હુમલાથી ગભરાયેલા સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ માંગ કરી છે કે આવા હિંસક જાનવરોને રહેણાંક વિસ્તારમાંથી તુરંત ખદેડવામાં આવે અને વિસ્તારના લોકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.






































