રાખનાં રમકડાં
ખરું કહેવાય, સ્વપ્નામાં મંદિર અને આકાશનાં જ દર્શન કેમ થતાં હશે…? અને એમાં પણ બા… સાથે જ હોય! આખરે સ્વપ્નાં તો સ્વપ્નાં જ રહેવાના. આમ અંતે દામલભાઈના વિચારોનો અંત આવતો.
એક દિવસ અચાનક એક ઘટના ઘટી. વહેલી સવારમાં દામલભાઈના ડેલા પાસે એક કાર આવીને ઊભી રહી. દામલભાઈને સાત વાગે સ્કૂલે જવાનું હોવાથી તે તો રોજ રોજ વહેલો જ ઊઠતો. શાંતુ પણ સાથે જ ઊઠી જતી. અને આટલી વહેલી સવારે કારમાંથી એક વ્યક્તિ બહાર નીકળી, ડેલાને ખખડાવી…‘‘દામલભાઈ…’’ ના નામની બૂમ પાડી. આ અવાજથી દામલભાઈ અને શાંતુ દ્વિધામાં આવ્યાં. દામલભાઈએ ઉતાવળે જઈ ડેલો ખોલ્યો. જરા બહાર નીકળ્યો તો ડેલા પાસે સફેદ કપડાંમાં એક વ્યક્તિને ઊભેલી જોઈ. એને જોતાં જ દામલભાઈ તરત ઓળખી ગયો. એ સજ્જન પુરુષ મનસુખભાઈ હતા. તેઓ કમળાપુરના સરપંચ હતા. આમ ઓળખતાની સાથે જ થોડું હસીને દામજીએ કહ્યુંઃ ‘‘આવો, આવો, મનસુખભાઈ… અંદર આવો…’’
‘‘અત્યારે મારે અંદર નથી આવવું… મોડું થશે…’’ મનસુખભાઈ બોલ્યા.
‘‘અરે… એમ કંઈ થોડું ચાલે… કેટલા સમયે તમે આવ્યા, ને આમ…’’ દામલભાઈએ આગ્રહ કર્યો. પરંતુ મનસુખભાઈ તરત જ બોલ્યાઃ
‘‘દામલભાઈ તમે મારી વાત સાંભળોઃ હું તમને અને મારા બહેનને કમળાપુર લઈ જવા માટે જ આવ્યો છું. ઉતાવળ એટલે છે કે તમારા બા સમજુબાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આપણે વહેલાસર કમળાપુર પહોંચવું જરૂરી છે. એક કામ કરો, તમે બે-પાંચ મિનિટમાં તૈયાર થઈને ઝડપથી બહાર નીકળો એટલે આપણે નીકળીએ…’’
‘‘બાની તબિયત ખૂબ જ ખરાબ છે…’’ બસ આ વાક્ય, આ શબ્દો સાંભળતાંની સાથે તો દામજીના હાથ-પગ પાણી પાણી થઈ ગયા. એનું હૈયું જાણે ભાંગી ગયું હતું. તેને અત્યારે જ બધું જ બધું ચક્કર વક્કર ફરવા લાગ્યું. તેને કંઈ પણ આગળ-પાછળ ન દેખાતા તે ડેલા પાસે જે એમને એમ ધારે કરતા બેસી ગયો. આવી દામજીની સ્થિતિ પારખી જઈ શાંતુ તરત જ તેની પાસે આવી, દામલભાઈનો હાથ પકડતાં બોલીઃ
‘‘તમે પુરુષ થઈને આમ આટલા બધા ગભરાવ છો શું કામ? સરપંચ સાહેબ તો આપણને ઉતાવળે તેડવા માટે આવ્યા છે. બાની તબિયત ખૂબ ખરાબ છે તેની આટલી બધી ચિંતા શું કામ કરો છો? જે થવાનું હશે તે તો થઈને જ રહેશે. થોડા કઠણ થઈ જાવ, હિંમત રાખો. જો બાની તબિયત વધારે ખરાબ હશે અને એવું લાગશે તો આપણે તેને શહેરની સારી એવી હોસ્પિટલમાં લઈ જઈશું. એમાં શું…? પરંતુ જો તું જ આમ… આવી રીતે સાવ ઢીલો પડી જા તો પછી હું એકલી શું કરીશ…?’’
શાંતુની વાત આમ તો સાવ સાચી હતી. જે પત્નીના આવા શબ્દોથી દામજી તેની આંખો લૂછી ને થોડો સ્વસ્થ થયો. ધીરેથી ઊભો થયો. પછી શાંતુ સામે જોઈ બોલ્યોઃ મહેશને ઉઠાડીને કહી દઈએ…, પછી આપણે બંને નીકળીએ.
આવું સાંભળી શાંતુ ઝડપથી ડેલા અંદર ગઈ અને સીધી જ મહેશના રૂમ પાસે પહોંચી ગઈ. રૂમનો દરવાજો જોરથી ખખડાવ્યો. એટલે ઝબકી થઈ, આંખો ચોળતાં ચોળતાં મહેશે રૂમનું બારણું ખોલ્યું. બારણું ખુલતાં જ શાંતુ ભાભીને સામે ઊભેલાં જોયાં. તેને જોઈને મહેશને ખૂબ જ આશ્ચર્ય થયું. એટલે તો તે તરત જ બોલ્યોઃ ‘‘અરે ભાભી…, તમે આટલાં વહેલાં…?’’
‘‘પહેલાં તું સાંભળઃ કમળાપુરથી ગાડી લઈને સરપંચ મને ને દામલભાઈને લેવા માટે ડેલા બહાર ઊભા છે. ગામડે બા…ની તબિયત ખૂબ વધારે ખરાબ થઈ ગઈ છે. અમે નીકળીએ છીએ એટલે હવે ઘરનું ધ્યાન તારે રાખવાનું છે. બરાબર…’’ આટલું બોલી શાંતુ આવી હતી તેમ ઝડપથી પાછી દરવાજા તરફ ચાલી.
શાંતુ ભાભીનું આવું કહેવું સાંભળી નાઈટ ડ્રેસમાં જ મહેશ પણ તેમની પાછળ ઉઘાડા પગે ચાલ્યો આવ્યો. જોયું તો ડેલા બહાર ગાડી ઊભી હતી, દામલભાઈ સર તો સુનમૂન એક બાજુ ઊભા હતા, એટલે ત્યાં આગળ તેમની પાસે જઈને મહેશે કહ્યુંઃ ‘‘સર…, તમે અહીંની જરાપણ ચિંતા કર્યા વગર બા પાસે પહોંચો. બા…ને કંઈ નહીં થાય. ઘરની ચિંતા જરાપણ કરવાની નથી. હું છું ને…!’’
(ક્રમશઃ)










































