લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામે પ્રેમ પ્રકરણના મામલે ભારે ધીંગાણું સર્જાયું હતું. યુવક-યુવતી લગ્ન કરવા માટે ભાગી જતાં તેના ખારમાં યુવતીના પક્ષના લોકોએ એકસંપ થઈ યુવકના પરિવારના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લોખંડના પાઇપ, લાકડાના ધોકા વડે પ્રાણઘાતક હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. બનાવ અંગે સામ સામી ફરિયાદ નોંધાઈ હતી. મહેશભાઇ શંભુભાઇ સોલંકી (ઉં.વ.૨૭)એ દપાભાઈ રમેશભાઈ ચૌહાણ, નિલેષભાઈ કાળુભાઈ ચૌહાણ, મિલનભાઈ કાળુભાઈ ચૌહાણ, રોનકભાઈ નાનજીભાઈ ચૌહાણ તથા રસીકભાઈ નાનજીભાઈ ચૌહાણ સહિત ૧૬ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના મોટા બાપુજીનો દિકરા ગોપાલને જાનબાઇ દેરડી ગામના મુન્નાભાઇ રમેશભાઇ ચૌહાણની દિકરી દર્શના સાથે પ્રેમ સબંધ હતો. જેથી તેને લગ્ન કરવા માટે ભગાડીને લઇ ગયો હતો. જે અંગેનો ખાર રાખી તમામ આરોપીઓએ એકસંપ કરી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા જેવા હથિયારો ધારણ કરી તેમના તેમજ સાહેદોના ઘરે ગેરકાયદેસર ગૃહ અપ પ્રવેશ કરી જેમ ફાવે તેમ ગાળો આપી તેમને તથા સાહેદો ઉપર હુમલો કર્યો હતો. લોખંડના પાઇપ તેમજ લાકડાના ધોકાઓ વડે તેમને તથા સાહેદોને આડેધડ માર માર્યો હતો. ઉપરાંત તેમના ઘર ઉપર પથ્થર મારો કર્યો હતો. તેમજ તેમને તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ દિલપેશભાઇ ઉર્ફ દપાભાઇ રમેશભાઇ ચૌહાણ (ઉ.વ.૨૮)એ વાલજીભાઇ મેરામભાઇ સોલંકી, અજયભાઇ વાલજીભાઇ સોલંકી, મહેશભાઇ શંભુભાઇ સોલંકી, નિલેશભાઇ જગદીશભાઇ સોલંકી તથા લાલભાઇ ઉર્ફે ભાણો શાંતીભાઇ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મોટાભાઇ મુકેશભાઇની દીકરી દર્શનાબેન વાલજીભાઈ મેરામભાઈ સોલંકીના દિકરા ગોપાલભાઇ સાથે તેઓના ઘરેથી કોઇને કહ્યા વગર જતી રહી હતી. જેથી તેમને તથા અન્ય સાહેદો વાલજીભાઈ સોલંકીના ઘરે તેઓની દીકરી પાછી આપી દેવા બાબતે સમજાવવા માટે ગયા હતા. તે દરમિયાન પાંચેય આરોપીઓએ એક સંપ કરી તેમન તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી છુટ્ટા પથ્થર તથા ઇંટોના ઘા મારી પથ્થર મારો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી