ચિન્ટુને ચિત્રો દોરવાં અને રંગ પૂરવા ખૂબ ગમતાં હતાં. જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક ચીતરતો હોય. તેના દફતરમાં એક પીળી પેન્સિલ અને એક ગુલાબી રબર હતાં.
પેન્સિલનું નામ હતું પિંકું અને રબરનું નામ હતું ગોલુ.
એક દિવસ સવાર સવારમાં ચિન્ટુ ચિત્ર દોરવા બેઠો. ચિન્ટુએ પોતાનું દફતર ખોલ્યું. પિંકું પેન્સિલ તો ખુશીથી કૂદવા લાગી.
“હુર્રે! આજે તો હું સરસ મજાનું ચિત્ર દોરીશ!” પિંકું બોલી.
ગોલુ રબર પણ હસીને બોલ્યું, “અને ક્યાંક ભૂલ થશે તો હું તેને સુધારી આપીશ!”
પિંકુંએ ગર્વથી છાતી ફૂલાવી અને બોલી, “અરે ગોલુ! તું શું સુધારીશ? ચિત્ર તો હું દોરું છું! તારા વગર કાંઈ મારું ચિત્ર અધૂરું થોડું રહેવાનું છે! ચાલ, ભાગ અહીંથીપ!”
ગોલુને આ વાત સાંભળીને દુઃખ થયું. “ઓહો! તું તો બહુ મોટી કલાકાર બની ગઈ છે કે શું! મારા વગર તું સુંદર ચિત્ર દોરીશ, એમ ને?” ગોલુએ મજાકમાં કહ્યું.
પિંકું ગુસ્સે થઈ ગઈ. “હા, હા! હું જ દોરીશ. તું તો બસ જ્યારે જુઓ ત્યારે બધું ભૂંસ ભૂંસ કરે છે! ને મારી મહેનત પર પાણી ફેરવે છે!”
ગોલુ પણ એમ શાંત બેસે એમ નહોતો. તેણે તરત સામે જવાબ આપ્યો, “અને તુંય ભૂલો પર ભૂલો કરે જ છે ને!”
બંને વચ્ચે બરાબર ઝઘડો શરૂ થઈ ગયો.
“હું સારી!”
“ના, હું સારો!”
“હું દોરું!”
“હું ભૂંસું!”
આખરે બંનેએ નક્કી કર્યું કે હવે એકબીજા સાથે વાત જ નહીં કરે.
પિંકુંએ ચિન્ટુના ચિત્રમાં એક મોટો સૂરજ દોર્યો. પછી ઝાડ દોર્યું, ફૂલ દોર્યાં અને એક સુંદર ઘર પણ દોર્યું.
પણ અરે રે! ઘરની છત દોરતી વખતે પિંકુંનો હાથ લપસી ગયો. છતને બદલે એક લાંબી વાંકીચૂકી લીટી દોરાઈ ગઈ!
ચિન્ટુ બોલ્યો, “અરે બાપ રે! આ શું થઈ ગયું?”
તે ગોલુ રબરને શોધવા લાગ્યો. પણ ગોલુ તો ગુસ્સે થઈને કંપાસબોક્સના એક ખૂણામાં મોઢું ફેરવીને બેઠો હતો.
“ગોલુ, જરા મદદ કરને!” ચિન્ટુએ વિનંતી કરી.
ગોલુ બોલ્યો, “ના ભાઈ! પિંકું કહે છે ને કે એને મારી જરૂર નથી!”
પિંકુંને પોતાની ભૂલ સમજાઈ. તેણે ધીમેથી કહ્યું, “ગોલુ, મને માફ કર. તું મારી સાથે કામ કરીશ તો જ મારું ચિત્ર સુંદર બનશે.”
ગોલુ હસી પડ્યો. “અને તું પણ મને માફ કરજે. ચાલ, હવે આપણે સાથે મળીને કામ કરીએ!”
ગોલુએ વાંકીચૂકી લીટી ભૂંસી નાખી. પિંકુંએ ફરીથી સુંદર છત દોરી. પછી બંનેએ સાથે મળીને આખું ચિત્ર પૂરું કર્યું.
ચિત્રમાં રંગબેરંગી ફૂલો, લીલાંછમ ઝાડ, વાદળી આકાશ અને હસતો સૂરજ હતો.
ચિન્ટુ ચિત્ર જોઈને ખુશ થઈ ગયો. તેણે પેન્સિલ અને રબરને પ્રેમથી કંપાસબોક્સમાં મૂકી દીધાં.
ગોલુએ હસીને પિંકુંને કહ્યું, “હવે આપણે ઝઘડો નહીં કરીએ, પણ સાથે મળીને કામ કરીશું!”
પિંકુંએ કહ્યું, “હા હવે આપણે સૂઈ જઈએ! નહીં તો વહેલી સવારે ચિન્ટુ આપણને શોધતો આવશે ને જગાડશે!”
બંને ખડખડાટ હસી પડ્યાં.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭








































