જગત જનની મા અંબાની આરાધના અને શુભ સંકલ્પો દ્વારા આત્મશુદ્ધિકરણ કરવાનો પર્વ એટલે નવરાત્રી.વિવિધ નવ સ્વરૂપમાં મા અંબા સમાજને જીવન જીવવાની કલા સૂચવે છે. સમાજની અંદર રહેલા અનિષ્ટો અને દુષણો સામે સકારાત્મક રીતે પ્રતિકાર કરવાની પ્રચંડ શક્તિ મા અંબા પ્રદાન કરે છે. શક્તિપીઠ અંબાજીમાં મા અંબા બિરાજે છે. ગબ્બરના ગોખમાંથી સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે તેની શક્તિ જ આ વિશ્વનો પ્રાણ છે. મા અંબા છે તો જ સમગ્ર સૃષ્ટિ છે.મા અંબા શક્તિ અને ભક્તિ પ્રદાન કરે છે.
નવરાત્રીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અનન્ય છે.નવરાત્રીએ હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે, જે વર્ષમાં મુખ્યત્વે બે વખત (ચૈત્ર અને આસો માસમાં) ઉજવવામાં આવે છે.આસો માસની શુદ એકમથી નોમ સુધીના નવ દિવસોને ‘શરદીય નવરાત્રી’ કહેવામાં આવે છે.શક્તિની ઉપાસના આ નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા-આરાધના કરવામાં આવે છે. ‘નવરાત્રી’ એટલે કે નવ રાત્રિઓનો સમૂહ, જે નવ દિવસ અને નવ રાત્રી સુધી ચાલે છે.નવ સ્વરૂપમાં માં અંબાના દર્શન થાય છે.
અધર્મ પર ધર્મનો વિજય નવરાત્રીએ અસત્ય પર સત્ય અને અન્યાય પર ન્યાયના વિજયનું પ્રતીક છે.આ નવ દિવસોમાં માતાજીએ મહિષાસુર જેવા શક્તિશાળી રાક્ષસનો વધ કરી દેવતાઓ અને લોકને મુક્ત કરાવ્યા હતા.આધ્યાત્મિક શુદ્ધિ અને ઉર્જા પ્રાપ્ત થાય છે.આ તહેવાર કે ઉત્સવ નથી, પરંતુ આંતરિક શુદ્ધિ, ઉપવાસ, સંયમ અને સાધનાનો સમય છે.આ દિવસોમાં દેવીની આરાધના કરવાથી મનમાં સકારાત્મક ઉર્જા અને દૈવી ગુણોનો સંચાર થાય છે.આંતરિક બળ અને માતાજીના સાનિધ્યમાં ભક્તિ વ્યક્ત કરવાની ઉષ્મા પ્રાપ્ત થાય છે.
આપણા ગુજરાત રાજ્યમાં સાંસ્કૃતિક અને સામાજિક રીતે નવરાત્રીનું બહુ મહત્વ છે.રાત્રે ગરબા અને રાસની રમઝટ સાથે સમગ્ર સમાજ એકત્ર થઈને ભક્તિભાવપૂર્વક આનંદોત્સવ ઉજવે છે,જે આપણી સમૃધ્ધ સંસ્કૃતિની ઓળખ છે.શેરી ગરબા અને રાસ ધીમે ધીમે પાર્ટી પ્લોટમાં ભૌતિકવાદ તરફ પગરવ થઈ રહ્યો છે.નવરાત્રી એટલે માત્ર કૂદવું અને ધર્મના નામે આડંબર કરવા તેમજ વ્યભિચાર કરો ત્યારે પતનનો પ્રકોપ જરૂર થાય છે. સોસાયટી, ચાલી, ગામના ચોકમાં સામૂહિક માતાજીની આરાધના થવી જોઈએ તેની જગ્યાએ આજે બાહ્ય દેખાવ થઈ રહ્યો છે. માતા પિતાએ પણ પોતાના પુખ્ત દીકરા દીકરીઓના સાથે રહી અથવા નિયંત્રણમાં રાખી નવરાત્રીનો આનંદ લેવો જોઈએ.
નવરાત્રિના નવ દિવસોમાં દેવી દુર્ગાના અલગ-અલગ નવ સ્વરૂપોની પૂજા થાય છે, જે નીચે મુજબ છે.મા શૈલપુત્રી (પ્રથમ દિવસ) પર્વતરાજ હિમાલયના પુત્રી હોવાથી તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. તેમના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળનું ફૂલ શોભે છે. તેઓ નંદી (વૃષભ) પર સવાર છે.મા બ્રહ્મચારિણી (દ્વિતીય દિવસ) ‘બ્રહ્મ’ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનારી. આ સ્વરૂપ તપ, સંયમ, અને વૈરાગ્યનું પ્રતીક છે. તેમના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડળ છે. મા ચંદ્રઘંટા (તૃતીય દિવસ) માતાજીના મસ્તક પર અર્ધચંદ્રાકાર ઘંટા જેવો આકાર છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવાય છે. તેમનું આ સ્વરૂપ પરમ શાંતિ અને કલ્યાણકારી છે, જે ભક્તોના તમામ દુઃખોનો નાશ કરે છે.મા કૂષ્માડા (ચતુર્થ દિવસ) જેમણે પોતાની ‘મંદ હાસ્ય’થી આ સમગ્ર બ્રહ્માંડ (સૃષ્ટિ) ની રચના કરી છે, તેઓ કૂષ્માડા કહેવાય છે. તેઓ સૂર્યમંડળની ભીતર લોક સ્થાપવાની ક્ષમતા ધરાવે છે. મા સ્કંદમાતા (પાંચમો દિવસ) ભગવાન કાર્તિકેય (જેમને સ્કંદ પણ કહેવાય છે) ના માતા હોવાથી તેમને સ્કંદમાતા કહે છે. તેઓ ભગવાન કાર્તિકેયને પોતાની ગોદમાં બેસાડેલા સ્વરૂપમાં દર્શન દે છે અને ભક્તોને મુક્તિ અને મોક્ષ પ્રદાન કરે છે.મા કાત્યાયની (ષષ્ઠી દિવસ) મહર્ષિ કાત્યાયન દ્વારા કઠોર તપસ્યા કરવાથી માતાજીએ તેમના પુત્રી તરીકે અવતાર લીધો હતો. આ સ્વરૂપ અત્યંત તેજસ્વી અને ભક્તોને અભયદાન આપનારું છે.મા કાલરાત્રી (સપ્તમી દિવસ) દેવી દુર્ગાનું આ સૌથી ભયંકર અને શક્તિશાળી સ્વરૂપ છે, જે અસુરોનો નાશ કરવા માટે પ્રગટ થયા હતા. તેમનો રંગ કાળો અને વાળ છૂટા હોય છે. તેઓ દુષ્ટોનો સંહાર અને ભક્તોને શુભ ફળ (શુભંકરી) આપે છે.મા મહાગૌરી (અષ્ટમી દિવસ) તેમનો વર્ણ અત્યંત ગૌર (શ્વેત/સફેદ) છે. ભગવાન શિવને મેળવવા માટે કરેલી કઠોર તપસ્યાને કારણે તેમનું શરીર શ્યામ પડી ગયું હતું, જેને શિવજીએ ગંગાજીના પ્રવાહથી ફરી ગૌર બનાવ્યું હતું. તેઓ શાંતિ અને શુદ્ધિનું પ્રતીક છે.મા સિદ્ધિદાત્રી (નૌમી દિવસ) આ તમામ પ્રકારની સિદ્ધિઓ આપનાર દેવી છે. દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તી થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં શ્રધ્ધા, ભક્તિ અને પવિત્રતા સાથે માતાજીની ઉપાસના કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને
સમૃદ્ધિની પ્રાપ્તી થાય છે.નવ સ્વરૂપના દર્શન આપણને આધ્યાત્મિકતાની સાથે સાચા મનુષ્ય બનવાની પ્રેરણા પ્રાપ્ત
થાય છે. જન સેવા એ જ પ્રભુ સેવાના શ્રધ્ધામાર્ગે સમીપ જવાની આંતરિક શક્તિ પ્રાપ્ત થાય છે.લાખો ભક્તોના હૃદયમાં મા વસે છે. તેની શક્તિથી જ સમગ્ર વિશ્વ ધબકે છે.લાખો લોકો પગપાળા ચાલીને દર્શનાર્થે જાય છે.માં અંબામાં અતૂટ વિશ્વાસ છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી મા અંબા તારા પગમાં શીશ મૂકી વંદન કરું છું..તુજ છે તો બધું જ છે. મા તારા આશીર્વાદથી આ બધું મળ્યું છે.માત્ર નવ દિવસ ઉપવાસ કે તપ કરવાથી માતાજી મળતા નથી એ તો નિરંતર આપણા હૃદય સાથે તેનો ધબકારો સતત ધબકતો રહે છે. જય અંબે.. જય અંબે.. જય અંબે ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨








































