ધોરાજી નગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા રોડ-રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે ધોરાજી વકીલ મંડળ દ્વારા મુખ્યમંત્રી સહિત સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવાયું છે. આવેદનમાં સ્ટેશન રોડ, રાયાનો ચોક, ખરાવાડ પ્લોટ સહિતના વિસ્તારોમાં ચાલી રહેલા સી.સી. રોડના કામમાં જૂની અને મજબૂત મેટલ ઉખેડી કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમ વિરુધ્ધ વેચી નાખાતી હોવાનો આક્ષેપ કરાયો છે. વકીલ મંડળે જૂની મેટલને યોગ્ય રીતે દબાવી તેના ઉપર રોડ બનાવવાની માંગ કરી છે. સાથે રોડ કામની દેખરેખ અને ગુણવત્તાની ચકાસણી કરવા નગરપાલિકાને રજૂઆત કરી છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જવાબદારો વિરુધ્ધ કોર્ટમાં ફરિયાદ-દાવા કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.