અમદાવાદ શહેરમાં ચોમાસાની વિદાય બાદ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. આજે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હોવાથી નાગરિકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
શહેરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની આગાહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પણ તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. ગઈ કાલે રાજકોટ ૩૯.૬ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં ૩૮.૮ અને ડીસામાં ૩૮.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહ્યું હતું. સૌરાષ્ટÙમાં મહત્તમ તાપમાન સામાન્યની આસપાસ, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં સામાન્ય કરતાં ઊંચું નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ ગરમીનો આ માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.





































