શહેરના વરાછા વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના લાંબા સમયથી ચાલી રહેલા ઘરકંકાસનો કરુણ અંજામ આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અહીં એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવી ઘરમાં જ હત્યા કરી હોવાનો આરોપ છે. આ બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં પોલીસે આરોપી પતિ સંજય પટેલની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વરાછા વિસ્તારમાં રહેતા સંજય પટેલ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જાકે, છેલ્લા ઘણા વર્ષોથી સંજય પટેલ અને તેમની પત્ની વચ્ચે કોઈ ને કોઈ બાબતે ઝઘડા થતા હોવાની વિગતો સામે આવી છે. લાંબા સમયથી ચાલતા ઘરેલુ વિવાદને કારણે પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહેતું હોવાનું જાણવા મળ્યું છે.
આ દરમિયાન પતિ-પત્ની વચ્ચેના વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપ છે કે, સંજય પટેલે ઉશ્કેરાઈને પોતાની પત્નીનું ગળું દબાવી ઘરમાં જ તેની હત્યા કરી નાખી હતી. ઘરની ચાર દીવાલો વચ્ચે બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
આ સમગ્ર ઘટનામાં પરિવારના પુત્રને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. પુત્રની જાણના આધારે પોલીસ હરકતમાં આવી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવતાં પતિ સંજય પટેલની ભૂમિકા સામે આવી હોવાનું જાણવા મળે છે. પોલીસની તપાસ દરમિયાન આરોપી સંજય પટેલ ભાંગી પડ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાકે, હત્યા પાછળના ચોક્કસ સંજાગો, ઘટનાક્રમ અને અન્ય પાસાં અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક વિગતો મુજબ, સંજય પટેલ અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ઘરેલુ બાબતોને લઈને ઝઘડા ચાલતા હતા. આ સતત ચાલતા વિવાદથી કંટાળીને પતિએ પત્નીની હત્યા કરી હોવાનો આરોપ છે. જાકે, વિવાદનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનાના દિવસે કયા સંજાગોમાં બનાવ બન્યો હતો તે અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે. ઘરેલુ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે, જ્યારે તેના પતિ સામે હત્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. પરિવારના સભ્યો માટે આ ઘટના આઘાતજનક બની છે.




































