“અરે વાહ! આટલો મોટો લાડુ! આજે તો લાડુ ખાવાની મજા પડી જશે!” કીટ્ટુ ખુશ થઈને બોલી. ગોળમટોળ લાડુ જોઈને કીટ્ટુના મોઢામાં પાણી આવી ગયું.
એક દિવસ સવારે કીટ્ટુ ફરવા નીકળી હતી. ચાલતાં ચાલતાં તેને રસ્તામાં એક મોટો, ગોળમટોળ લાડુ દેખાયો. કીટ્ટુ કીડી બહુ જ મસ્તીખોર હતી. તેને રમવું, કૂદવું અને બધાંને હસાવવાં બહુ જ ગમતું.
ગોળમટોળ લાડુ જોઈને તેને મસ્તી સૂઝી. કીટ્ટુએ લાડુને ધક્કો માર્યો. પણ લાડુ જરાય હલ્યો જ નહીં! તેણે ફરી ધક્કો લગાવ્યો. પણ આ તો ગોળમટોળ લાડુ! એમ કાંઈ હલે ખરો! ન હલ્યો તે ન જ હલ્યો!
કીટ્ટુ બોલી, “અરે લાડુભાઈ! તમે આટલા ભારેભારે કેમ થઈ ગયા છો? લાગે છે તમે ઘી બહુ પી ગયા છો!”
પછી કીટ્ટુ લાડુ પર ચઢવા લાગી. થોડીક ઉપર ચઢી, ત્યાં જપ ધબ્બ! કીટ્ટુ નીચે પડી ગઈ. તે ફરી ચઢી… ફરી પડી! ચડતી જાય, પડતી જાય!
ત્રીજી વાર ચઢતાં કીટ્ટુ બોલી, “આ વખતે તો હું લાડુ પર ચઢીને જ રહીશ. લાડુભાઈ, તૈયાર થઈ જાઓ! હું તમને હરાવીને જ ઝંપીશ!”
પણ લાડુ પર ચઢવું એમ સહેલું હતું ખરું! કીટ્ટુ ચઢવા જાય ને લાડુ ગોળગોળ ફરતો જાય! – ગબડ… ગબડ… ગબડ!
કીટ્ટુ પણ લાડુની સાથે ગોળગોળ ફરવા લાગી. – “અરે બાપ રે! આ તો લાડુ છે કે ચકડોળ? મને નીચે ઉતારો!” કીટ્ટુ બૂમો પાડવા લાગી. થોડી વારમાં લાડુ અટકી ગયો. કીટ્ટુ પણ અટકી ગઈ. પણ ગોળગોળ ફરીફરીને તેનું માથું ચકરાઈ ગયું હતું.
તે બોલી, “અરે! હુંય ગાંડી છું! હું તો ભૂલી જ ગઈ કે આ લાડુને તો ખાવાનો છે, એની સાથે ગોળગોળ ફરવાનું નથી!”
કીટ્ટુએ લાડુનો નાનકડો ટુકડો તોડવાનો પ્રયત્ન કર્યો. – કચકચ! પણ લાડુ તૂટ્યો જ નહીં.
કીટ્ટુ બોલી, “ઓહો! આ તો લાડુ છે કે પથ્થર!” પછી તેણે એક નાનકડો પથ્થર લીધો અને લાડુ પર માર્યો. – ટક!
આખરે લાડુ તૂટ્યો. કીટ્ટુ ખુશ થઈને બોલી, “વાહ! હવે મજા પડશે! હવે લાડુની મિજબાની થશે!”
તેણે લાડુનો એક ટુકડો ખાધો. પછી બીજો ટુકડો ખાધો. પછી ત્રીજો ટુકડો ખાધો. ખાતાં ખાતાં તેનું પેટ ભરાઈ ગયું.
કીટ્ટુ પેટ પકડીને બોલી, “અરે રે! લાડુ તો હજી બાકી છે અને મારું પેટ તો ભરાઈ ગયું!”
એટલામાં જોરથી પવન ફૂંકાયો. – ફૂઉઉઉં!
લાડુ ગબડવા લાગ્યો. કીટ્ટુ લાડુની પાછળ દોડી. – “ઊભા રહો લાડુભાઈ! મને પણ સાથે લઈ જાઓ!”
લાડુ ગબડતો ગબડતો એક નાનકડા ખાડામાં જઈને અટકી ગયો.
કીટ્ટુ પણ દોડતાં દોડતાં ખાડામાં પહોંચી. તેણે લાડુને ધક્કો માર્યો, પણ લાડુ બહાર આવ્યો નહીં.
કીટ્ટુ બોલી, “હાય રે! હવે લાડુને બહાર કાઢું કે ઘરે જાઉં?” થોડી વાર વિચાર્યા પછી તેણે પોતાનાં કીડીમિત્રોને બોલાવ્યાં.
બધી કીડીઓ આવી ગઈ. બધાંએ ભેગાં મળીને ધક્કો માર્યો. – “એક… બે… ત્રણ… હઈસાપ હઈસા…!” થોડીવારમાં લાડુ ખાડામાંથી બહાર આવી ગયો.
બધી કીડીઓ ખુશ થઈ ગઈ. બધાંએ ભેગાં મળીને પેટ ભરીને લાડુ ખાધો.
Mo ૯૦૯૯૧૭૨૧૭૭





































