જ્યારથી બકાએ ટી.વી.મા હમાચાર હાંભળ્યાં , ‘એ.આઈ.એ હાહાકાર મચાવ્યો છે. એ.આઈ સો કરોડ લોકોને ભરખી જનાર છે. વિગેરે..વિગેરે..’ ત્યાંરથી એની ઊંઘ ઉડી ગઈ છે. એ વારંવાર જાણવાની કોશિશ કરે છે કે, ‘આ એ.આઈ. છે શું??
કોઈ નવો રોગ છે? કોઈ નવું જાનવર છે? કોઈ વિદેશી માણસ છે? જંગલી પ્રાણી છે? કે પછી, આકાશમાંથી ઓલ્યુ એલીયન આવે ઈ છે!??’
હતું એટલું હંધૂય મગજ કામે લગાડ્યું પણ જવાબ નો મળ્યો એટલે નો જ મળ્યો.
હવાર હવારમાં હજી નાયો નો નાયો બાજુવાળાનું છાપું હાથમાં લીધું.
ત્યાં નજરે હમાચાર ચડ્યાં.
‘એ.આઈ.ને પાર્ટનર બનાવીને દક્ષિણ કોરિયામાં અનોખો ડેટિંગ શો શરૂ થયો.’
આ શોમાં રમનારને પોતાની હગી ઘરવાળી કરતાં ‘ય આ પાર્ટનર વધારે નજીક અને રોમાંચકારી લાગે.
બકો રાતનો રઘવાયો -રઘવાયો હતો. એમાં આ હમાચારે વધારે રઘવાયો કર્યો. અને હુહવાટ ભર્યો ઉપડ્યો બનેવીલાલ પાંહે.
બનેવીલાલ અને અભણ અમથાલાલ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ખુરશી જશે કે ઉની આંચ પણ નહીં આવે. એની ગહન ચર્ચા કરી રહ્યા હતાં.
બકાએ આવતાં વેંત જ પોતાનો ઉભરો ઠાલવ્યો.
‘બનેવીલાલ! આ એ.આઈ. વળી કંઈ બલા છે? એ પુરુષ છે કે સ્ત્રી છે? કે પછી કોઈ જાનવર છે??’
‘કેમ? તારે અને એ.આઈ.ને શું લાગે વળગે? તારે તંણ ટાઈમ રોટલા ટીપીને ખાવાં હોય. એમાં આ એ.આઈ. વચ્ચે
આભાર – નિહારીકા રવિયા ક્યાં આવ્યું?’
‘મારે એની હારે કાંઈ કરતાં કાંઈ લાગતું વળગતું નથી. પણ, આ ટી.વી. વાળાએ ઉપાડો લીધો છે, એ. આઈ. સો કરોડ લોકોને ભરખી જાહે. એટલે બીક તો ભુંડી છે. ક્યાંક આપણો નંબર…
પણ.., એ તો કહો.. આ છે કંઈ બલા!??’
‘આ બલા એવી છે..એ.. ,પકડ ગલાં જેવી છે. હારાં હારાંને ઝપેટમાં લઈ લે છે. અને એમાં એનો વાંકેય નથી. માણસે પગ ઉપર કુહાડો નથી માર્યો.. કુહાડા ઉપર પગ માર્યો છે. મતલબ મૂક્યો છે. હવે કુહાડો તો એનું કામ કરશે જ.’
‘હા પણ..! આ છે શું? ઈ તો જરાં મને હમજાવો.’ ‘ક્યાંક હામું મળે તો રસ્તો તરી જવાય.’
‘ઈ ,નો કરવાનાં હંધાય કામ કરે છે. (ઓલી માથાં ભારે બૈરી ધણી ઉપરવટ જઈને કામ કરે એમ)થઈ થાવાના કામેય ઈ કરે છે. અને ચપટી વગાડતાં જ કરે છે. તું વધારે ટાઇમ મોબાઈલ મચકોડે છે? ’ ‘હાં…આ…આ…!!’
‘તો તું બચી હકવાનો નથી. આજે નહીં તો કાલે ઈ તારું ગળું પકડી જ લેશે. એની નજર ચોવીસ કલાક તારાં ઉપર જ હોય છે.’
‘અરે પણ.., એ મને હું કામ જોવે છે? હું ક્યાં રૂડો રૂપાળો કાન કુંવારો છું??’
‘તારી ઉપર એટલે? તારાં ખીસ્સા ઉપર એની નજર છે. તું કેટલો ડેટા વાપરે છે? એની ઉપર એની નજર છે.’
‘આ તમે બનેવીલાલ નવું લાયા..!!’
‘અમથાલાલ! આને ઓલ્યા ચીનની વાત કરો તો!!’
બનેવીલાલે દડો અમથાલાલની કોર્ટમાં ઘા કર્યો.
‘હાંભળો.. હાંભળો..લોકો કહે છે ને કે, પ્રેમ આંધળો હોય છે. તો અહીં આંધળો તો શું.. બુધ્ધી વગરનો ‘ય હોય છે. ’
‘એક નવી એપ આવી છે.’ Claude AI ‘ડેટિંગ એપ ચીનની એન્થોપિક કંપની.’
‘કહેવાય છે કે, આ એપ દ્વારા પચ્ચીસ હજાર લોકો (આંધળાઓ) માત્ર પંદર જ દિવસમાં AI યુવતીનાં પ્રેમમાં પડ્યાં. એનાં નામ હતાં..ડોરા,ડોન,રોમી,લૂમાં,જોવિયા,કિરા,હેવન,
જાલો,લોપિયા વિગેરે.. વિગેરે.’
‘નો હમજાણું..!! આટલાં બધાં નામ ? એની ફઈ જોરદાર લાગે છે.!!’
‘ફઈ બઈ મારી ફરે. ન્યા ફઈને આવો ક્યાં ટાઈમ જ છે. ફઈ તો કેટ- કેટલાં ‘ય ફુવા હારે રખડતી હશે.આ તો કમાલ હતો છૈં નો.’
‘વળી પાછું છૈં ? આ વળી કઈ બલા છે? તેં..એ..વારે ઘડીએ ગલાં પકડે છે.’
‘હા..આ..! એણે જ તો આ હંધાય ને ધંધે લગાડ્યાં તા. એક જ સ્ટુડિયોમાં આ હંધૂય હાલતું તું. ૪૭૦૦ થી વધારે પ્રોફાઈલ બનાવી. પંદર જ દિવસમાં પચ્ચીસ હજાર લોકોએ આને ‘ડેટિંગ પાર્ટનર’ બનાવી. કોઈએ ડોરાને તો કોઈએ રોમીને, જોત- જોતામાં ચોવીસ લાખ મેસેજનો ખડકલો કરી દીધો. અને હંધાય એની વાંહે પડી ગ્યા. જાણે જગ જીતી ગ્યા.’
‘તો..તો.. હેં અમથાલાલ ! ઓલી ગોરી ગોરી મેડમો ડોરા અને કિરા ઈ હંધીય આનો જવાબ આપી આપીને લોથ પોથ થઈ ગઈ હશે નઈ..!!
અને.. આ ડોરા..હેવનને આમાં મળે હું.. !?’
‘તમે હજી નો હમજયાં !?’
‘નાં..આ..!!’
‘ન્યા ડોરા..હેવન કે રોમી, હતી જ નહીં. આ હંધીય કમાલ ઓલ્યા છૈં ની હતી. અને તમારે એની હારે વાત કે ચેટ કરવાં માટે કોઈન્સ ખરીદવા પડે.
અને આવાં કોઈન્સ ખરીદવા માટે પચ્ચીસ હજાર આંધળાઓએ પડાપડી કરી દીધી.’
‘તો..તો.. હેં અમથાલાલ! સરવાળે આ પચ્ચીસે પચ્ચીસ હજાર આંધળાઓ મોટાં ખાડામાં ખાબક્યા ને..!!?? (તમારી આજુબાજુ આવું કોઈ છે?)







































