લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે સોશિયલ મીડિયા પર મકાઈના વેચાણની આકર્ષક જાહેરાત મૂકી ખેડૂત/વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લઈ માલ ન મોકલી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વિપુલભાઇ જેઠાભાઇ ભંડેરી (ઉ.વ.૪૫)એ રાજુભાઇ ધુલીયા (મહારાષ્ટ્ર) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ ફેસબુક પર મકાઈની લે-વેચ માટેની એક જાહેરાત મૂકી હતી, જેમાં તેણે પોતાનો મોબાઈલ નંબર દર્શાવ્યો હતો. આ જાહેરાત જોઈને તેમણે તે નંબર પર સંપર્ક કર્યો હતો. વાતચીત દરમિયાન આરોપીએ મકાઈ રૂબરૂ જોવા માટે તેમને મહારાષ્ટ્રના ધૂલીયા ખાતે બોલાવ્યા હતા. જેથી ફરિયાદીએ તેમના પુત્ર અક્ષય તથા તેના બે મિત્રોને ધૂલીયા ખાતે માલની ખાતરી કરવા માટે મોકલ્યા હતા. જ્યાં મકાઈનો સ્ટોક જોયા બાદ માલ પસંદ આવતાં તેમની આરોપી પાસેથી કુલ ૩૦ ટન મકાઈ રૂ. ૫,૪૦,૦૦૦ ના ભાવે ખરીદવાનું નક્કી કર્યું હતું.સોદો પાકો થયા બાદ ખરીદેલી મકાઈ પેટે તેમણે બાના પેટે રોકડા રૂ. ૫,૦૦૦, આંગડિયા મારફતે રૂ. ૪,૩૯,૧૦૦ તેમજ જુદી જુદી વ્યક્તિઓના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર મારફતે રૂ. ૯૫,૦૦૦ મળી કુલ રૂ. ૫,૩૯,૧૦૦ ચૂકવી આપ્યા હતા. પૂરેપૂરી રકમ મેળવી લીધા બાદ આરોપીએ ખરીદેલી ૩૦ ટન મકાઈ સરકારી પીપળવા મોકલી નહોતી. તેમના દ્વારા અવારનવાર ફોન કરીને મકાઈની ઉઘરાણી કરવામાં આવતાં આરોપી માત્ર ખોટા વાયદાઓ કરીને સમય પસાર કરતો રહ્યો હતો. આખરે માલ કે લીધેલા નાણાં પરત ન આપી આરોપીએ તેમની સાથે ઠગાઈ કરી હોવાનો અહેસાસ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.





































