સાવરકુંડલા-અમરેલી રોડ પર આવેલા જૂના કરજાળા કાચા રોડ નજીક એક વાડીમાં ઝેરી દવા પી લેવાની કરૂણ ઘટના સામે આવી હતી. જેમાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર, સાવરકુંડલા-અમરેલી રોડ પર સ્થિત અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ ગેડિયાની વાડીએ રાનુબેન નામના મહિલા અને વિકેશભાઈ નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ‘મોનોકોટો’ નામની ઝેરી જંતુનાશક દવા પીધી હતી. ઝેરી દવાની અસર થતાં જ રાનુબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ ભોગ બનનાર વિકેશભાઈની તબિયત નાજુક જણાતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મહિલા અને યુવકે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.