અમદાવાદમાં દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરવા પહોંચેલી ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુરુવારે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શાહિબાગથી ઇન્દિરા બ્રિજ વિસ્તાર સુધી દારૂ ભરેલી ગાડીનો પીછો કરતી વખતે ગાડીમાં સવાર શખ્સોએ પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. જાકે, ફાયરિંગ છતાં આરોપીઓ ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.ગુજરાત પ્રવાસ ગાઈડ
પ્રાથમિક માહિતી મુજબ,શાહિબાગ વિસ્તારમાં આવેલા ખંડુભાઈ હોલ પાસે દારૂનો જથ્થો એક વાહનમાં ખસેડવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. આ દારૂનો જથ્થો બુટલેગર અનૂપ ઠાકોર ઉર્ફે મેકો રતનસિંહ ઠાકોર, જેને મેપો ઠાકોર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે મંગાવ્યો હોવાની આશંકા છે.બાતમીના આધારે એસએમસીની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દારૂ ભરેલી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, ગાડીમાં સવાર શખ્સોને પોલીસની હાજરીની જાણ થતાં તેઓ વાહન લઈને ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ એસએમસીની ટીમે શાહિબાગથી ઇન્દિરા બ્રિજ તરફ તેમનો પીછો શરૂ કર્યો હતો.પીછો કરતાં કરતાં એસએમસીની ટીમ ઇન્દિરા બ્રિજ નજીક સરસ્વતી પાર્ક સોસાયટીના વિસ્તારમાં પહોંચી હતી. અહીં પોલીસે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગાડીમાં સવાર શખ્સોએ પોલીસકર્મીઓ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. પરિસ્થિતિને પગલે એસએમસીના એક અધિકારીએ હવામાં એક રાઉન્ડ ગોળી ચલાવી હતી. ફાયરિંગ છતાં આરોપીઓ ગાડી લઈને ફરાર થવામાં સફળ રહ્યા હતા. ઇન્દિરા સર્કલ નજીક ફાયરિંગની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પોલીસકર્મીઓએ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
એસએમસીએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ફરાર શખ્સોને શોધવા અને દારૂનો જથ્થો કબજે કરવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. જાકે, ગાડીમાં કેટલો દારૂ હતો અને વાહન અંગેની અન્ય વિગતો તાત્કાલિક મળી શકી નહોતી. દારૂની હેરાફેરી રોકવા પહોંચેલી પોલીસની ટીમ સામે જ વાહન ચડાવવાના પ્રયાસના આરોપને પગલે હવે તપાસમાં આરોપીઓની ઓળખ, દારૂના જથ્થા અને ફરાર થવા માટે વપરાયેલા વાહન અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.









































