સરહદી કચ્છ જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્ર માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા યુવા મોરચા કચ્છ જિલ્લાના મંત્રી અને પક્ષના સમર્પિત યુવા કાર્યકર વ્રજેશ પાવાગઢીનું નિધન થતાં સમગ્ર જિલ્લામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ગાંધીધામ ખાતે રહેતા વ્રજેશભાઈ પક્ષ સંગઠનમાં લાંબા સમયથી સક્રિય રહીને યુવાનોને સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. તેમના અકાળે અવસાનના સમાચાર મળતાં જ સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને સ્નેહીજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પોતાના નિષ્ઠાવાન કાર્યકરોના સુખ-દુઃખમાં સદાય સહભાગી થવાની પોતાની આગવી પરંપરા જાળવી રાખતાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દુઃખદ ઘટનાની તાત્કાલિક નોંધ લીધી હતી. વડાપ્રધાને દિલ્હીથી સીધો વ્રજેશ પાવાગઢીના ગાંધીધામ સ્થિત શોકગ્રસ્ત પરિવારજનોનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો. પીએમ મોદીએ પિતા મહેશ પાવાગઢી સાથે અંગત રીતે વાતચીત કરી ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે દુઃખની આ આકરી ઘડીમાં સમગ્ર પક્ષ પરિવાર તેમની પડખે ઊભો છે અને ઈશ્વર પરિવારને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી સાંત્વના પાઠવી હતી. ગાંધીધામમાં રહેતા વ્રજેશ પાવાગઢી ભાજપ સંગઠનમાં એક ઊર્જાવાન અને સેવાભાવી ચહેરા તરીકે જાણીતા હતા. ભાજપ યુવા મોરચાના જિલ્લા મંત્રી તરીકે તેમણે સંગઠનાત્મક કાર્યક્રમો, જનજાગૃતિ અભિયાનો અને સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર યોગદાન આપ્યું હતું. સામાન્ય લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવાની તેમની સહજ શૈલીને કારણે તેઓ યુવાનોમાં પણ ખૂબ લોકપ્રિય હતા. પક્ષના દરેક નાના-મોટા આયોજનને સફળ બનાવવા માટે તેઓ હંમેશા મોખરે રહેતા હતા. વ્રજેશ પાવાગઢીના અણધાર્યા નિધનથી કચ્છ જિલ્લા ભાજપ સંગઠનને એક મજબૂત અને વફાદાર યુવા સાથી ગુમાવવો પડ્યો છે. પક્ષના પ્રદેશ અને જિલ્લા કક્ષાના વરિષ્ઠ પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો તેમજ સામાજિક અગ્રણીઓએ તેમના નિવાસસ્થાને પહોંચી પરિવારને સાંત્વના આપી હતી અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સોશિયલ મીડિયા પર પણ કચ્છ અને ગુજરાતભરના ભાજપ કાર્યકરો દ્વારા તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.







































