શહેરના શહેરકોટડા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી હૈદરાબાદ અને અમદાવાદની હોટલોમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી સગા બનેવીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. પોક્સો કેસનાં ખાસ જજ હીના નિહાર દેસાઈએ આરોપીને દોષિત ઠેરવી પીડિતાને ૪ લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ આપ્યો છે.કેસની હકીકત એવી છે કે, શહેરકોટડા વિસ્તારમાં રથયાત્રાના તહેવાર દરમિયાન આરોપી બનેવી પોતાની સગીર વયની સાળીને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી સાથે લઈ ગયો હતો. પુત્રી ગુમ થતાં તેની માતાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને સામે આવ્યું હતું કે આરોપી સગીરાને હૈદરાબાદના શાહપુર નગર સહિત અલગ-અલગ સ્થળોએ લઈ ગયો હતો.
આરોપીએ ત્યારબાદ સગીરાને અમદાવાદની એક હોટલમાં પણ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ટેકનિકલ તપાસ આધારે પોલીસે ફેબ્રુઆરી ૨૦૨૬માં આરોપીની ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.કોર્ટની કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે દિલીપસિંહ એમ ઠાકોરે પૂરતા દસ્તાવેજી પુરાવા સાક્ષીઓ રજૂ કરતા કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે સગીરાઓ સામેના આવા ગંભીર ગુનાઓમાં સમાજમાં દાખલો બેસે અને ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે માટે કડક સજા જરૂરી છે. સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ પોક્સો જજ હીના નિહાર દેસાઈની કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. કોર્ટે ધી ગુજરાત વિક્તિમ કમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૯ હેઠળ પીડિતાને આખરી વળતર પેટે ?૪ લાખ ચૂકવવા જરૂરી કાર્યવાહી કરવા સિટી સિવિલ કોર્ટની લીગલ સર્વિસ કમિટીને નિર્દેશ આપ્યો છે.