રાગ – વૈરાગ – ૨૬
એ આટલું તો માંડ બોલી શકી: “વખત વિપદા પાડે ત્યારે બધા જ છાંયા ઉઝડી જાય છે! યુવાની આવી અને આંખોમાં શમણા ના જે માળા બાંધ્યા’તા, એ માળા તો પાપિયા કાગડાઓએ સંપીને વીંખી નાખ્યા. આશરો શોધવા ગયા ત્યાં ભીંત ઉપર કરા પડ્યા. અને પછી જેમની આંખોમાં વિશ્વાસ ના ઘર જોયા ને એની ઓથે ઊભા રહ્યા એ તો સાપોલીયાના રાફડા હતા..! એ ક્યાં ખબર હતી? ભોળા હતા તો ભોળિયાનાથે સાચવીને અખંડ રાખ્યા. નહીંતર તો પીંખાઈ ગયા હોત..આનંદ!!’’
*
બહુ મોઘમ વાણી અને ભેદી શબ્દો હતા.
વિચારોમાં ને વિચારોમાં બાર વાગી ગયા.આનંદ વિચારતો હતોઃ .કે, એણે કહ્યું છે તો ગમે એમ કરીને આવશે.એ વચનની પાક્કી છે! .હૈયે ભરોસો હતો અને મનમાં ને મનમાં શ્રધ્ધાના દીપ ઝળહળતા હતા. એ દિવડા ઓલવાશે નહીં એવી ધરપત તો આનંદ ને હતી જ.!
આનંદે જ્યારે ધર્મશાળાનું સરનામું આપીને એક વાર મળવા આવવાનું વચન માગ્યું ત્યારે એણે હકારમાં માથું ધુણાવ્યું હતું…એના ચહેરા ઉપરની રેખાઓ કહેતી હતી કે એ જરૂર આવશે!!
પણ પછી નકારાત્મક અને નબળાં વિચારોના સૂસવાટામાં થર થર ધ્રૂજી રહેલા શ્રધ્ધાના દિવડા ને મનોમન સકારાત્મક અને ઊંડા ભરોસાની હથેળીઓ “ઓલવાવુ’ થઈ રહેલી દીવડાની જ્યોત ફરતે ગોઠવાઈ ગઈ પણ મનનો સંશય એમ.કેડો મૂકે એમ નહોતો.ઃ કે, ‘પણ એ આવી તો શકશે ને?’
તેની ભાષા ગહન હતી.પણ એ અને આશ્રમ..એ વાતનો કોઈ તાળો મળતો નહોતો.આનંદ ને થયું કે પોતે તેને અહીં આવવા મજબૂર તો નહોતો કરતો ને?? પણ એ આટલા વરસે મળી તો પછી એને નિરાંતે મળવા મન ક્યાં ઝાલ્યું રહે એમ હતું?!
**
– બાજુવાળા રૂમમાં ઉતરેલા અને ચારપાંચ દિવસથી મિત્ર બની ગયેલા અવિનાશભાઈએ સાદ પાડ્યોઃ આનંદભાઈ, ચાલો જમવા નથી આવવું? સમય ઓવર થઈ રહ્યો છે..!’’
“હા,હા..ચાલો… મેં હમણાં જ ઘડિયાળમાં જોયું. ત્યારે ખ્યાલ આવ્યો. પણ પછી મનની વાત મનમાં જ છૂપાવી દેતા હસી પડતા કહ્યું ઃ રાહ જ હતી તમારી….”
“હા, આનંદભાઈ, તમારો પરિચય થયો, ખૂબ ગમ્યું. તમે તો આટલા સારા સર્જક, કવિ, વાર્તાલેખક…’’ પણ પછી આસપાસ જોતા પૂછી નાખ્યું…ઃ “પૂજા નથી કે શું?”
“ના..અવિભાઈ, એ તો બધા મિત્રો ફરવા નીકળ્યા છે. મસૂરી બાજુ..’’
‘લે, તો તમે ના ગયા.?’
“ના રે ના અવિભાઈ.., એ યંગ જનરેશનની વચ્ચે આપણે કબૂતરો વચ્ચે કાગડા જેવા લાગીએ. એ લોકો ભલે એન્જોય કરતા. આપણે તો ભલુ આ હરિનું દ્વાર અને ભલો આ ગંગાનો કાંઠો..”
“હા, આનંદભાઈ, યુ આર ટોટલી રાઈટ…’’
બન્ને સાથે જમવા ગયા. ત્યાં ધર્મશાળામાં જ રસોડું હતું અને સ્વાદિષ્ટ ગુજરાતી રસોઈ થતી હતી. બન્ને મિત્રો પેટ ભરીને જમ્યા. આજે આનંદને ભૂખ પણ ખૂબ લાગી હતી. ખબર નહી, પણ કેમ? …નહીંતર તાવ અને કમળો થયા પછી ભૂખ લાગતી જ નહીં અને પૂજાની એ મોટી ફરીયાદ હતી. જમીને આનંદ રૂમે આવ્યો.આજે ઘણા દિવસો પછી સારીપટ જમાઈ ગયું હતું.તેની આંખો સહેજ ભારઝલ્લી થવા લાગી. એ પડખે થયો ને આંખમાં નીંદર ભરાવા લાગી. પૂજા ક્યારે આવે એનું તો કાઈ નક્કી જ નહોતું.સાંજે પણ આવે કે કાલ સવારે પણ આવે. તે ગઈ ત્યારે ખૂબ આગ્રહ કરતી હતી,“પપ્પા,એક વાર તમે આવો.ત્યાં મસૂરી ની પહાડીઓ ઉપર કૂદરતે છુટ્ટે હાથે પોતાનું સૌંદર્ય વેર્યું છે..પહાડીઓ, ઉપરથી વહેતા ઝરણા,ત્યાંની લીલીછમ્મ વૃક્ષવેલી, ..જન્નત જોઈ લો જાણે!’’ તમને કવિતાઓ ઉપર કવિતા સૂઝશે!!’’ અને એ હસી પડેલી.:“તમારા જમાનાની રોમેન્ટિક કવિતાઓ..’’
“હવે જા ને અલ્હડ છોકરી..’’ હસીને પોતે વાત વાળી લીધી હતી. કહ્યું હતું કે તમે જ જઈ આવો. નિરાંતે ફરી આવો.જ્યાં પણ આ રીતે રોકાવું હોય ત્યાં રોકાજો..નો ઓબ્જેક્શન..’’
પૂજા કહેતી હતી કે ત્યાં જુદા જુદા પ્રાકૃતિક સ્પોટ છે…ત્યાં ટેન્ટ નાખીને રાત્રિ પસાર કરવાની ખૂબ મજા આવશે.પણ પોતે ત્યાં જવાની અનિચ્છા બતાવી હતી.અત્યારે થયું કે પોતાની’ના’પાછળ કોઈ સંકેત જરૂર હશે!..એ સંકેત કદાચ રૂપા સાથે આ રીતે મળવાનો કે મળી જવાનો સંયોગ પણ હોય..!!
આનંદ વિચારોં ના વમળ માં આમતેમ ગડથોલા ખાતો હતો કે
ત્યાં જ ખાલી ઠાલું દીધેલું રૂમનું બારણું હળવેકથી ખૂલ્યું..બારણું ખૂલવાનો અવાજ આવ્યો કે, આનંદ પલંગ પરથી સફાળો બેઠો થઈ ગયો. જોયું તો રૂપા હતી. આનંદ પલંગ પરથી નીચે ઉતરીને તેને તેડવા સામો આવ્યો. રૂપાએ આસપાસ જોયું. આનંદ એકલો જ હતો. રૂપા ત્યાં ઊભી રહી ગઈ…અને પછી મંદ પગલે આનંદની સામે આવીને ઊભી રહી. આનંદે બારણું આડું કર્યું.
“અરે તું? અત્યારે??? ઓહ..!આવ….. ’’ આનંદને પણ ક્યા શબ્દોમાં તેનો આદર સત્કાર કરવો એ ઘડીક તો સૂઝયું જ નહીં. એને એમ હતું કે રૂપી કદાચ નહીં આવી શકે. પણ તેના આશ્ચર્ય વચ્ચે દીધેલું વચન
આભાર – નિહારીકા રવિયા પાળી બતાવ્યું!એના ચહેરા ઉપર થોડો ગભરાટ હતો પણ આનંદ પણ હવે સ્વસ્થ થઈ ગયો હતો..
“બેસ…બેસ… નિરાંતે બેસ. કોઈ ગભરાટ વગર બેસ.’’ તેણે કહ્યું પણ તોય થોડા ગભરાટ સાથે રૂપા સામેના બેડ ઉપર બેઠી.
“તું આવી…એ ગમ્યું, એમ કહુ એના કરતા તું જ્યાંથી આવી ત્યાંથી આવી શકી એ માટે તારી હિંમતને ધન્ય છે! કશુંક ભેદી અને રહસ્યમય છે તારી જીંદગી…. તેં મોધમ ઈશારાથી કહ્યું પણ હું સમજી ન શક્યો રૂપા.’’
“સારૂ છે, નહિંતર દુઃખી થાત.” રૂપાએ નજર ઢાળીને કહ્યું ઃ“તમારો સ્વભાવ બીજાના દુઃખે દુઃખી થવાનો છે. એ જાણુ છું અને હજીય એ સ્વભાવ બદલાયો નહીં જ હોય. કેમ કે. પ્રાણ અને પ્રકૃતિ હંમેશાં સાથે જ જાય છે.” બોલતા બોલતા તેના ચહેરા ઉપર આછું સ્મિત આવ્યું. પહેલીવાર તેના ચહેરા ઉપર ચિત્રનાં આછાં રંગે રંગના લસરકા જેવું સ્મિત જોઈને આનંદને તસલ્લી વળી. એણે ઊભા થઈને સામેના પોટમાંથી પાણીનો ગ્લાસ લઈને રૂપાને આપ્યું ઃ ‘હાંફી પણ ગઈ છે, અને થાકી પણ ગઈ છો..’’
“થાક…જીવતરનો થાક..’’ એકીશ્વાસે પાણી ગટગટાવી જઈને ગ્લાસ પાછો આપતા કહ્યું ઃ “જેટલી કાપી એટલો થાક નથી, એટલો થાક, હવે કેમ કપાશે એવા નબળાં વિચારોનો લાગે છે.’’
આનંદ કરૂણાભરી નજરે તેને તાકી રહ્યો. રૂપાએ આસપાસ જોયું. કે કોઈ છે કે નહીં? પણ આનંદે એનો ખુલાસો કરતા કહ્યું ઃ “અહીં મારા સિવાય કોઈ નથી. દીકરી તો કદાચ કાલેય આવે. એ આસપાસમાં ફરવા ગઈ છે, એક તું છે, એક હું છું. અને મને એટલી તો ખાતરી છે કે, મારી બીક તો તને નહીં લાગતી હોય.’’
બરાબર એજ સમયે કોઈ બહારથી આવીને રૂમનો દરવાજો ખોલવા ગયું તો રૂમમાં કોઈ સ્ત્રીનો અવાજ આવતો હતો. તે વ્યક્તિ થંભી ગઈ..આ અવાજ તો અજાણ્યો હતો.કોઈ દિવસ પણ સાંભળ્યો નથી આ અવાજ! તો પછી આ અવાજ કોનો હતો??
આવતલ વ્યક્તિ બહાર જ ઊભી રહી ગઈ ….
“ઓહ!!’’ એ સ્ત્રી ના શબ્દો સાવ ચોખ્ખા જ સંભળાતા હતા. “જેની ઉપર વિશ્વાસ મૂક્યો હતો એ બધા જ ફરેબ નીકળ્યા સાહેબ! અને હવે સઘળાં પુરૂષોમાં રાવણ જ દેખાય છે. ! જીંદગીમાં પહેલો અને છેલ્લો એક જ પુરૂષ…કે જેની સાથે દિવસ તો ગાળી શકું પણ એની સંગાથે કાળી માઝમ રાત્રે કોઈ રસ્તો કાપવાનો હોય, તો હું બેધડક નીકળી પડું એ પુરુષ એક માત્ર ‘ તમે છો. એ વાત છાતી ઉપર હાથ રાખીને બોલું છું.”
“અરે..! આ કોણ સ્ત્રી છે??’’ આવતલ વ્યક્તિએ બારણું સહેજ હડસેલ્યું.અને અને… (ક્રમશઃ)










































